- રાજનના કાળમાં NPA કરોડોનું થયું હતું
- જ્યારે અધિકારીના નામ આગળ ભૂતપૂર્વ લખાય ત્યારે તેના 'ઓપીનીયન'ને બળાપો કહેવાય
આપણે ત્યાં કોઈ નામ આગળ જ્યારે ભૂતપૂર્વ લખાય અને તેમનું કોઈ નિવેદન ઓપીનીયન આવે ત્યારે એટલું સમજી લેવું કે તેમાં બળાપો, ઉકળાટ, વણ માગેલી સલાહો અને 'હું'હોત તો વાળો સિન્ડ્રોમ જોવા મળે છે. ગાંધી પરિવારની નજીક રહેલાઓ જ્યારે રાજકારણમાંથી ફેંકાઈ ગયા ત્યારે તેમણે પુસ્તકો લખીને ગાંધી પરિવારની પ્રશંસાની સાથે સાથે થોડી 'અંદર'ની વાતો લખીને વિવાદ ઉભો કરતા હતા. ભૂતપૂર્વ અધિકારીઓ પણ પોતાના નિર્ણયોની સાહસ કથા વર્ણવતા હોય છે.
કોઈપણ નામ આગળ જ્યારે ભૂતપૂર્વ લખાય છે ત્યારે તેના ઓપીનીયનની કિંમત 'કોડી'ની થઇ જાય છે. આવા લોકો જ્યારે સત્તા પર હોય છે ત્યારે મીંદડીની જેમ ચૂપ બેઠા હોય છે તેની નજર સામે અને નાક નીચેથી ભ્રષ્ટાચાર થયો તે જોયા કરતા હતા. હોદ્દા પરથી ઉતર્યા અને નિવૃત્ત થયા બાદ આ લોકોની જીભમાં જાન આવે છે.
કોફી હાઉસમાં કે મોર્નિંગ વોકમાં મળતી બેઠકો દરમ્યાન થતા ચેટીંગમાં લોકો તેમને તેમના અનુભવો લખવાં 'પેન' ઉપાડવાનું કહે છે. તે જ્યારે લખવા વિચારે છે ત્યારે પત્રકારત્વનું માર્કેટીંગ કરતી ટોળકી તેમની પાસે પહોંચી જાય છે. પહેલાં નાના-મોટા અખબારમાં તેમની બાયલાઈન સાથેના લેખ ઘૂસાડાય છે પછી પુસ્તક લખવાની શરૃઆત થાય છે. જેમાં બે-ત્રણ ચેપ્ટરમાં મરી-મસાલા હોય છે.
દિવંગત ઇંદીરા ગાંધીના જીવન પર લખાયેલા પુસ્તકોમાં ઇંદીરા ગાંધીનો સંજય પ્રેમ અને વહુ મેનકાનો વિરોધવાળું ચેપ્ટર અનેકવાર જોવા મળ્યું છે. આવા લેખકો સંજય ગાંધી જીવતા હતા ત્યારે ગાંધી પરિવાર નજીક ફરકતા પણ નહોતા. ગાંધી પરિવાર બાહોશ છે. તેમના અંગે કોઈપણ પુસ્તકમાં થયેલી કોઈપણ પ્રકારની ટીકાનું તેમણે ખંડન કર્યું નહોતું.બ્યુરોકેટસ જ્યારે હોદ્દા પર હોય છે ત્યારે પોપટ બની જાય છે અને હોદ્દા પરથી ઉતર્યા પછી પોતાના ગુણગાન ગાવા પુસ્તક બહાર પાડે છે.
આ બધું આજે એટલે લખવું પડે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજન છાપરે ચઢીને કૂકડે કૂક કરી રહ્યા છે. પોતે હોત તો નોટબંધી લાદવા ના દેત જેવા નિવેદનોથી તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેમણે પણ પોતાની વાત કહેવા પુસ્તકનો સહારો લેવો પડયો છે.
પુસ્તક બહાર પાડતા પહેલાં તે અંગે વિવાદ ઉભો કરાય છે. અસ્સલ બોલીવુડ સ્ટાઇલ માર્કેટીંગ હોય છે. ફિલ્મ બહાર પડે તે પહેલા તેના સોંગ પર કેસ થાય છે; સંવાદો પર કેસ થાય છે; શૂટીંગના સ્થળે હુમલા થાય છે પછી ફિલ્મ પડદા પર આવે ત્યારે બધું ઠંડુ પડી જાય છે. વિવાદના કારણે ફિલ્મ જોવા આવતા દર્શકો ફિલ્મની ખોટ ભરપાઈ કરી આપે છે.
પુસ્તકોની દુનિયામાં પણ આવું જ છે. રઘુરામ રાજન આર્થિક નિષ્ણાત છે તે વાતમાં બે મત નથી પરંતુ સમાચારોની દુનિયામાં છવાઈ જવાની તેમને ધૂન ચઢી હોય એમ લાગે છે. તેમની આ ધૂન પાછળ તેમનું પુસ્તક 'આઈ ડુ વોટ આઈ ડુ'નું માર્કેટીંગ સીવાય બીજું કશું જ નથી.
રઘુરામરાજન એક કડવું સત્ય સ્વીકારવું જોઇએ કે બેંકોની નોન પરપોર્મીંગ એસેટ અર્થાત્ એનપીએ કરોડો રૃપિયામાં રમે છે. આ એનપીએના કારણે આર્થિક તંત્ર ભીંસમાં મુકાયું છે. આ એનપીએ રઘુરામ રાજનના કાળમાં જન્મેલું છે. ક્રેડીટ કાર્ડ દ્વારા બેંકોએ ગ્રાહકોને લૂંટવાની શરૃઆત કરી તે પણ રઘુરામ રાજનના કાળમાં થયું હતું.
રઘુરામરાજન જ્યારે રિઝર્વ બેન્કના ગવર્નર હતા ત્યારે તેમની પોઝીટીવ બાજુઓની જેમ નેગેટીવ બાજુઓ પણ હતી. યુપીએ સરકારના નાણા પ્રધાન પી.ચિદમ્બરમ્ અને રઘુરામ રાજનનો સ્વભાવ એક સરખો હતો. બંને કોઇનું સાંભળતા નહોતા, બંને અતડા રહેતા હતા અને કોઈ પ્રધાનનો ઓપીનીયન નહોતા સાંભળતા.
મોટા ભાગના અધિકારીઓ સત્તા પર હોય ત્યારે 'સ્પાઇન લેસ' હોય છે; તેમની આગળ જ્યારે ભૂતપૂર્વ લખાય છે ત્યારે તે ટટ્ટાર થવા પ્રયાસ કરે છે. તેમને સાંભળવા કોઈ ટોળે નથી વળતું કે નથી કોઈ પત્રકાર તેમને મળતા કેમ કે તે સત્તા પર નથી.
યુપીએ સરકારના સમયમાં રઘુરામ રાજન મોન્ટેકસિંહ વગેરેની એક ટીમ હતી. એનડીએ સરકાર પોતાની રીતે વહીવટ કરે છે. રઘુરામ રાજનને એક્સટેન્સન નહોતું અપાયું.દેશના આર્થિક તંત્રની ટીકા આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર કરે ત્યારે તે સ્વીકાર્ય નથી. તેથી હોદ્દાની ગરીમા લજવાય છે. જેને દેશના આર્થિક તંત્રની તિજોરીની અંદરની વાતો ખબર હોય તે ટીકા કરે ત્યારે તેમની પોતાની ઇમેજ નંદવાય છે સાથે સાથે દેશના લોકો પણ તેમને નફરત કરતા થાય છે.
Twitter: https://twitter.com/sudarshanbhai_
Twitter: https://twitter.com/sudarshanbhai_

Comments
Post a Comment