તગડી ફી લેતી સ્કૂલોએ વાલીઓનો ભરોસો તોડયો, હાથ અધ્ધર કર્યા

- સોટી વાગે ચમ-ચમવાળો જમાનો ગયો

- તોતિંગ દિવાલો વચ્ચે અસરગ્રસ્તોની ચીસ દબાઇ જાય છે : બાળકો સાથે નિખાલસ સંવાદ જરૃરી

આપણે એમ માનતા હતા કે, 'સોટી વાગે ચમ-ચમ, વિદ્યા આવે ધમ-ધમ (ફટાફટ) વાળી વાત નવા શિક્ષણ જગતમાં ભૂલાઈ ગઈ છે પરંતુ શિક્ષણ જગતમાંના રાક્ષસોએ શોષણના નવા માર્ગ શોધી કાઢ્યા છે. સ્કુલોની જવાબદારી માત્ર 'ફી' લેવા પુરતી નથી, તેમની જવાબદારી વિદ્યાર્થીની સાર-સંભાળ રાખવાની પણ છે.

વાલીઓ તેમના ઘરનો છોડ સ્કુલોને ઉછેરવા માટે મોંઘી ફી આપીને આપે છે પરંતુ સ્કુલો તો વિદ્યાર્થીઓમાં ડર ફેલાવતી આવી છે.

મોટી દિવાલો, તોતીંગ દરવાજાવાળી સ્કુલોની પાછળ વિદ્યાર્થીઓનું ભાવિ ચોક્કસ તત્વોના હાથમાં આવી જાય છે. અશિક્ષિત લોકો જ ગુનેગાર હોય છે એવું તો શિક્ષિત લોકોએ ક્યારનું ય ભૂંસી નાખ્યું છે.

માનસિક વિકૃતિ શિક્ષિત લોકોમાં પણ અશિક્ષિત જેટલી જ હોય છે. મોટી દિવાલો વચ્ચે થતા દમનની ચીસો અટવાઇ જાય છે. વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવા અને તારા પેરેન્ટસને બોલાવીશું તો તને મારશે એમ કહેતા નાના કિશોરોનું શોષણ કરતો એક વર્ગ છે.

બાળ ઉછેર, કિશોર ઉછેર, મુગ્ધાવસ્થાના ઉછેર વગેરે પર ધ્યાન નથી અપાતું કેમ કે સંયુક્ત કુટુંબો તૂટયા અને ફાધર-મધર બંને નોકરી કરતા થયા છે. જો આ બંને નોકરી ના કરે તો સારી સ્કુલની ફી પણ ના ભરી શકાય !!

મોટી સ્કૂલો સ્થાનિક સત્તાવાળાઓને ગાંઠતી નથી. તેમાં એડમિશન લેવા ટોચના સત્તાધીશો લાઇનમાં ઉભા હોય છે. આવી સ્કુલોના સંચાલકોની વગ એવી હોય છે કે તેમની સામેની ફરિયાદ પણ કોઇ સાંભળતું નથી.

જો ગુડગાંવની રેયન ઇન્ટરનેશનલ સ્કુલે નિયમોનું પાલન કર્યું હોત તો બીજા ધોરણમાં ભણતો ૭ વર્ષનો બાળક પ્રધ્યુમન આજે જીવતો હોત !!

કહે છે કે બસ કંડકટર આ ૭ વર્ષના બાળકની પાછળ-પાછળ યુરીનલમાં ગયો હતો. જયાં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરૃધ્ધનું કામ કરવા બળજબરી કરી હતી. બાળકે બૂમો પાડવાનો પ્રયાસ કરતાં તેના ગળા પર છરી ફેરવી દીધી હતી. ગુરગાંવની આ ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે.

રેયન ઇન્ટરનેશનલ તમામ કાયદા ખિસ્સામાં રાખીને ફરતી હતી. હરિયાણાની કોર્ટમાં એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઇનો એવો જવાબ મળ્યો હતો કે સ્કુલોમાં ફરતી પ્રાઇવેટ બસોનો કોઇ રેકોર્ડ રખાતો નથી કે તેમના કંડકટર-ડ્રાઇવર બાળકો સાથે કેવું વર્તન કરે છે તેનું ચેકીંગ પણ કરાતું નથી !!

શિક્ષણ સંસ્થાઓ મનમાની કરે છે એ નવી વાત નથી. એક વાર સંસ્થાનું નામ ગાજતું થઇ જાય પછી એડમિશન લેવા માટે લોકો પડાપડી કરે છે. ત્યારબાદ સંસ્થાનું શિક્ષણ કથળતું જાય છે. કેમ કે તે શિક્ષણના બદલે કમાણી પર વધુ ધ્યાન આપે છે.

આજકાલ ફાધર-મધર બંને નોકરી કરતા હોય છે ત્યારે પોતાના સંતાન માટે ફુલ-ડે વાળી સ્કુલ શોધે છે. જેમાં બાળક સવારનો જાય, ત્યાં જ ચા-નાસ્તો કરે ત્યાં જ જમે અને સાંજે ૪ વાગે પરત ફરે એવી વ્યવસ્થા ગોઠવાય છે. જો કે આ વ્યવસ્થાનો કોઇ વિકલ્પ નથી એટલે જ સંયુક્ત કુટુંબની પ્રથા મહત્વની લાગે છે. કેમ કે બાળકને હૂંફ મળી રહે છે.

ફી વધારાના મામલે આપણે ત્યાં પણ સરકારને સ્કુલો ગાંઠતી નથી. સરકાર કમિટી પર કમિટી બનાવે છે પણ સ્કુલોવાળા મનમાની ચાલુ રાખે છે. હકીકત એ છે કે મોટા ભાગની સ્કુલો કયાં તો વગદાર રાજકારણીઓ હસ્તકની છે અથવા તો તેમના બે નંબરના નાણાથી ઉભી થયેલી હોય છે.

તેમની સામેની કોઇપણ ગંભીર તપાસનું પિલ્લું વળી જાય છે. આપણે ત્યાં શિક્ષણ ક્ષેત્રના વગદાર  લોકોને 'શિક્ષણ માફીયા' કહેવાય છે.

કિશોર ઉછેર પાછળ ધ્યાન નથી અપાતું એટલે તો તે બ્લ્યુ વ્હેલ ચેલેન્જ જેવી ગેમના રવાડે ચઢીને જીંદગી ટુંકાવવાનું વિચારતો થઇ જાય છે. અહીં સૌથી મહત્વનું એ છે કે બજારમાં શોષણખોરો 'વરૃ'ની જેમ ભટકતા હોય છે. આ  લોકો નબળી સ્થિતીની રાહ જોઇને તક ઝડપી લે છે. જો વિદ્યાર્થી પ્રતિકાર નથી કરતો તો તે કાયમી શિકાર બનતો જાય છે.

પેરેન્ટસે પણ તેમના સંતાનો સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ. આવા સંવાદો સંતાનોને મનની વાત કહેવા પ્રેરે છે. તને પૂછે એટલું જ બોલ, ચૂપ રહે, વચ્ચે નહીં બોલવાનું, બોલવાની એટીકેટ આવડે છે કે નહીં જેવા મ્હેણાં-ટોણાંથી સંતાન અટુલુ થઈ જાય છે. તેને ઘણું કહેવું છે પણ પેરેન્ટસ પાસે સમય નથી, અંતે શોષણખોરો ત્રાટકે છે...

Comments