- વહેતી નદી અને બંધિયાર પાણીમાં ફર્ક છે
- ગ્લોબલ વૉર્મીંગ અને પર્યાવરણને નુકસાન; નવી પેઢીને વિસર્જનથી થતું નુકસાન સમજાવો
દશામા અને ગણપતિ વિસર્જન ગયા અઠવાડીયે વિદાય લઇ ચૂક્યું છે; હવે દુર્ગા માતાનું વિસર્જન આવશે પછી લાખો લોકો ભાઇબીજનું સ્નાન કરશે !! સારું છે કે નદીઓ બોલતી નથી નહીંતર ગણપતિ અને દુર્ગા વિસર્જન કરનારા એકે-એક લોકો પર કેસ કરત !!
ભગવાનને ઘેર પધરાવાય છે; કેટલા પ્રેમ-ભાવથી તેમને ઘેર રખાય છે અને વિદાય ગંદા પાણીમાં અપાય છે !! સરકાર ગમે એટલા કુંડ બનાવે કે માટીના ગણપતિ બનાવવા પ્રોત્સાહન આપે પણ ધર્મને વળગી રહેલા રૃઢીચુસ્તો ભગવાનને નદીમાં પધરાવવાની જીદ લઇને બેઠા છે !!
એક તરફ નદીઓ ગંદી છે; પાણીના ધાંધીયા છે, વહેતું પાણીવાળી નદી જોવા નર્મદાના કિનારે જવું પડે એવી સ્થિતિ છે. નાની નદીઓ ઉદાહરણ તરીકે સાબરમતી, યમુના વગેરેમાં તો મૂર્તિ વિસર્જન પછીનો બીજો દિવસ બહુ બિહામણો બની જાય છે. નહીં ડૂબેલી મૂર્તિઓના માથા બહાર દેખાય છે. શ્રધ્ધાળુઓ માટે આ સ્થિતિ અરેરાટી ભરી હોય છે.
કેન્દ્ર સરકાર નદીઓને જોડવાનો પ્રોજેક્ટ હાથ પર લઇ રહી છે. ગંગાશુદ્ધિકરણનું નાટક વર્ષોથી ચાલે છે. વારાણસી જનારાને ખબર છે કે પિતાનો મૃતદેહ પુત્ર સાઇકલની પાછળ કેરીયર પર બાંધીને લાવે છે; જેમ તેમ તેને અગ્નિદાહ આપે છે અને પછી ગંગામાં પધરાવી દે છે !! માછલીઓ આવા મૃતદેહની રાહ જોઇને બેઠી હોય એમ તેના પર તૂટી પડે છે. ગંગાસ્નાન કરવા ગયેલા ઘણાં લોકોને અડધો સડેલો પગ કે હાથ ટકરાય છે ત્યારે તે દોડતો કિનારે આવી જાય છે.
વિવિધ પ્રતિમાઓના નદીમાં વિસર્જનના કારણે નદીમાં રહ્યું-સહ્યું પાણી પણ ગંદુ થઇ જાય છે. પ્રતિમામાં રહેલા ઓઇલ પેન્ટના કારણે માછલી-કાચબા જેવા જળચર પ્રાણીઓ મોતને ભેટે છે.આપણે ત્યાં ગણપતિ વિસર્જનને નદીમાં થતું અટકાવવા પર પ્રતિબંધ લાદવો એમ કહેવું એ પણ બળવા સમાન છે. લોકો આંખે પટ્ટી બાંધીને ભક્તિ પણ કરે છે અને આંખે પટ્ટી બાંધીને વિસર્જન પણ કરે છે.
જેટલા ઊંચા ગણપતિ એટલું મોટું ગણપતિ મંડળ જેવા ભ્રમમાંથી બહાર નીકળવાની જરૃર છે. ભક્તિ માટે પધરાવાતી કોઇપણ પ્રતિમા એક ફૂટથી ઊંચી ના હોવી જોઇએ અને તે ફરજીયાત પણે માટીની હોવી જોઇએ જેવા આદેશો બહાર પાડવાની હિંમત સરકારે બતાવવી પડશે !! જો એમ નહીં થાય તો પર્યાવરણ માનવ જાતને સજા કરશે એ પણ સમજી લેવું જોઇએ.
જ્યાં મોટા માનવ સમુહ જોડાયેલો હોય છે ત્યાં સરકાર બાપડી-બિચ્ચારી બની જાય છે પરંતુ ગ્લોબલ વૉર્મીંગને સમજવા જેવું છે. આ વર્ષે સારો વરસાદ પડયો છે એનો અર્થ એ નથી કે દુકાળ પડત; આ વર્ષે વરસાદી પાણીના કારણે આવેલા વિનાશક પૂરે અનેક ગામોને ઉખેડી નાખ્યા છે અને ફળદ્રુપ જમીનો ધોઇ નાખી છે.
નદીમાં પધરાવાતી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ નદીમાં ઓગળતી નથી અને થોડા સમય પછી પાણીમાં તળીયે પડી રહે છે જેથી નદીની ઊંડાઇ ઘટે છે. ચોમાસામાં ડેમ ભરાય ત્યારે નદીમાં આવતા ધસમસતા પ્રવાહમાં તળીયું સાફ થાય છે ત્યાં સુધી પ્લાસ્ટર ઓફ પેરિસનો મલબો ત્યાંનો ત્યાં જ પડી રહે છે.
નદીને આપણે માતાનો દરજ્જો આપ્યો છે અને એજ નદીને આપણે સામે ચાલીને પ્રદૂષિત કરીએ છીએ !! યમુના નદી તો સૂકીભઠ છે છતાં તેમાં થોડું ઘણું જ્યાં પાણી છે ત્યાં લોકો ગણપતિનું વિસર્જન કરે છે. આવા શ્રધ્ધાળુઓને એમ કહેવામાં આવે છે કે ગણપતિ વિસર્જન કરીને પાછું નહીં જોવાનું; એમ ધર્મમાં કહ્યું છે.
આ બધો બકવાસ છે. પાછું એટલા માટે નહીં જોવાનું કે તમે વિસર્જીત કરેલી મૂર્તિને હડસેલીને બીજો કોઇ શ્રધ્ધાળુ ત્યાં પોતાની મૂર્તિ મૂકે છે માટે તે આપણે જોઇ શકતા નથી !! પાછું વળીને નહીં જોવાનું એક માત્ર કારણ આ હોય છે.
મુંબઇની દેખાદેખી અન્ય શહેરોમાં અને હવે તો દરેક ગામમાં ગણપતિ સ્થાપન થાય છે. મુંબઇમાં દરિયામાં વિસર્જન થાય છે, જ્યારે દરિયાથી દૂર રહેનારા માટે વિસર્જન કુંડ બનાવાયા હોય છે.
લોકોમાં ગણપતિની મોટી મૂર્તિનો ક્રેઝ જોવા મળે છે. મૂર્તિ સ્થાપન કરતી વખતે તેનું વિસર્જન કેવી રીતે કરીશું તે વિચારાય તો ઘણી સમસ્યા હલ થઇ શકે છે.
સરકારે સાધુ-સંતોને આગળ ધરીને મૂર્તિની એક ફૂટની ઊંચાઇ અને માટીની મૂર્તિ માટે પ્રચાર કરવા જેવો છે. જે લોકો નદીમાં મૂર્તિ નહીં પધરાવે એમ કહે તેમને રોકડ ઈનામ આપીને તેમના સહકારને વધાવવો જોઇએ.
વર્ષ ફટાફટ પતી જશે એ સ્થિતિમાં નદીમાં કોઇપણ પ્રકારની મૂર્તિ કે તાજીયા જેવી ધાર્મિક ચીજોને પધરાવવા પર મનાઇ ફરમાવવી જોઇએ. કાયદાને કોઇ ગાંઠતું નથી પણ પ્રેમથી સમજાવટને સૌ માને છે.
ધર્મને જેટલું માન આપવું જોઇએ એટલું જ માન પર્યાવરણને પણ મળવું જોઇએ. નદી આપણી માતા છે. એવું ગંદકી નહીં કરીને સાબિત કરી આપવું જોઇએ. નવી પેઢીને સમજાવટથી તૈયાર કરવી જોઇએ. દરેક 'આગે સે ચલી આતી હૈ'માં માને છે. પણ પર્યાવરણ અને ગ્લોબલ વૉર્મીંગની સમસ્યા મ્હોં ફાડીને ઊભી છે તે માનવજીવન દોજખભર્યું બનાવી શકે છે.

Comments
Post a Comment