- નીતીશ કુમાર પર લાલચ આપવાનો આરોપ
- નીતીશે મારેલા મરણતોલ ફટકાથી વિપક્ષ હજુ ઊભો નથી થયો; વધુ ને વધુ અટવાય છે
રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે પરંતુ બિહારમાં કોંગ્રેસ ભાગલા પડવાની દિશામાં આગળ વધી રહી છે. બિહારમાં જે મહાગઠબંધનની સરકાર હતી તેમાં કોંગ્રેસ; આરજેડી અને જેડી (યુ)નો સમાવેશ થતો હતો. જેડી (યુ)એ ભાજપ સાથે હાથ મીલાવતા લાલુપ્રસાદ યાદવનું આરજેડી અને કોંગ્રેસ એમ બે જ પક્ષો મહાગઠબંધનમાં રહ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ વારંવાર દિલ્હી જઇને મોવડીઓનું ધ્યાન દોર્યું હતું કે આપણે લાલુપ્રસાદ યાદવના ભ્રષ્ટ ફેમિલીથી છૂટકારો મેળવીને સ્વતંત્ર રીતે સંગઠન મજબુત બનાવવું જોઇએ. જોકે કોંગ્રેસ મોવડીમંડળને બિહારમાં બહુ રસ નહોતો. કોંગ્રેસ હવે લાલુપ્રસાદનો ઉપયોગ લોકસભાના જંગમાં વિપક્ષોના મહાગઠબંધનમાં કરવા માગે છે.
જોડાણવાળી સરકારો ચલાવવી બહુ અઘરી હોય છે. ક્યારે કયો મણકો ખરી પડે તે જાણી શકાતું નથી. લાલુપ્રસાદ યાદવના કુટુંબનો ભ્રષ્ટાચાર જોયા કરવો તેના બદલે રાજીનામું આપવું સારું એમ નીતીશકુમાર માનતા હતા.
હકીકત તો એ છે કે લાલુપ્રસાદ યાદવ અને નીતીશકુમાર વચ્ચેની આક્ષેપબાજીનો આનંદ લઇ રહેલી કોંગ્રેસને એ ખબર નહોતી કે પડદા પાછળ તેમના જ વિધાનસભ્યોને નીતીશકુમાર તોડી રહ્યા છે. કોંગ્રેસ એમ માનતી હતી કે નીતીશકુમાર અને સોનિયા - રાહુલ વચ્ચે સારા સંબંધો છે. એટલે તો નીતીશ ક્યારેય સ્થાનિક કોંગીજનો સાથે નહોતા બેસતા. નીતીશ કોંગ્રસના ટોપના નેતાઓ સાથે સીધી જ વાતચીત કરતા હતા. સોનિયા ગાંધી પણ નીતીશને બહુમાનથી જોતા હતા.
જોકે નીતીશકુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડયો ત્યારે સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીની સલાહ લીધી નહોતી. નીતીશે કોંગ્રેસના મહામંત્રી અને બિહારના ઈનચાર્જ સી.પી. જોશીને ફોનથી જાણ કરી હતી કે હું રાજીનામું આપું છું. જોકે ભાજપ સાથે જોડાવવાનો ગેમપ્લાન સૌ જાણતા હતા એટલે તો લાલુપ્રસાદ યાદવ તેમને વારંવાર પૂછતા હતા કે તમે ભાજપ સાથે નહીં જોડાવને !!
નીતીશકુમારે વિપક્ષોના જોડાણને મરણતોલ ફટકો માર્યો છે. હજુ વિપક્ષો તેમના નેતાનું નામ જાહેર કરતા નથી. ટેમ્પરરી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું નામ ચલાવાય છે પણ તેમનું નામ કોઇ ખાસ પ્રભાવ પાડી શકે એમ નથી.
વિપક્ષ અટવાયેલો છે અને ૨૦૧૯નું વર્ષ નજીક આવી રહ્યું છે. કોંગ્રેસ રાહુલ ગાંધી પર ભરોસો રાખીને બેઠી છે પણ રાહુલ ગાંધીનો રીસ્પોન્સ બરાબર નથી મળતો.
બિહારમાં મહાગઠબંધનના હાથમાંથી સરકાર સરી પડવા પાછળનું મુખ્ય કારણ કોંગ્રેસ છે એવું ચર્ચાઇ રહ્યું છે.
કેમકે ભાજપના સુશીલ મોદી જ્યારે લાલુપ્રસાદ યાદવના પુત્રની જમીનો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા હતા ત્યારે કોંગ્રેસ હાથ જોડીને બેસી રહી હતી. જ્યારે લાલુપ્રસાદ યાદવના પુત્ર અને નાયબ મુખ્યપ્રધાન તેજસ્વીનું રાજીનામું મંગાયું ત્યારે કોંગ્રેસે લાલુપ્રસાદને સમજાવીને તેજસ્વીનું રાજીનામું લઇ લીધું હોત તો આજે પણ બિહારમાં નીતીશના નેતૃત્વવાળી મહાગઠબંધનની સરકાર ચાલુ હોત ?!
જનતા દળ (યુ) અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો પોઝીટીવ હતા. કહે છે કે કોંગ્રેસ સાથે નીતીશના સંબંધો તૂટે તે માટે લાલુપ્રસાદ યાદવે ખૂબ પ્રયાસો કર્યા હતા. લાલુ એમ ઈચ્છતા હતા કે બિહારમાં મુખ્યપ્રધાન નીતીશ બધું તેમને પૂછીને જ કરે !! નીતીશના સ્વભાવ પ્રમાણે આ સેટીંગ નહોતું. એટલે તો તેમણે ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા તેજસ્વીનું રાજીનામું માગવાના બદલે પોતે જ રાજીનામું આપી દીધું અને ભાજપ સાથે સરકાર બનાવી દીધી.
બિહારમાં કોંગ્રેસ સામે બેધારી તલવાર છે. જો તે રાજ્યમાં લાલુ સાથે છેડો ફાડે તો ૨૦૧૯ની લોકસભામાં વિપક્ષોનું જોડાણ અત્યારથી જ તૂટી જાય એમ છે અને જો તે લાલુ સાથે જોડાણ ચાલુ રાખશે તો બિહારમાં કોંગ્રેસ તૂટી જશે. કોંગ્રેસની કમનસીબી એ છે કે તે રાહુલ ગાંધીને પૂછ્યા વિના કોઇ નિર્ણય લઇ શકતા નથી.
બિહારમાં કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે. બિહારમાં ભાજપની નજર બિહારની ૪૦ બેઠકો પર છે એટલે તેને કોંગ્રેસ નબળી પડે તેમાં રસ છે. ભાજપ પાસે નીતીશકુમાર છે. નીતીશના ખભે બંદૂક મૂકીને ભાજપ બિહાર કોંગ્રેસનું સંગઠન તોડી રહ્યું છે.
લાલુ પ્રસાદ યાદવ અને તેમના ફેમિલીને સીબીઆઈ પૂછપરછ માટે બોલાવે તે હવે સમાચાર નથી રહ્યા કેમ કે આ વાત રૃટિન બની ગઈ છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર સામેની સીબીઆઈની તપાસ ધરપકડ સુધી દોરી જશે. હાલમાં નીતીશ અને સુશિલ મોદી એમ બંને લાલુના ફમિલીના ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં વ્યસ્ત છે.
જો લાલુ પ્રસાદ કે તેમના પુત્રની ધરપકડ થશે તો તે વિપક્ષી એકતા પર વધુ એક ફટકા સમાન બની રહેશે. વિપક્ષી એકતાને બિહાર નડી રહ્યું છે. એકવાર નીતીશ નડયા હવે લાલુ ફમિલી નડશે !!

Comments
Post a Comment