- નાસિકમાં ડુંગળીના ભાવોની સિન્ડીકેટ પકડાઈ
- વધતા ભાવો પાછળ સિન્ડીકેટ જવાબદાર છે એવું કોમનમેન જાણે છે પણ સરકાર નથી જાણતી
સિન્ડિકેટની સ્થિતિ હવે ઠેર-ઠેર જોવા મળે છે. સિન્ડિકેટ સાથે રમનારા પોતાના લાભની વાત વધુ કરે છે અને અન્યોનો વિચાર ક્યારેય કરતી નથી.
કોલેજની ચૂંટણીઓ હોય કે ક્રેડીટ સોસાયટીઓની મિટિંગો હોય પણ જ્યાં સિન્ડિકેટથી જંગ લડાય છે ત્યાં અન્ય લોકો ફાવી શકતા નથી.
આવી સિન્ડિકેટ ચૂંટણીઓ સુધી કે શેરબજાર સુધી મર્યાદિત રહે ત્યાં સુથી ઠીક છે પણ હવે તો ડુંગળી - ટામેટાના ભાવોમાં પણ હોલસેલરો સિન્ડિકેટ ઊભી કરીને પ્રજાને લૂંટે છે. આવી સિન્ડિકેટ ભાવોની અને કૃત્રિમ અછત સાથે સંકળાયેલી હોય છે.
ભારતની પ્રજાના આંખમાં વારંવાર આંસુ લાવતો ડુંગળીનો ભાવ વધારો એક સળગતી સમસ્યા બની ગઇ હતી. ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે ગયા અઠવાડીયે નાસિકમાં દરોડા પાડીને એક ચોંકાવનારું કૌભાંડ પકડી પાડયું છે.
નાસિક નજીક આવેલા લસાલ ગામમાં ડુંગળીનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. અહીં રોજેરોજ આવતી હજારો ક્વીન્ટલ ડુંગળીનું નાના માર્કેટમાં વિતરણ થાય છે, ત્યાંથી તે રીટેલ માર્કેટમાં પહોંચે છે. ત્યાંથી પ્રજા પાસે પહોંચે છે.
નાસિક નજીકના હોલસેલ માર્કેટમાંની વેપારી સિન્ડિકેટમાં શરૃઆતનો માલ વેચાય છે. આ સિન્ડિકેટ ડુંગળીની અછત ના હોવા છતાં અછત બતાવીને સ્ટોક તબક્કાવાર બહાર લાવે છે.
રોજીંદા વપરાશમાં લેવાતી દરેક કોમોડીટીમાં આવી સિન્ડિકેટ કામ કરતી હોય છે. આ લોકો ખેડૂતને પણ લૂંટે છે અને પ્રજાને લૂંટે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે પ્રજા શરૃઆતથી જ કહેતી આવી છે કે હોલસેલરોની સિન્ડિકેટ ચાલે છે તેની તપાસ કરો. તપાસ અધિકારીઓ નાસિક જતા હતા પણ હોલસેલરોએ શીખવાડેલો અછતનો મંત્ર પઢીને બહાર આવતા હતા.
ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે નોંધ્યું હતું કે સિન્ડિકેટ ધરાવતા વેપારીઓના ચોપડે સાત જ દિવસમાં નફામાં ઊછાળો નોંધાતો હતો. આ વેપારીઓ માલની અછત બતાવીને માલ વેચતા નહોતા અને તગડો નફો ઉસેટી લેતા હતા. ડુંગળીના સપ્લાયમાં કોઇ ફેર નહોતો છતાં તેમના ચોપડે અચાનક નફો નોંધાવા લાગતો હતો.
ડીમાન્ડ અને સપ્લાય પર વધુ નજર રાખતા ખ્યાલ આવ્યો હતો કે આ જથ્થામાં વારંવાર વધ-ઘટ થતી હતી. હોલસેલ માર્કેટમાં આવતો ડુંગળીનો જથ્થો સિન્ડિકેટમાં વેચી દેવાતો હતો. તેની કૃત્રિમ અછત ઊભી કરાઇને આ સિન્ડિકેટ કરોડો કમાતી હતી. આખું કૌભાંડ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે નફાના અચાનક ઉછાળા પરથી પકડી પાડયું હતું.
રોજીંદી ચીજો અચાનક માર્કેટમાંથી અદ્રશ્ય થઇ જાય ત્યારે પ્રજાને તરત જ સિન્ડિકેટ યાદ આવે છે. મધ્યમવર્ગ રોજીંદા વપરાશમાં જે ખાદ્ય ચીજોનો ઉપયોગ કરે છે તેમાં વધારો થાય છે ત્યારે લોકોમાં ઉહાપોહ થાય છે. તરત જ ઓછા ઉત્પાદન અંગેના સરકારી નિવેદનો બહાર પડે છે. કોઇને ઉત્પાદનના ચોક્કસ આંકડાની ખબર નથી હોતી અને ભાવો વધી જાય છે.
ડુંગળીના ભાવો તો પ્રજાને વારંવાર રડાવતા આવ્યા છે. દિલ્હીની સરકાર ડુંગળીના ભાવો હેઠળ દબાઇને હારી હતી. ત્યારે ડુંગળી માફીયાઓ રાજકારણીઓના હાથમાં રમે છે એવા આક્ષેપો થયા હતા.
સિન્ડિકેટને ચંડાળ ચોકડી કહી શકાય. આ લોકો જથ્થો ખરીદી લે છે અને પછી મન ભાવે એવા ભાવો સાથે વેચે છે. ઉત્પાદક એવા કિસાનોની ક્યારેય કોઇ દરકાર કરતું નથી. સારું છે કે કિસાનો આર્થિક કાવાદાવા નથી જાણતા નહીંતર જો કિસાનો ભાવોની સિન્ડિકેટ ઊભી કરે તો હોલસેલરોને ફાંફા પડી જાય છે. હોલસેલરો એટલા પૈસાદાર હોય છે કે પાક જમીનમાં તૈયાર થતો હોય ત્યારે જ તેનો સસ્તાભાવે સોદો કરી નાખે છે.
ડુંગળી એ રોજીંદી જરૃરીયાતવાળી ચીજ છે. તેની અછતથી ભલભલી સરકારોને પરસેવો લાવી દેતી હતી. આવી સિન્ડિકેટો ઘણી વાર રાજકીય પક્ષોના હાથા બનીને પણ કામ કરતી હશે એમ મનાય છે.
માર્કેટમાંની કેટલીક સિન્ડિકેટ પરવરથી માંડીને કારેલા, ટામેટાંના ભાવોને પણ અછત બતાવીને ઊંચા લાવી શકે છે. સત્તાવાળાઓ વર્ષોથી ઊંઘતા હતા. ખેડૂતો પાસેથી સસ્તામાં માલ ખંખેરી લઇને પછી તેની સિન્ડિકેટ દ્વારા અછત ઊભી કરીને પ્રજાની આંખમાં આંસુ આવી જાય એ હદે ભાવો વધારી દેવાય છે.
જે સિન્ડિકેટ અંગે કોમનમેન તરત જાણે છે તે સરકાર જાણી શકતી નથી કેમકે અધિકારીઓમાં પણ સિન્ડિકેટ હોય છે. કૃષિ કોમોડિટી ક્ષેત્રે સત્તાવાળાઓએ હોલસેલ માર્કેટમાં વેચાણ ઉપરાંત સીધા વેચાણની સિસ્ટમને પ્રોત્સાહન આપવા જેવું છે.
ગ્રાહક અને ઉત્પાદન કરનાર કિસાન વચ્ચે સીધો સંવાદ ઊભો કરવાની જરૃર છે. જેના કારણે કિસાન પોતાનો માલ હોલસેલર્સને વેચવા ધક્કા ના ખાય !!
રોજીંદા વપરાશની ચીજોમાં સિન્ડિકેટનાં દૂષણને પ્રવેશવા દેવું ના જોઇએ. હોલસેલ માર્કેટમાં ૮૦ રૃપિયે ૨૦ કિલો ટામેટા વેચીને ઘેર જતો કિસાન બીજા દિવસે અખબારમાં ટામેટાનો ભાવ ૮૦ રૃપિયે કિલો વાંચે છે ત્યારે તે ફસડાઇ પડે છે. ઉત્પાદન માટે જેણે કાળી મજૂરી કરી છે તેના હાથમાં ચપ્પણીયું પણ આવતું નથી.

Comments
Post a Comment