- ચિદમ્બરમ્ કહે છે કે નોટબંધીને સમર્થન આપનારા આર્થિક નિષ્ણાતોને નોબલ એવોર્ડ આપો
- રિઝર્વ બેન્કે નોટબંધીને લીલીઝંડી આપી હોઈ ગવર્નર ઉર્જિતને પણ જવાબદાર ગણવા જોઈએ
નોટબંધીનો દેખીતો ફિઆસ્કો થયો છે. ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે તો એટલે સુધી કહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ૧૫ હજાર કરોડ મેળવ્યા અને નવી નોટો છાપવામાં ૨૧ હજાર કરોડ ગુમાવ્યા. છ હજાર કરોડનો 'ગેપ' અર્થાત્ ફટકો !! નોટબંધીના નિર્ણયને સમર્થન આપનાર અર્થશાસ્ત્રીઓને તો નૉબલ પુરસ્કાર આપવો જોઇએ !!
ચિદમ્બરમ્ વિરોધ પક્ષમાં છે એટલે તેમની વાત કાઢી નાખવા જેવી નથી કેમકે તે પણ દેશના નાણાંપ્રધાન રહી ચૂક્યા છે. આટલું મોટું ડીંડક ચાલ્યું અને કોઇને કશી ખબર પણ ના પડી !! જોકે આરબીઆઈનો એન્યુઅલ રીપોર્ટ આવ્યો અને નોટબંધીની સફળતા સરકારી ઢોલકને કાણું પડી ગયું હતું.
નોટબંધીથી હાલાકીના વાદળો ધીમે ધીમે વિખરાયા હતા. બધા જાણવા માગતા હતા કે બ્લેકમની કેટલા પકડાયા ? સરકાર ગળે ઉતરે એવો કોઇ જવાબ આપતી નહોતી. વાત અબજોની હતી. કોમનમેનને તો સરળતાથી પૈસો મળી રહે તેમાં જ રસ હતો. દેશભરમાંથી બ્લેકમનીના થપ્પા પકડાતા હતા.
ભારતના જીડીપી ગ્રોથ પર બ્લેકમની અસર કરતા હોઇ નોટબંધી દ્વારા બ્લેકમની જપ્ત કરવા કડક પગલાં લેવાયા છે એવો પ્રચાર સરકાર કરતી હતી. નબળા વિપક્ષોના કારણે સત્તાધારી એનડીએ પોતાનું ધાર્યું કર્યા કરતી હતી. બ્લેકમની પકડવામાં દેશના દરેક નાગરિકને રસ હોઇ સૌએ લાંબી લાઇનોમાં ઊભા રહીને પણ સરકારના પગલાંને ટેકો આપ્યો હતો.
મૂળ વાત હવે આવે છે. નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવતા મોદી સરકાર સામે કોઇ લાંબો વિરોધ ના થયો તે તેની સિધ્ધી હતી. પરંતુ રિઝર્વ બેંકના એન્યુઅલ રીપોર્ટે આ સિધ્ધિનો ફુગ્ગો ફોડી નાખ્યો હતો. રિઝર્વ બેંકે દર્શાવેલા ડેટા અનુસાર ચલણના વ્યવહારમાંથી ૧૫.૪૪ લાખ કરોડ જેટલી કરંસી નોટ પૈકી ૧૫.૨૮ લાખ કરોડની નોટ ચલણમાંથી પાછી આવી ગઇ છે.
જ્યારે ૧૫ હજાર કરોડ હજુ બેંકોમાં ડિપોઝીટ થઇ નથી. નોટબંધી પછી પાછું શું આવ્યું તેનું ગણિત જ્યારે લોકોને ખબર પડયું ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. આટલી બધી હેરાનગતી અને મથામણ પછી ૯૯ ટકા નોટો પાછી આવી છે અને માત્ર એક ટકા નોટો હજુ બેંકોમાં જમા થઇ નથી.
આ મુદ્દાને બે રીતે મૂલવી શકાય. એક તો એમ કહેવાય કે ૧૮ હજાર કરોડની નોટો હજુ અદ્રશ્ય છે અને ટીકા એવી રીતે થઇ શકે કે દળી-દળીને શું મળ્યું ? ૯૯ ટકા નોટો તો પાછી આવી ગઇ છે !!
સામાન્ય લાગતી આ વાત હવે વિવાદાસ્પદ બની છે. નોટબંધીનો આઇડિયા સરકારને આપ્યો કોણે ? બ્લેકમની બહાર કાઢવા માટે આઇડિયા બરાબર હતો કે નહીં તે સામે પણ પ્રશ્નાર્થ છે.
રિઝર્વ બેન્કે નોટબંધીના નિર્ણયને લીલીઝંડી આપ્યા બાદ તેની પણ જવાબદારી વધતી હતી. જો નોટબંધી પાછળ કંઇ ઉકળી શકવાનું નહોતું તો પછી આરબીઆઇએ લીલીંઝંડી શા માટે આપી હતી.
નોટબંધીની અસર પર નીમાયેલી સંસદીય બોર્ડની સ્ટેન્ડીંગ કમિટી તો બરાબરની છંછેડાઇ છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે લોકોને ડીજીટલ પેમેન્ટ તરફ વાળવા તેમને બાનમાં લઇ શકાય નહીં !! આરબીઆઈના નિર્ણય સામે આર્થિક નિષ્ણાતો શેઇમ-શેઇમ કહી રહ્યા છે.
નોટબંધીના દેખીતા ફિઆસ્કા પછી સરકાર ડીફેન્સ રમી રહી છે. સરકારના પ્રવકતા બ્લેકમનીની વાતોને આગળ ધરે છે પણ ચોક્કસ આંકડા આપી શકતા નથી.
નાણાંપ્રધાન જેટલી નોટબંધીના બચાવમાં ઉતરે તે સ્વભાવિક છે પણ સામે છેડે ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ મેદાનમાં આવ્યા છે. લાગે છે કે સરકારને ભીડવવા કોંગ્રેસે ચિદમ્બરમ્ને છૂટો દોર આપ્યો છે. અહીં મહત્વનું એ છે કે ભૂતપૂર્વ યુપીએ સરકારમાં બે આર્થિક નિષ્ણાતો હતા.
એક વડાપ્રધાન મનમોહનસિંહ અને બીજા હતા પી. ચિદમ્બરમ્ !! પરંતુ કમનસીબી એ હતી કે બંનેને એકબીજા સાથે બનતું નહોતું !! પી. ચિદમ્બરમ્ સ્વભાવે અરોગન્ટ છે એટલે કોંગ્રેસના સીનિયરોને પણ તેમની સાથે બહુ બનતું નથી !!
હવે નોટબંધીનો મુદ્દો વિપક્ષના લાભમાં આવી ગયો છે. ૨૦૧૯ના જંગમાં કે અન્ય વિધાનસભાના જંગમાં વિપક્ષો આ મુદ્દો ઊઠાવીને સત્તાધારી પક્ષને મૂંઝવી શકે છે. નોટબંધીના કિસ્સામાં મોદી સરકાર ભરાઇ શકે છે. લોકોને પડેલી હાલાકી અને કોઇ મોટો લાભ ના થયો તે મુદ્દાને વધુ વિવાદાસ્પદ બનાવી શકાય એમ છે.
અંતિમ પરિણામ એ છે કે એક ટકો રકમ અદ્રશ્ય છે. આટલી મોટી ઈકોનોમીમાં તો આ કાન-ખજૂરાના એક પગ જેટલું છે.
નોટબંધી સરકારને બૂમરેંગ સમાન નીવડશે તે નક્કી છે.

Comments
Post a Comment