- દિવાળી આડે માત્ર અને માત્ર 18 દિવસ બાકી
- ઑનલાઈન સાઇટ પર સેલની તીવ્ર સ્પર્ધા યુવાનો બજારના બદલે ઇ-કોમર્સ પસંદ કરે છે
આજથી દિવાળી માત્ર 18 દિવસ દુર છે. અડધી નવરાત્રિ પુરી થઇ છતાં બજારોમાં ક્યાંય ઘરાકીનો માહોલ જામતો નથી. દિવાળી તો તેજી લઇને આવતી હોય છે પણ મોંઘવારીના રાક્ષસે તેજીને હણી લીધી છે. મોંઘવારીનો માર મધ્યમવર્ગ સહન કરી શક્તો નથી.
કોઈપણ તહેવારો ઉજવવામાં અગ્રેસર મધ્યમ વર્ગ હોય છે. રવિવારે રમા એકાદશી (અગિયારસ) છે. ત્યારથી દિવાળીના દિવસો શરૃ થશે. કોરિયાના કિમજોંગની અણુબોંબ ફેંકવાની ધમકીથી બજાર સંકોચાઈ ગયું છે. કાચબાની જેમ બજારોએ પણ અંગો અંદર ખેંચી લીધાં છે.
ગ્રાહકો વિનાના આજના બજારો એવો સંકેત આપે છે કે દિવાળી સારી નહીં જાય !! સારી નહીં જાય એટલે કે નફાકારક નહીં જાય. આવી મંદી પાછળના કેટલાક કારણો છે જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ; યુદ્ધની અફવાઓ, ઓનલાઈન બોનાન્ઝા સેલ, પેટ્રોલ ડીઝલના વધતાં ભાવો અને હતાશાનો માહોલ જવાબદાર છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષનો અમલ ઉતાવળો થયો છે તે વાત તો દરેક આર્થિક નિષ્ણાત પણ કહેતા થઇ ગયા છે. આ જીએસટીના વિરોધમાં અનેક બજારો બંધ રહ્યા હતા. સરકારે એમ જણાવ્યું છે કે વિશાળ વર્ગ ટેક્સ નહોતો ભરતો અને આખા દેશમાં સમાન ટેક્ષનું માળખું ઊભું કરાયું છે. લોકોએ પણ શરૃમાં આ નવતર પગલું આવકાર્યું હતું.
પરંતુ જીએસટી નંબર લેવાથી માંડીને તેમાં ટેક્સ ભરવાની માથાકૂટથી વેપારીઓ કંટાળ્યા છે. વારંવાર સર્વર ખોટકાઈ જવા; અને વારંવાર પ્રજાને દંડની જોગવાઈ બતાવવાના કારણે લોકો કંટાળ્યા છે. સરકાર વેપારીઓની સમસ્યા સાંભળતી નથી. વેપારીઓમાં જીએસટીના કારણે પ્રસરેલી નારાજગી પણ મંદીનું કારણ હોઈ શકે છે.
સંભવિત યુદ્ધની અફવાઓની બજારો પર ઘેરી અસર પડે છે. પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની અફવા ચાલતી હતી પરંતુ હવે તો નોર્થ કોરિયા અમેરિકા પર હાઈડ્રોજન બોંબ ઝીંકવાની સીધી જ ધમકી આપે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમજોંગ બંને તોફાની નેતાઓ છે અને યુદ્ધખોર માનસ ધરાવે છે. આ બંનેના હાથમાં અણુબોંબ છે. આ બંને ધમકીના સૂરમાં વાતો કરે છે પણ આગામી સમય અનિશ્ચિતતા વચ્ચે ઘેરાયેલો છે. સુપર પાવર અમેરિકા ગંભીર પગલાં લેવાના મૂડમાં છે.
ઑનલાઈન સેલ કરતી ઇ-કોમર્સ વેબસાઇટો વચ્ચે વેચાણ માટે સ્પર્ધા ચાલે છે. નવી જનરેશન અર્થાત્ ૩૦ વર્ષની ઉપર સુધીનાઓ ઓનલાઈન ખરીદી કરતા થઇ ગયા છે. બુટ સ્લીપરથી માંડીને તૈયાર કપડાં સુધીની ચીજો લોકો ઓનલાઈન મંગાવવાને ફેશન ગણે છે.
મોટા શહેરોમાં ઓનલાઈન ખરીદીનો જેટલો ક્રેઝ છે એટલો જ ક્રેઝ ટાઉન લેવલ અને ગામડાઓમાં પણ છે. શિક્ષણમાં ઇન્ટરનેટ પ્રવેશ્યા પછી યુવાનો ઑનલાઈન મળતી ચીજો સસ્તાદરે ખરીદતા થયા છે જેની સીધી અસર સ્થાનિક બજારો પર પડે છે.
કિમજોંગે વૈશ્વિક તખતો આંચકી લીધો છે. લોકો ત્રાસવાદની ચર્ચા કરવાના બદલે કિમજોંગના ખંધા હાસ્યની ચર્ચા કરી રહ્યા છે. કોઈ રાજકીય સમિક્ષક ભવિષ્યની સ્થિતિ અંગે કશું જણાવી શકે એમ નથી. આ બંને ચહેરાએ બજારને ગભરાવી મુક્યું છે. શેરબજારની ચડ-ઉતર પાછળ યુદ્ધનો ડર રહેલો છે.
દિવાળી ટાણે બજારોમાં ખરીદીની ચમક નવરાત્રિના પ્રથમ દિવસથી જોવા મળે છે. શ્રાધ્ધ પૂરા થયા નથી કે ખરીદી શરૃ થઈ નથી પરંતુ આ વખતે નવરાત્રિના ચોથા દિવસ સુધી પણ ગ્રાહકોની રાહ જોઇને વેપારી બેસી રહ્યો છે.
દિવાળી માંડ ૧૮ દિવસ દુર છે ત્યારની સ્થિતિ જોતાં એમ લાગે છે કે છેલ્લા ચાર દિવસો દરમ્યાન બજારમાં ભીડ જોવા મળશે પરંતુ આ ભીડ કોડીયાં, સ્ટીકર કે તારામંડળ ખરીદીની હશે એમ મનાય છે. છેલ્લે ખરીદી કરવા નીકળનારા સસ્તું મળશેની આશાએ ખરીદી કરે છે.
એક વાત નિશ્ચિત છે કે બજારો અને વેપારને પ્રસરવા માટેનું સાનુકુળ વાતાવરણ મોદી સરકાર ઉભું કરી શકી નથી. ડગલે ને પગલે સરકારી ચંચુપાત એમ બતાવે છે કે ઇન્સ્પેકટર રાજ આવી ગયું છે. વેપારીઓ મુક્તમને ધંધો કરી શક્તા નથી.
જીએસટીના ગણિત હજુ વેપારીઓના મનમાં ઉતરતા નથી.જીએસટીએ અંતે તો પ્રજા પર બોજ વધાર્યો છે. જીએસટીની ટૂંકાગાળાની અસરો જોવા મળી છે જેમાં વેપારીઓ ત્રસ્ત છે અને દરેક ચીજોના ભાવ વત્તે-ઓછે અંશે વધ્યા છે. લાંબાગાળાની અસર માટે બીજા ત્રણ-ચાર વર્ષ રાહ જોવી પડશે.
જેમ ખેડૂતો આકાશ તરફ જોઇને કહી શકે કે વરસાદ આવશે કે નહીં એમ બજારની નાડના પારખુઓ કહે છે કે દિવળી 'ફ્લોપ' શૉ છે. દિવા ઝગમગશે પણ; થોડા ફટાકડા ફૂટશે, બોનસ વહેંચાશે પણ ખરીદીમાં અડધો-અડધ કાપ મુકાશે તે નક્કી છે.

Comments
Post a Comment