- પીડિતાનો ચહેરો પેલેસ્ટાઈનનો હતો
- અમે વિકાસનો પંથ પકડયો, તમે ત્રાસવાદનો.. સુષ્માની સ્પષ્ટ વાત..
ગયા અઠવાડીયે જ આ કોલમમાં લખ્યું હતું કે સુષ્મા સ્વરાજ મહિષાસુર મર્દીની સમાન બની રહેશે. ભારતે પાકિસ્તાનને ભીંસમાં લેવા બદલેલો વ્યૂહ કામમાં આવી રહ્યો છે. સરહદે ત્રાસવાદીઓને પકડીને સરકારી રોટલા ખાવા જેલમાં ગોંધી રાખવાના બદલે તેમને ઠાર મારવાની નીતિથી કાશ્મીરના ત્રાસવાદીઓ ઠંડા પડયા છે તો બીજી તરફ વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને ટેરરિસ્તાન કહીને ભારતે પાકિસ્તાનનું રહ્યું-સહ્યું મનોબળ તોડી નાખ્યું છે.
ભારતમાં રહેલા પાકિસ્તાનના હિતેચ્છુઓ શું કરવું એ સમજી શકતા નથી. અરૃંધતી રોય જેવા લેખકો તેમની મદદમાં આવી શકે એમ છે. એક સમયે આ ફાઇવસ્ટાર લેખિકાએ એવો ઓપીનીયન આપ્યો હતો કે પાકિસ્તાનને કાશ્મીર સોંપવું જોઇએ જેથી હિંસાચાર અટકી જાય !! જોકે અરૃંધતી પર ઘણાં માછલાં ધોવાયા હતા.
આશ્ચર્ય તો એ વાતનું છે કે ત્રાસવાદીઓને બાપડા-બિચ્ચારા કહેતો એક વર્ગ છે. આવા લોકો ઉદારમતવાદી ચહેરો ધરાવીને ભારતના વિરોધીઓને ભડકાવતા હોય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સામે મીરર ધરીને તેમનું મોં બતાવીને કહ્યું છે કે ક્યાં અમે અને ક્યાં તમે ? તમે ત્રાસવાદને ઉછેર્યો અને અમે વિકાસને વળગી રહ્યા !! ભારતનો વિશ્વમાં ડંકો વાગે છે તો પાકિસ્તાનને બીન સત્તાવાર રીતે ત્રાસવાદી રાષ્ટ્ર ગણાવાય છે.
ભૂતકાળની સરકારો પાકિસ્તાનનું નામ લીધા વગર પડોશી દેશ ત્રાસવાદ ફેલાવે છે એમ કહેતી હતી પરંતુ સુષ્મા સ્વરાજે તો તડ્-ફડ્ કરી નાખ્યું છે. પાકિસ્તાન ટેરરીસ્તાન છે એમ કહીને ભારતે અમેરિકા, જાપાન સહિતના ત્રાસવાદ સામે જંગ ખેલતા દેશોની પ્રશંસા મેળવી છે.
જે લોકો સુષ્મા સ્વરાજનું ભાષણ ચુકી ગયા છે તે લોકોએ યુ-ટયુબ પર તેમનું સંબોધન સાંભળવું જોઇએ. તેમાં ઝનૂન, કટાક્ષ, નફરત અને અમારી સરખામણીમાં તમે સાવ પછાત તો એમ કહેવાની હિંમત દેખાય છે.
પાકિસ્તાન તો હેવૉક-ડેથ અને અમાનવીયતા એક્સપોર્ટ કરતો દેશ છે એવું સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં સુષ્મા ખોંખારીને કહે ત્યારે તેમને સાંભળનાર લાખો ભારતીય ગર્વથી તાલી પાડી ઊઠયા હતા. પાકિસ્તાનને માત્ર ભારત સાથે લડવામાં જ રસ છે અને ત્રાસવાદીઓ તૈયાર કરતા કારખાનાને ચલાવવામાં રસ છે એમ પણ સુષ્માએ કહ્યું હતું.
પાકિસ્તાન હવે ભારતના દંભી ઉદારમતવાદવાળા ચહેરા શોધે છે. ભારતમાં તો આવા વિચાર-ચહેરાવાળી મોટી જમાત છે. રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરો બિચ્ચારા ક્યાં જાય એવા રોહિંગ્યા વતી રોદણાં રડતી પત્રકારોની પણ ફોજ છે.
રોહિંગ્યા મુસ્લિમો ભારત માટે જોખમી છે એવી કેન્દ્ર સરકારે સુપ્રીમમાં રજૂઆત કરી હોવા છતાં રોહિંગ્યાની તરફેણ કરતો એક વર્ગ છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ રોહિંગ્યાને ભારતમાં રહેવા દેવા માટેનો ઓપીનીયન આપ્યો છે.
પાકિસ્તાનના પરમેનન્ટ રિપ્રેઝન્ટેટીવ મલીહા લોધીએ ભારતના કેટલાક સેક્યુલરોને ટાંકીને ભારતમાં લોકોની નારાજગી આગળ ધરી હતી. નવેમ્બર-૨૦૧૫માં અરૃંધતીના સ્ટેટમેન્ટને ટાંકીને લોધીએ કહ્યું હતું કે ભારતમાં ગૌરક્ષકોનો હિંસાચાર જોઇને એમ લાગે છે કે મુસ્લિમોની કતલ કરવાનો સિલસિલો શરૃ થઇ ગયો છે. 'ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્સ' માટે ૧૯૯૭નું બુકર પ્રાઇઝ જીતનાર અરૃંધતીનું બીજું પુસ્તક પણ આવી રહ્યું છે. જેનું નામ છે 'ધ મીનીસ્ટ્રી ઑફ અટમૉસ્ટ હેપ્પીનેસ'.
જેમ પાકિસ્તાન ભારતના હુમલાથી છંછેડાયું છે એમ ભારતના સેક્યુલરો પણ સમસમીને બેસી રહ્યા છે.
પાકિસ્તાને ગઇકાલે પણ બાફ્યું હતું. આ બફાટ કૂકરી ગાંડી થઇ છે એમ બતાવે છે. જે કાશ્મીરી ગર્લ પર અત્યાચારનો ફોટો બતાવીને પાકિસ્તાન ભારત દ્વારા થતા દમનની વાતો કરે છે તે ફોટામાંની પીડિતા યુવતી તો પેલેસ્ટાઇનની હતી. આ ફોટો બતાવી પાકિસ્તાન વિશ્વને ગેરમાર્ગે દોરે છે એમ કહીને ભારત તૂટી પડયું હતું.
પાકિસ્તાને ઉછરેલો ત્રાસવાદ તેને પોતાને જ ભારે પડી રહ્યો છે. પાકિસ્તાનના શાસકો ચીનના ભરોસે બેઠા છે. પરંતુ ચીન-પાક ભાઇ-ભાઇના નારા પાકિસ્તાનને જ ભારે પડશે.
પાકિસ્તાનને ભારતે બરાબર ફસાવ્યું છે. ચીનના ખીલે કૂદતા પાકિસ્તાન પાસે હવે અમેરિકાનો ટેકો રહ્યો નથી. ચીન પણ હવે પાકિસ્તાનને ટેકો આપવા તૈયાર નથી. બ્રિકસ દેશોની બેઠકમાં પણ ભારતે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. ત્યારે ચીનને ભારતની કૂટનીતિનો સ્વાદ ચખાડાયો હતો.
પાકિસ્તાનમાં સ્થાનિક સ્તરે લોકો ત્રાસવાદનો વિરોધ કરે છે અને ત્રાસવાદને ટેકો આપવા તૈયાર નથી. પાકિસ્તાનમાં આંતર વિગ્રહની સ્થિતિ છે એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પાકિસ્તાન પોતાના પાપના ભારથી જ ફસડાઇ પડશે એમ મનાય છે.

Comments
Post a Comment