સગાવાદ એ ગળથૂથીમાં હોય છે રાજકારણથી બોલીવુડ સૌ ત્રસ્ત

- કોંગ્રેસે સીતારામ કેસરીને ટીંગાટોળી કરી ફેંકી દીધા હતા

- સગાવાદનો કોઈ વિકલ્પ નથી : વારસદાર નીમવાનો આવે ત્યારે પુત્ર-પત્ની જ યાદ આવે

સગાવાદનો મુદ્દો વારંવાર ઉછળે છે. સગાવાદની તરફેણ કરનારા છે, એમ વિરોધ કરનારા પણ છે. સગાવાદની ચર્ચા નાટક સમાન હોય છે.

ડોકટરનો પુત્ર ડોકટર થાય, એન્જીન્યરનો છોકરો એન્જીન્યર થાય એમ સેલિબ્રીટી કે રાજકારણીનો છોકરો બોલીવુડ અને રાજકારણમાં જાય તે સ્વાભાવિક છે. કોર્પોરેટ કંપનીઓમાં ચાલતા સગાવાદ અંગે પણ વારંવાર ચર્ચા થાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તો ઠીક પણ સામાન્ય દુકાન ચલાવનાર પણ તેના પુત્રને ચાવી સોંપે છે.

સગાવાદ લાંબો સમય ચાલે તો આખો ટ્રેક ખખડી જાય છે. પોતાનો બિઝનેસ પોતાના સંતાનને ના સોંપે તો કોને સોંપે ?

તાજેરમાં બોલીવુડની અભિનેત્રી કંગનાએ બોલીવુડમાં ચાલતા સગાવાદનો ઉલ્લેખ કોઇનું નામ લીધા વીના કર્યો તો પણ રીશી કપુર ઉછળી પડયા હતા અને કહ્યું કે કપુર ખાનદાનમાં બધા મહેનતના જોરે આગળ આવ્યા છે.

જેમ બોલીવુડ સગાવાદથી ખદબદે છે એમ રાજકારણીઓનું છે. ગાંધી પરિવાર સામે સગાવાદની આંગળી ચીંધનારા રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષમાં ચાલતા સગાવાદ અંગે વિચારવું જોઇએ.

ગાંધી પરિવાર ખોટો દંડાય છે. ગાંધી પરિવારનો પ્રોફેશન જ રાજકારણ છે. તેણે દેશ સેવાના નામે દેશને ખાડામાં ધકેલ્યો છે. તે વાત અલગ છે પણ જવાહરલાલ નહેરૃએ ઇંદીરા ગાંધીને સત્તા આપી પુત્રી પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ સીલસીલો આજે પણ ચાલુ છે.

કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધી ટૂંકમાં શપથ લઈ રહ્યા છે. રાહુલ કરતાં ઘણાં બાહોશ લોકો કોંગ્રેસમાં છે પણ સગાવાદને પોષ્યા સિવાય છૂટકો નથી.

સ્થિતિ તો એવી છે કે કોંગ્રેસ એટલે ગાંધી પરિવાર અને ગાંધી પરિવાર એટલે કોંગ્રેસ !! વાચકોને યાદ હશે કે એકવાર ગાંધી પરિવાર સિવાયના સીતારામ કેસરીને કોંગ્રેસ પ્રમુખ બનાવેલા ત્યારે તેમને ગાંધી વફાદારોએ ટીંગાટોળી કરીને બહાર ફેંકી દીધા હતા.

તાજેતરમાં બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ તેમના ભત્રીજાને વારસદાર જાહેર કર્યો હતો. તેમના પક્ષમાં ઘણાં સિનિયરો છે.

કોર્પોરેટ ક્ષેત્રે તાજેતરમાં 'ટાટા' બંધુઓએ સાયરસ મિસ્ત્રીનો વિરોધ કરીને સગાવાદનો સિક્કો માર્યો હતો. ઇન્ફોસીસમાં છાશવારે નારાયણ મૂર્તિ બંડ એટલા માટે પોકારે છે કે તેમનો પુત્રી અને જમાઇ તરફી પ્રેમ તેમને બંડ માટે કરવા પ્રેરે છે.

સગાવાદ એ આપણી ગળથૂથીમાં વણાયેલો છે. જુની વાર્તાઓમાં રાજા તેના પુત્રને ગાદી પર બેસાડે છે.
ટૂંકમાં સગાવાદ એ આગે સે ચલી આતી હૈ તેમજ લોકોમાં રહેલી વારસાગત પરંપરાનો વિષય છે, તેને બદલી શક્યા નહીં. ક્યારેક કોઇ ઘટના એવી બની છે કે જેમાં હોંશિયાર કર્મચારીને સત્તા પર બેસાડયો હતો જે દશ લાખમાં એક ઘટના હોઇ શકે છે.

જો કે ઇન્ફોસીસ એક માત્ર એવી કંપની છે કે જેણે તેની સ્થાપના વખતે એમ નક્કી કર્યું કે દરેક ડીરેકટરને ચેરમેન બનાવવા. ફાઉન્ડર ચેરમેન તરીકે નારાયણ મૂર્તિ હતા. નક્કી થયા પ્રમાણે દરેક ડીરેકટરને ચેરમેન બનાવાયા હતા.

હવે તો સ્થિતિ એ છે કે બાવા-સાધુઓ પણ તેમના પરિવારમાંથી કોઇને ગાદી સોંપે છે. જેથી મિલ્કત પરિવારમાં જ રહે !!

સગાવાદનો વિરોધ કરનારા 'દંભી' હોય છે. સગાવાદ ત્રીજી-ચોથી પેઢીએ ખતમ થતો હોય તો તેના કુટુંબને ભારે બીજાઓને તેની સાથે કશી લેવા-દેવા ના હોવી જોઈએ. રાજકારણ હોય ખે બોલીવુડ હોય કે કોર્પોરેટ ક્ષેત્ર હોય દરેક પોતાના પુત્ર કે પુત્રીને વારસદાર તરીકે ઇચ્છે છે. સામા છેડે પુત્ર-પુત્રી પણ ઇચ્છે છે કે પિતાની ખુરશી તેમને મળે !!

સગાવાદને હટાવવો આસાન નથી. સગાવાદને હટાવવાના પ્રયાસના બદલે તે સિસ્ટમને ઓવરટેક કરીને આગળ આવવું જોઈએ. કેટલીક પ્રથા બદલવી આસાન નથી, પિતાની જગ્યા પુત્ર લે તેમાં કશું ખોટું નથી પણ તેના કારણે લાયકાતવાળા પાછા રહી જાય તેનુંં દુ:ખ છે.

કોર્પોરેટ ક્ષેત્રમાં સીઈઓ નીમવામાં આવે છે પણ વહિવટ તો કંપનીના મૂળ માલિકો પાસે જ હોય છે. સીઈઓ નથી તો સ્વતંત્ર નિર્ણય લઇ શકતા કે નથી તો કુટુંબના સભ્યોનો કોઇ આદેશને ઉથાપી શકતા. ઘણાં સીઈઓ પપેટ તરીકે રહેવાના બદલે નોકરી છોડી દેતા હોય છે.

ટૂંકમાં સગાવાદને પ્રોત્સાહન આપી શકાય નહીં પણ જ્યારે વારસદારની વાત આવે ત્યારે પ્રથમ પુત્ર, પત્ની કે કુટુંબ યાદ આવે તે સ્વભાવિક છે.

Sudarshan-Upadhayay-prasangpat-27-september-2017

Comments