કિમજોંગ વિશ્વને ડરાવે છે યુદ્ધના નગારાંથી ગભરાટ

- મંદી પાછળનું કારણ યુધ્ધનો સંકેત

- કિમજોંગનો કોઈ મિત્ર નથી, તેમની સાથે સમાધાન શક્ય નથી તો ટ્રમ્પ હઠીલા છે

નોર્થ કોરિયા પ્રશાંત મહાસાગરમાં હાઈડ્રોજન બોંબ ફેંકે તો અમેરિકા સહિતના કેટલાક દેશોનું શું થાય અને કેવો વિનાશ વેરાય તેનો વીડીયો વોટ્સઅપ પર વાયરલ છે.

વીડીયો જોઇને ભલભલા હિંમતવાળા ઢીલા થઇ જાય એમ છે. કહે છે કે પ્રશાંત મહાસાગરમાં હાઇડ્રોજન ઝીંકાય તો સાગરમાં ધરતીકંપ થાય અને સાગરનું પાણી આખા અમેરિકાને ભરખી જાય.

બે માથાભારે લોકો ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમજોંગ શાબ્દિક ટપાટપી કરતાં-કરતાં બોંબ ના ઝીંકી દે એવો ડર પ્રસરેલો છે. બંને પાસે એવા ઘાતક બોંબ છે કે જે અમેરિકાની ધરતી પરના તમામ જીવોનો ખાત્મો બોલાવી દે ! 

કોઈ દેશ યુદ્ધ નથી ઇચ્છતો છતાં અમેરિકા અને કોરિયા સામ સામે આવી ગયા છે. ટ્રમ્પ કોઇનું માનતા નથી અને કિમ જોંગ કોઇને ગાંઠતા નથી. કિમ જોંગ વારંવાર એમ બતાવવા જાય છે કે અમે અમેરિકા કરતાં વધુ શક્તિશાળી છે.

મામલો એવો બીચકેલો છે કે જો કોઈ સમાધાન માટે વચ્ચે નહીં પડે તો એકાદ દેશ ખતમ થઈ જશે. આપણે ત્યાં કહેવત છે કે 'પહેલો ઘા રાણાનો' પરંતુ અહીં બંનેના હાથમાં વિનાશક બોંબ છે ! જે પહેલો બોંબ ઝીંકશે એ જીવી જશે. ડોનાલ્ડ ટ્રમ્પે બહુ કડક વાત કરી હતી કે અમે ઉત્તર કોરીયાને એલીમીનેટ (સાફ કરી દઈશું) કરી નાખીશું ! ટ્રમ્પની આ વાતના જવાબમાં કિમ જોંગે હાઈડ્રોજન બોંબ હુમલાની નવેસરથી ધમકી આપી હતી.

તું-તું, મૈં-મૈં વાળી વાતને કોઇ ગંભીરતાથી લેતું નથી. બંને એક બીજાને એલીમીનેટ કરવાની વાત કરે છે. જો અને તો વચ્ચે ટકરાતી આ ધમકી ન કરે નારાયણને સાચી બની જાય તો કયાં તો અમેરિકા ખતમ થાય અથવા તો કિમ જોંગના નિયમોનું બુમરેંગ થાય !

આ વિવાદાસ્પદ સ્થિતિ ઉભી કેવી રીતે થઈ તે પણ જાણવાની કોઇને જરૃર નથી લાગતી ! હકીકત એ છે કે ટ્રમ્પે આ વિવાદની શરૃઆત કરી હતી.

ટ્રમ્પ બોલતા ગયા અને કિમ જોંગ વળતો પ્રહાર કરવા લાગતા હતા. અંતે સ્થિતિ હાઈડ્રોજન બોંબ ફેંકવા સુધી આવી ગઈ છે.

બંને દેશ એકબીજા પર હુમલો કરવા તૈયાર છે. લાખો માનવ મૃત્યુ અંગે કોઈ ચિંતા નથી કરતું. અહીં શાંતિના કોઈ કબુતર ઉડી શકે એમ નથી.

છેલ્લા પાંચ દિવસમાં ૭૯૮ પોઇન્ટ તૂટેલા સેન્સેકસે મંગળવારે થોડી રીકવરી બતાવી હતી પણ અનુભવીઓ કહે છે કે આ બજારમાં બહુ દમ નથી. અર્થાત્ કમાણી કરી આપે એવું બજાર નથી. લોકો પોતાની પાસે શેર્સ ડરના માર્યા વેચી રહ્યા છે. દિવાળીના દિવસો છતાં સ્થાનિક બજારોમાં કાગડા ઉડે છે. દિવાળી આડે માંડ ૧૫ દિવસ બાકી છે ત્યારે બજારનું ચિત્ર મંદી દર્શાવે છે.

કિમ જોંગ અને ટ્રમ્પ વચ્ચેની જીભા જોડીએ પરિસ્થિતિને વધુ ડરાવનારી બનાવી દીધી છે.

કિમ જોંગને છંછેડનાર ટ્રમ્પ છે. ગયા અઠવાડીયે તો ડોનાલ્ડ ટ્રમ્પે એટલે સુધી ધમકી આપી હતી કે કિમ જોંગ નહીં માને તો અમે ઉત્તર કોરિયાનો સફાયો બોલાવી દઇશું. ઉત્તર કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચે આસમાન-જમીનનો ફર્ક છે. 

સાઉથ કોરિયા સોફટ છે. તો ઉત્તર કોરિયા હિંસાચારમાં માને છે. ઉત્તર કોરિયાએ અણુ ટેકનોલોજી પાકિસ્તાન પાસેથી મેળવી છે એમ ભારત કહે છે. અણુ બોંબ સિવાયના ઉત્તર કોરિયાની કોડીની કિંમત છે.

શું થઈ શકે તે પર ઠેર ઠેર ચર્ચા જોવા મળે છે. ઉત્તર કોરિયા કોઇ સાથેચર્ચા કરવા તૈયાર નથી. કિમ જોંગ ક્યારેય કોઇ દેશના પ્રવાસે ગયા નથી. તેમને મિત્રો બનાવવામાં રસ નથી, તો બીજી તરફ ટ્રમ્પ હઠીલા સ્વભાવના છે. બંને પક્ષે 'ઇગો' આડે આવ્યો છે. કિમ જોંગ શસ્ત્ર સરંજામની તાકાત ધરાવે છે. વિશ્વની મહા સત્તાબની બેઠેલા અમેરિકાને તેમણે પડકાર્યું છે, ડરાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં દરેક નેતાએ યુધ્ધ અટકાવવા માટેની પહેલ કરવા અમેરિકાને વિનંતી કરી હતી. કિમ જોંગ સાથે કોઇને સીધા સંબંધો નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આઉટ ઓફ ટ્રેક એવી પણ ચર્ચા ચાલતી હતી કે કોઇએ કિમ જોંગને સમજાવવા પ્રયાસ કરવો જોઈએ. કેટલાકનો એવો મત હતો કે ભારતે સમાધાન માટે પહેલ કરવી જોઈએ.

જેને આપણે સળગતું લાકડું પકડવાની નીતિ કહીએ છીએ તેમાં ઉતાવળા લોકો વધુ સપડાય છે. ભારત વૈશ્વિક રાજકીય સમિકરણો સાથે સમાધાનથી રહેવાના મૂડમાં છે. ભારતે પાકિસ્તાન અને ચીનને ચિત્ત કર્યા છે. ભારતે જાપાન અને અમેરિકાનો ટેકો મેળવ્યો છે.

ટ્રમ્પ V/S કિમ જોંગ એ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે. બંનેના હાથમાં અણુ બોંબ છે. Barking dog seldom biteનું ઉદાહરણ આપનારાઓને પણ વચ્ચેના શબ્દ Seldom (ભાગ્યે જ)નો ડર લાગે છે...

Comments