- ઉત્તર પ્રદેશ અને દક્ષિણની બેઠકો પર નજર
- વિસ્તરણ હંમેશા રાજકીય રંગવાળું હોય છે લોકોને સમજ પડે એવું પારદર્શક જોઇએ
મોદી સરકારે મંત્રી મંડળનું વિસ્તરણ નથી કર્યું પણ 2019નો લોકસભાનો જંગ જીતવા પત્તાં ચીપ્યાં છે. ઉત્તર પ્રદેશની 80 બેઠકો લોકસભા માટે મહત્વની છે.
કોઇ રાજકીય પક્ષ 80 બેઠકોનું રાજકીય ગણિત સમજી શકતો નથી એમ લાગે છે. ઉપરાષ્ટ્રપતિ પદે વેંકૈયા નાયડુ ને હવે સંરક્ષણ પ્રધાન પદે નિર્મલા સીતારામને સંરક્ષણ પ્રધાન પદે મૂકી ભાજપ દક્ષિણ સર કરવા માગે છે. નિર્મલા સીતારામનને સંરક્ષણ પ્રધાન પદે મૂકાયા ત્યારે ગિરનારના સિંહોની રક્ષા માટેની સિક્યોરીટી મહિલાઓ સંભાળે છે. કોર્પોરેટ ક્ષેત્રે મહિલાઓનો ડંકો વાગે છે.
ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ દેખાઇ રહ્યો છે. વિસ્તરણનું વિસ્તરણ અને ચૂંટણીના આયોજનનું આયોજન !! દક્ષિણ ભારતમાં જ્યારે કર્ણાટક ભાજપે જીત્યું ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. ત્યાર પછી ભાજપ સત્તાના ભ્રષ્ટાચારમાં અટવાયું અને સત્તા પણ ગુમાવી હતી. આ વખતે ફરી ભાજપ સત્તા હડપ કરવા પ્રયાસ કરે છે.
ઉત્તર પ્રદેશ અને દક્ષિણના રાજ્યોની લોકસભાની કુલ બેઠકો (૮૦ ઉત્તર પ્રદેશ + ૧૨૯ દક્ષિણ) ૨૦૯ થાય છે. દક્ષિણના રાજ્યોમાં કર્ણાટક (૨૮), આંધ્ર પ્રદેશ (૨૫), તેલંગાણા (૧૭), તમિળનાડુ (૩૯) અને કેરળ (૨૦)નો સમાવેશ થાય છે.
પ્રધાન મંડળના વિસ્તરણમાં એનડીએ સરકારે ખાતાની ફાળવણીને જેટલું મહત્વ આપ્યું છે તેના કરતાં વધુ મહત્વ ૨૦૧૯ના જંગને આપ્યું છે.
રેલવે પ્રધાન પ્રભુની નિષ્ફળતાઓ ઊડીને આંખે વળગે એવી હતી છતાં તેમને કોમર્સ મંત્રાલય સોંપાયં૨ છે. અહીં વ્યક્તિ એની એજ છે પણ ખાતું બદલાયું છે. પ્રભુની કામ કરવાની સ્ટાઇલ પ્રશંસા મેળવવાની છે; રેલવે ખાતામાં કોઇ ટ્વીટ દ્વારા પેસેન્જરને સુવિધા પહોંચાડાઇ તે પ્રશંસનીય કામ છે પણ પ્રભુએ આવી ટ્વીટનું માર્કેટિંગ કર્યું હતું.
નિર્મલા સીતારામનની સંરક્ષણ પ્રધાન તરીકેની પસંદગીની વાત પર પાછા ફરીએ તો આ નિર્ણય એ એનડીએ સરકારનો માસ્ટર સ્ટ્રોક છે. ભારતની સરહદો એક મહિલા પણ સંભાળી શકે છે એવા મેસેજ વિશ્વમાં મોકલવાનો પ્રયાસ છે. વિદેશ પ્રધાન પણ મહિલા અને સંરક્ષણ પ્રધાન પણ મહિલા એવું વિશ્વના કોઇ દેશમાં નથી.
સરકારે અહીં નારીશક્તિનો પણ ઉપયોગ કર્યો છે. આગળ જણાવ્યું છે કે ગીરના જંગલોમાં તમામ સિક્યોરીટી મહિલાઓ કરે છે. ટૂંકમાં તે સિંહોને કાબુ રાખવા શક્તિમાન છે એવું જ નિર્મલા સીતારામન સરહદે ત્રાસવાદને નાથવાના કામમાં ઉપયોગી બનશે એમ મનાય છે.
નિર્મલા સીતારામનની જેમ નવેક દેશોમાં મહિલા સંરક્ષણ પ્રધાનો નિમાયા છે પરંતુ આપણા સૌથી નજીકના અવળચંડાઇ ભરેલા પાડોશી ચીન અને પાકિસ્તાનમાં મહિલાને સંરક્ષણ મંત્રાલય જેવા આકરા નિર્ણયો લેવાનો હોદ્દો ક્યારેય નથી સોંપાયો. દિવંગત ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમની પાસે સંરક્ષણ મંત્રાલય હતું. સીતારામનને મોટી ચેલેન્જ સોંપાઇ છે. તે કાશ્મીર સરહદે ત્રાસવાદીઓની ઘૂસણખોરી રોકવા કેવા પગલાં લેશે તે આગામી દિવસોમાં જોવા મળશે.
એનડીએ સરકારે બિહારના પ્રાદેશિક પક્ષ જેડી (યુ)ને ચાન્સ આપ્યો નથી તે રાજકીય મુત્સદ્દીગીરીની ચાડી ખાય છે. જેડી (યુ)ના સભ્યો અને લાલુપ્રસાદ યાદવ એન્ડ કંપની માનતી હતી કે કેન્દ્રમાં પ્રધાનપદા આપવાની લાલચ આપીને ભાજપે બિહારમાં સત્તા કબજે કરી છે. જોકે વિસ્તરણમાં ક્યાંય નીતીશકુમાર કે તેમના સાથીઓ નથી જે બતાવે છે કે ભાજપે બિહારને લાલુ પ્રસાદ યાદવ પાસેથી આંચકી લીધું છે પણ તેમને સરકારમાં તાત્કાલીક સમાવાયા નથી.
પ્રધાન મંડળના વિસ્તરણની પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે. મોટા ભાગે તે રાજકીય કનેકશનવાળું હોય છે. દરેક આ વાત સ્વીકારે છે. જોકે જેમની પાસેથી ખાતું આંચકી લેવામાં આવે છે તેના કારણો પણ રજૂ થવા જોઇએ.
આવા વિસ્તરણો ક્યારેય પારદર્શક નથી હોતા. માણસની ક્ષમતા જોવાના બદલે તેની રાજકીય જરૃરીયાત વધુ જોવામાં આવે છે. નિર્મલા સીતારામનમાં ક્ષમતા છે એટલે જ તેમને સંરક્ષણ મંત્રાલય સોંપાયું છે તેમ છતાં લાંબુ વિચારાય તો ભાજપની નજર દક્ષિણના રાજ્યોમાં પ્રસરવાની છે ભૂલવું ના જોઇએ.
વિસ્તરણ પાછળના કારણો અને બ્યુરોક્રેટ્સને સમાવવાના કારણોનો ખ્યાલ પ્રજાને આવવો જોઇએ. આપણે ત્યાં વડાપ્રધાનના ચહેરાની ક્ષમતા લોકો સુધી પહોંચે છે પણ અન્ય પ્રધાનોની ક્ષમતા જોવા મળતી નથી.
મોટાભાગના વિસ્તરણો રાજકીય રંગવાળા હોય છે. વડાપ્રધાન મોદીએ ગઇકાલે કરેલા વિસ્તરણ પાછળ ઉત્તર પ્રદેશ અને દક્ષિણના રાજ્યો પર પકડ વધારવાનો ખેલ પાડયો છે.

Comments
Post a Comment