- અમદાવાદથી રણુજા 700 કિ.મી. છે તો અંબાજી 250 કિ.મી.
- સેવાકેન્દ્રોની હોંશ; ભગવાનની હાજરીનો અહેસાસ અને શ્રધ્ધાની તાકાત
અહેવાલો પ્રમાણે પાંચ લાખ પદયાત્રીઓ રણુજાના બાબા રામદેવના દર્શને જઇ રહ્યા છે; પાંચ લાખ જેટલા પદયાત્રીઓ અંબાજી જઇ રહ્યા છે. ડાકોરમાં જેમ ફાગણની પૂનમે પદયાત્રા કરવાનું મહાત્મ્ય છે એમ ભાદરવાની પૂનમે રણુજા અને અંબાજીનું મહત્વ છે.
અમદાવાદથી રણુજાનું અંતર અંદાજે ૭૨૩ કિ.મી. છે. પદયાત્રીઓ અમદાવાદ કરતાં પણ દૂરના સ્થળેથી વધુ આવે છે. અંબાજીનું અંતર અંદાજે ૨૫૦ કિ.મી. છે. અંબાજી જતા સંઘો અને ગૃપમાં જતા લોકો લાખોની સંખ્યામાં છે. બુધવારે પૂનમ છે.
અંબાજીમાં બુધ-ગુરૃવાર એમ બંને દિવસોમાં લાખો લોકો દર્શન કરશે. એવી જ સ્થિતિ રણુજાના રામદેવપીરની છે. રામદેવપીર જતા પદયાત્રીઓની સંખ્યા સતત વધતી જાય છે. તે આશ્ચર્યની વાત છે કેમ કે ૭૦૦-૮૦૦ કિ.મી.નો માર્ગ પદયાત્રા કરીને કાપવો આસાન નથી. આટલો લાંબો માર્ગ કાપવા રહેવા-ખાવા-સુવાનું આયોજન કરવું પડે છે.
આ પદયાત્રીઓ પોતાનું પ્લાનીંગ કરે છે પણ તેમની ત્રણ-ચાર મહિનાની પદયાત્રાનું ધ્યાન રામદેવપીર પણ રાખતા હોય એમ લાગે છે.
દરેક પદયાત્રા કઠીન હોય છે. શરૃઆતનું અંતર હોંશે-હોંશે કપાય છે અને છેલ્લું અંતર ભલભલા શ્રધ્ધાળુ યાત્રીને થકવી નાખે છે.
રણુજા જતા પદયાત્રીઓની વહારે ખુદ રામદેવપીર આવતા હોય એમ લાગે છે. ૭૦૦-૮૦૦ કિ.મી. ચાલતા પદયાત્રીઓઓ માટે સેવાભાવીઓ વિનામૂલ્યે ખાવા-ન્હાવા-રહેવાની સવલતો પૂરી પાડે છે. આવા સેવાભાવીઓને રામદેવપીર પ્રેરણા આપતા હોય એમ લાગે છે. આવા સેવાકેન્દ્રો ચલાવવા એ નાની-સૂની વાત નથી; દરેક પદયાત્રીને સંતોષ થાય એ રીતે સવલત આપવા ચોક્કસ આયોજન અને ભંડોળ જોઇએ !! જોકે સેવાકેન્દ્રો ખોલનારના આશ્ચર્ય વચ્ચે તેમને મદદ કરનારા પણ મળી રહે છે
ગુજરાતમાં પદયાત્રાનું મહત્વ વિશેષ છે. દર પૂનમે શ્રધ્ધાળુઓ ડાકોર પદયાત્રા કરીને જાય છે. તેમના માટે પાકા સેવાકેન્દ્રો ઊભા કરાય છે. પાવાગઢ પણ લોકો નવરાત્રિમાં પદયાત્રા કરીને જાય છે. દ્વારકા અમદાવાદથી ૪૦૦ કિ.મી. દૂર છે છતાં સંખ્યાબંધ સંઘો પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે.
જૈન સમુદાયના છ'રી પાલક સંઘો પદયાત્રા ચોક્કસ નિયમ સાથે કરે છે. જૈન સમુદાયમાં હજારો લોકો એક સાથે શિસ્તબધ્ધ રીતે પદયાત્રા કરે છે. મુસ્લિમ સમુદાય પણ પદયાત્રાને મહત્વ આપે છે.
ધંધુકા નજીક આવેલા પીરબાબાના દર્શને હજારો લોકો ચાલતા જાય છે. તેમની યાત્રા કઠીન એટલા માટે હોય છે કે રસ્તામાં ભોજન બનાવવાની ચીજો તે માથે ઊંચકીને જાય છે. આ માર્ગ પર પણ સેવાકેન્દ્રો હોય છે છતાં કેટલાક હાથે બનાવેલું જમવાનો આગ્રહ રાખે છે.
પદયાત્રાનું મહત્વ અનરું છે; પદયાત્રીને ડગલે ને પગલે તેના ઈષ્ટદેવની મદદનો એહસાસ થાય છે. ડાકોર દર પૂનમે જતા યાત્રિકોને જય રણછોડના નારા ચાર્જર સમાન લાગે છે. દરેક યાત્રા સ્થાનનો એક જયઘોષ હોય છે જેમ કે અંબાજી માટે જય અંબે; રણુજા માટે જય બાબા-રી; અમરનાથ માટે જય ભોલે વગેરે.. વગેરે..
કેટલાક પદયાત્રાને ઘેલછામાં ખપાવીને પોતાને સુધારાવાદીની યાદીમાં મૂકે છે પણ જૈન સમુદાયના સાધુ-સાધ્વી ભગવંતો આજે પણ પદયાત્રાનો માર્ગ પસંદ કરે છે. દરેક ધર્મમાં પદયાત્રાનું મહત્વ છે. ભગવાન સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના વડાએ પદયાત્રાને ગળે વળગાડી હતી. આ સંતો આજે પ્રાત: સ્મરણીય છે. અમદાવાદની નજીક આવેલા જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે દર પૂનમે લાખો લોકો પદયાત્રા કરે છેે.
કોઇ પદયાત્રીને પૂછશો તો કહેશે કે અમે સખત અંધારામાં હાઇ-વે પર ચાલીએ છીએ પણ કોઇ ડર નથી લાગતો. અમને ભૂખ લાગે ત્યારે જમવાનું આપનારા મળી જાય છે અને તરસ લાગે ત્યારે લીંબુનું શરબત આપનારા મળી જાય છે.
જેમ-જેમ પદયાત્રા કરવાની પ્રથામાં વધારો થવા લાગ્યો અને જેમ-જેમ નવી પેઢી પણ તે માર્ગ અપનાવવા લાગી એમ-એમ પદયાત્રાની સિસ્ટમમાં સેવાકેન્દ્રો ઉમેરાવા લાગ્યા હતા. ફાગણની પૂનમે ડાકોર પદયાત્રા કરીને જનારાને ખબર છે કે દર એક કિલોમીટરે એક સેવાકેન્દ્ર ઊભું થયેલું હોય છે.
હાલની સ્થિતિ એ છે કે દર પૂનમે ડાકોર જતા પદયાત્રીઓ માટે દર દસ કિલોમીટરે એક પાકું સેવાકેન્દ્ર છે જે યાત્રીઓને રહેવા-ખાવા સહિતની સવલતો પ્રેમથી પૂરી પાડે છે.
પદયાત્રા કરનારાઓને તેમના ભગવાનની હાજરીનો એહસાસ સતત થતો રહે છે.
Twitter: https://twitter.com/sudarshanbhai_
Twitter: https://twitter.com/sudarshanbhai_

Comments
Post a Comment