ચોમેરથી ઘેરાયેલા પાકિસ્તાન પર ભારત હુમલો કરી શકે છે


- અમેરિકા અને ચીનનો ટેકો ગુમાવ્યો
- પાકિસ્તાન ત્રાસવાદી સંગઠનો સાથે હળી-મળી ગયું છે, ચીનનો ભરોસો નથી

અમેરિકા, ચીન અને ભારતે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાન પર પ્રેશર સ્થાનિક સ્તરે પણ વધી રહ્યું છે. એક તરફ નવાઝ શરીફ સામે લટકતી તલવાર છે, તો ભૂતપૂર્વ પ્રમુખ મુશર્રફ પણ કાયદાની પક્કડમાં આવી ગયા છે.

કાશ્મીર સરહદે ત્રાસવાદીઓને ઘૂસાડીને તે પોતાની મેલી મૂરાદ જીવતી રાખતું હતું પરંતુ હવે બ્રિક્સ દેશોની ટીકા પછી પાકિસ્તાન વિશ્વ સમક્ષ મોં બતાવી શકે એમ નથી. ભારતની કૂટ નીતિ વારંવાર જીતી રહી છે તેથી પણ પાકિસ્તાન છંછેડાયેલું રહે છે.

પાકિસ્તાન ત્રણ બાજુ ઉપરાંત આંતરીક ડખામાં પણ ફસાઈ રહ્યું છે. કોઇપણ ઇન્ટરનેશનલ સમીટમાં પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદને ટેકો આપે છે અને ખૂંખાર આતંકવાદીઓને આશરો આપે છે એ વાત વિશ્વને ગળે ઉતારવામાં ભારતને સફળતા મળી રહી છે. છેલ્લે બ્રિક્સ દેશોની સમીટમાં પણ ભારતે પાકિસ્તાનના ત્રાસવાદને ટેકો આપવાના ધંધા ખુલ્લા પાડયા હતા. બ્રિક્સ સમીટમાં અઝહર મસૂદનો ઉલ્લેખ પણ ભારત માટે જીત સમાન છે.

વારંવાર પાકિસ્તાનની પીઠ થાબડતા ચીન માટે બ્રિક્સમાં મુશ્કેલી ઉભી થઈ હતી. વૈશ્વિક રાજકીય નિષ્ણાતો માને છે કે ભારતની કૂટ નીતિનો વિજય થયો છે.

લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મહમ્મદના નેટવર્કને ખતમ કરવા ચીન આદેશ આપશે એમ મનાય છે. ચીન પણ સુધર્યું હોય એમ લાગે છે કેમકે તેણે સમીટમાં પાકિસ્તાનને કોઈ દેખીતો ટેકો નથી આપ્યો.

ચીન અને પાકિસ્તાન વિશ્વ આગળ ખુલ્લા પડી રહ્યા છે. ચીન પાકિસ્તાનના ખભા પર બૂંદક મૂકીને ભારત પર નિશાન તાકવાની નીતિ સાથે આગળ વધતું હતું. જોકે બ્રિક્સ સમીટમાં ચીને પીછેહઠ કરી છે તે દર્શાવે છે કે પાકિસ્તાનનો ગુરૃ ચીન હવે તેનાથી દૂર રહેવા માગે છે.

ત્રાસવાદ જ્યારે આખા વિશ્વને બાનમાં લઈ રહ્યો છે ત્યારે ત્રાસવાદના ઉછેર કેન્દ્રો અને તેને આશરો આપનારને શોધવા જરૃરી હતા. પાકિસ્તાનમાં ચાલતા ત્રાસવાદી ઉછેર કેન્દ્રો તેમજ મોસ્ટ વોન્ટેડ એવા દાઉદ ઇબ્રાહીમને પોતાને ત્યાં છુપાવીને ભારત સાથે દુશ્મનાવટ વધારી છે.

કાશ્મીર સરહદે ત્રાસવાદીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને હવે ત્રાસવાદી સંગઠનો પર તૂટી પડવું પડશે. ચીન પણ તેને આવા આદેશ આપી શકે છે. કહે છે કે પાકિસ્તાનને ભીંસમાં લેવાતા ચીન તેને બચાવવાનો કોઈ નવો પ્લાન શોધી કાઢશે. પાકિસ્તાનને બ્રિક્સ દેશોએ ઠપકાર્યું ત્યારે ચીન પાસે હાથ જોડીને બેસી રહેવા સીવાય કોઈ વિકલ્પ નહોતો.

બ્રિક્સ દેશોના મૂડ જોઈને ચીન હવે પાકિસ્તાનને ત્રાસવાદી સંગઠનો પર તૂટી પડવાનો આદેશ આપશે. એમ માનવામાં આવે છે પરંતુ પાકિસ્તાન માટે ત્રાસવાદી સંગઠનો પર તૂટી પડવું બહુ આસાન નથી. કેમકે ત્રાસવાદ પાકિસ્તાન સાથે વણાઈ ગયું છે.

જો પાકિસ્તાન ચીનનું માનશે તો કાશ્મીર સરહદે ત્રાસવાદ ઓછો થઈ જવો જોઈએ. પરંતુ પાકિસ્તાનની કમનસીબી એ છે કે કાશ્મીરને તે સળગતું રાખીને સ્થાનિક સ્તરે રોટલી શેકવા માગે છે.

પાકિસ્તાને પોતે જ ત્રાસવાદી સંગઠનોને તગડા બનાવ્યાં છે. અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન જેવા ટોચના દેશો પાકિસ્તાન તરફ આંગળી ચીંધી રહ્યા છે. પાકિસ્તાન ચારેબાજુથી ફસાયું છે. ત્રાસવાદી સંગઠનોનો પ્રભાવ પાકિસ્તાનના રાજકારણ પર જોવા મળે છે. પાકિસ્તાનનું સૈન્ય ત્રાસવાદી સંગઠનોની પકડમાં છે એ સ્થિતિમાં પાકિસ્તાનને ઝૂકવું પડશે.

કોણ જાણે કેમ પણ પાકિસ્તાન સુધરવા તૈયાર નથી. બ્રિક્સ દેશોમાં બદનામી પછી પાકિસ્તાન એમ કહે છે કે અમારે ત્યાં કોઈ ત્રાસવાદી સંગઠનો છે જ નહીં!! પાકિસ્તાનની હાથ અધ્ધર કરી દેવાની સ્ટાઈલ વિશ્વ જાણે છે. પાકિસ્તાને હવે સહન કરે જ છૂટકો છે. હાલમાં તો પાકિસ્તાને ચીનના પગ પકડી લીધા છે. ચીન ભલે પાકિસ્તાનને બચાવવા કોઈ નવો પેંતરો શોધી કાઢે પણ અમેરિકા અને બ્રિટન સહાય બંધ કરી પાકિસ્તાનનું નાક દબાવવા તૈયાર છે.

કેટલાક રાજકીય નિષ્ણાંતો માને છે કે ભારત હવે પાકિસ્તાનની અવળચંડાઈ સાંખી નહીં લે અને હુમલા અંગે પણ વિચારી શકે છે. ચોમેરથી ફસાયેલું પાકિસ્તાન સરહદ પર હુમલો કરી શકે છે સામા છેડે પાકિસ્તાનને સીધું-દોર કરવાની આડકતરી સંમતિ બ્રિક્સ દેશો પાસે લીધી છે એમ માની શકાય.

ચીન અને અમેરિકાના ટેકા વગર પાકિસ્તાન ભારતની એક થાપટનું ઘરાક છે. ભારત સરકાર પાકિસ્તાન સામે વળતો પ્રહાર કરવા ચાન્સ શોધી રહ્યું છે.

Twitter: https://twitter.com/sudarshanbhai_

Comments