બ્લુ વ્હેલ ચેલેન્જ ટીનેજર્સને મોતના મોંમાં ધકેલી ખતમ કરે છે


- ગેમ બનાવનાર ડિપ્રેશનવાળાને બાયોલોજીકલ વેસ્ટ કહે છે

- હોરર ફિલ્મો જોવી, મોડી રાત્રે એકલા ચાલવું, પોતાના જ અંગો પર બ્લેડ મારવાવાળી ગેમ

ઘણાંએ એવું સજેશન કર્યું છે કે બળાત્કારી રામ-રહીમને બ્લ્યૂ-વ્હેલ ચેલેન્જ ગેમના રવાડે ચઢાવી દેવો જોઈએ. કેમકે ગેમમાં જાતે જ મોતને વહાલું કરવાનું હોય છે.

બ્લ્યૂ-વ્હેલ ચેલેન્જ એક એવી વિવાદાસ્પદ ગેમ બની છે કે જેમાં શરીરના ભાગ પર યાતના પહોંચાડવાની હોય છે, હોરર ફિલ્મ જોવાની હોય છે, મોડી રાત્રે ઉઠીને ચોપડી વાંચવાની હોય છે, કોઈ પ્રાણીને જાનથી મારી નાખવાનું હોય છે કે મોડી રાત્રે અંધારામાં રખડપટ્ટી કરવાની હોય છે. તમને ગેમમાં જે કામ સોંપાય તેના પ્રૂફ તરીકે ફોટો મોકલવાનો હોય છે. ગેમમાં જે લોકો નિયમ તોડે છે તેમને સજા થાય છે. આ સજા એટલે વધુ તીવ્રતાવાળું કોઈ આઘાતજનક કૃત્ય કરવાનું !!

બ્લ્યૂ વ્હેલ ગેમનો પ્રથમ શિકાર મુંબઈનો કિશોર બન્યો હતો. ત્યારબાદ આવી છુટ્ટી-છવાઈ ઘટનાઓ ધ્યાનમાં આવી હતી. ઘણાં લોકો ધૂની, સાયકીક લાગતા હોય છે. આવા લોકો તેમની જાતને જીનીયસમાં ખપાવે છે. આ ખતરનાક ગેમ અંગે અહીં થોડી સમજ આપી છે પણ યાદ રહે કે આ ગેમનું છેલ્લું સ્ટેપ 'મોત' છે.

'બ્લ્યૂ વ્હેલ ચેલેન્જ' ગેમની કોઈ જાહેરાત નથી થતી કે નથી તો તે ગુગલ એડ દ્વારા લોકો સુધી પહોંચતી !! જે લોકો ઇન્ટરનેટ પર કંઇક રોમાંચીત શોધવા મથે છે તે આ ગેમ સાથે જાણે-અજાણે ભટકાઈ જાય છે.

આ ગેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેણે કેટલાક યુવાનોને મોત વહાલું કરતા શીખવાડયું છે. આ ગેમની શરૃઆત ૨૨ વર્ષના રશિયન ફીલીપ બીડીએ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે આ ગેમ તેણે ટીનેજર્સને સ્યુસાઇડ કરતા શીખવાડવા માટે તૈયાર કરી હતી. ૨૦૧૩માં તેણે સંખ્યાબંધ ટીનેજર્સનો સંપર્ક કરીને ગેમ શરૃ કરી હતી. આ ટીનેજર્સની માનસિક સ્થિતિ તેણે કેટલાંક પ્રશ્નો પૂછીને ચકાસી હતી. ત્યારબાદ તેણે માનસિક રીતે નબળા અને ડિપ્રેશનમાં રહેતા ટીનેજર્સને પસંદ કર્યા હતાં.

આ ગેમ બનાવનાર ફીલીપ બીડીકીએ પોતાની જાતની ઓળખમાં લખ્યું હતું કે કેટલાક લોકો બાયોલોજીકલ વેસ્ટ જેવા હોય છે. આવા લોકોને હું મોતના મુખમાં ધકેલી દઉં છું.

આ ગેમ કેવી રીતે રમાય છે તેની માહિતી બહુ ઓછા લોકો પાસે છે. જે લોકો મોતને ભેટયા તેમના મોબાઈલમાં બ્લ્યૂ વ્હેલની કોઈ એપ્લીકેશન નહોતી. આ ગેમ ઇન્સ્ટાગ્રામ, ઓનલાઈન ગેમીંગ ગુ્રપ, મેસેજ બોર્ડ, ઓનલાઈન કોમ્યુનીટી મેસેજીંગ ઉપર રમાય છે. ટીનેજર્સ આ ગેમની પાછળ પડયા હોય છે. સામે છેડે તેના એડમીન પણ ટીનેજર્સને શોધતા હોય છે.

એકવાર બે વચ્ચે કોન્ટેક્ટ થઈ જાય પછી ગેમના નિયમો તૈયાર થઈ જાય છે ત્યારબાદ ગેમ રમનારને પ્રાઇવેટ ચેટીંગ મોડ પર લઈ લેવાય છે. એકવાર ગેમમાં ભાગ લીધા પછી તમે તેને છોડી શકતા નથી. રોજે રોજ એક આદેશ અપાય છે અને દરેક આદેશ કોમ્પલીકેટેડ હોય છે.

પ્રશ્ન તો એ થાય છે કે શા માટે ટીનેજર્સ આવી ઘાતક ગેમ રમવા તૈયાર થાય છે ? એકલા-અટૂલા રહેતા અને ડિપ્રેશનમાં રહેતા ટીનેજર્સ ગેમના ટ્રેપમાં આવી જાય છે. તેના એડમીન તેને પાનો ચઢાવતા રહે છે.
ગેમના પછીના સ્ટેપમાં તેને હોરર ફિલ્મ એકલા જોવાનું કહેવાય છે, પછી રાત્રે બે વાગે ઉઠીને અંધારામાં ચાલવાનું કહેવાય છે. ત્યારબાદ પોતાના જ અંગો પર બ્લેડથી કાપા મુકવાનું કહેવાય છે. આવા વિવિધ લેવલ પત્યા પછી ત્રીજે માળેથી કૂદવાનો આદેશ અપાય છે.

હકીકત તો એ છે કે બ્લ્યૂ વ્હેલ બીચ પર લોકો સ્યુસાઇડ કરવા જાય છે જ્યાં વ્હેલ તેનો કોળીયો કરી જાય છે. બ્લ્યૂ વ્હેલ ગેમનો થીમ પણ મોત વહાલું કરવાનું છે. જોકે ગેમમાં યાતના ભર્યું મોત પોતાના હાથે જ અપાય છે.

તાજેતરમાં યુરોપના એક દેશમાં બ્લ્યૂ વ્હેલ ચેલેન્જ રમતી એક ટીનેજર પાંચમા માળના ધાબાની પાળી પર ઉભી રહીને છલાંગ મારવાની હતી તે વીડીયો વાયરલ થયો હતો. જેમાં એક ટીનેજર યુવતીની મા એ પોલીસને ફોન કરીને બોલાવી હતી. ટીનેજર નીચે કૂદે તો તે નેટમાં પડે એ રીતે નેટ પકડીને ફાયર બ્રિગેડ ઉભું હતું અને પાંચમે માળે પોલીસો તેને સમજાવતા હતા.

ટીનેજર્સ કોઇનું સાંભળવા તૈયાર નહોતી. જોકે એક પોલીસ પાળી પર ઉભો રહીને તેના પર ત્રાટકીને તેને અંદરની તરફ ખેંચી લીધી હતી. લોકોએ આ ડેરીંગ વર્કને આવકાર્યું હતું.અહીં તો પોલીસ પહોંચી હતી પણ મુંબઈના કિશોર પાસે તો કોઈ પહોંચ્યું નહોતું અને તે કૂદી પડયો હતો.તમારી આસપાસ રહેતા કિશોરો કઈ ગેમ રમે છે અને શા માટે સાઈકીક લાગે છે તેની તપાસ કરવી જોઈએ. ઘણા ટીનેજર્સ મા-બાપનું માનવાના બદલે નજીકના પાડોશીઓનું વધું માનતા હોય છે.

ટોળે વળીને પોનોગ્રાફી જોતા ટીનેજર્સ પર પણ નજર રાખવી જોઇએ. દેશનું યુવાધન આ રીતે એક ગેમના કારણે બદનામ થાય તેવું ના હોવું જોઈએ.

બ્લ્યૂ વ્હેલ ચેલેન્જ એ ગેમ ઓફ ડેથ છે. ભારતમાં તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે પણ આ તબક્કે દરેક પેરેન્ટસ અને ટીનેજર્સના સંબંધીઓએ તે કઈ ગેમ રમે છે તેની પૂછપરછ અવશ્ય કરવી જોઈએ.

Twitter: https://twitter.com/sudarshanbhai_

Comments