ચિદમ્બરમ્ ટુ કંગના દુખતી નસના ચહેરા

- જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની દુખતી નસ દબાવીને પિશાચી આનંદ લૂંટતો એક વર્ગ છે...

- ચિદમ્બરમ્નો ચિત્કાર : જે પૂછવું હોય તે મને પૂછો મારા પુત્રને હેરાન ના કરો !! તેમનો પુત્ર એ દુખતી નસ છે, કંગનાની દુખતીનસ રીતીક રોશન

જે કંઇ પૂછવું હોય તે મને પૂછો, પણ મારા પુત્રને હેરાન ના કરો એવું જ્યારે ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે CBIને કહ્યું ત્યારે તેમાં તેમના પુત્રને બચાવવાનો આર્તનાદ હતો. અદ્દલ આવું જ લાલુ પ્રસાદ યાદવે તેમના પુત્ર તેજસ્વી યાદવ માટે કહ્યું હતું.

આ પુત્રપ્રેમ આવકાર્ય છે પરંતુ હકીકતે તો આ તેમની દુખતી નસ છે. એક્યુપ્રેશરની સારવાર કરનારા ચોક્કસ રોગની સારવાર માટે ચોક્કસ નસ દબાવે છે. દર્દી નસ દબાતાં જ ચીસ પાડી ઉઠે છે.

આવું જ જાહેર જીવન સાથે સંકળાયેલા માટે હોય છે. પોતાની દુખતી નસ વિરોધીઓ ના જાણે તે જરૃરી હોય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો પોતાની નબળી કળી અર્થાત દુખતી નસ અંગે કોઇને કહેતા નથી. દુખતી નસ એ નબળાઇ ભલે હોય પણ વિરોધીઓ તેને દબાવીને એક પ્રકારનો પિશાચી આનંદ મેળવે છે.

પી. ચિદમ્બરમ યુપીએ સરકારમાં ટોપ પર હતા. તેમનો પરિવાર જાહોજલાલીભરી જીંદગી જીવતો હતો પરંતુ સત્તાની ચાદર ખેંચાઇ જતા એનડીએ સરકાર વોચડોગ બની ગઇ હતી. અગાઉની સરકાર સામેના ભ્રષ્ટાચારની તપાસ જ્યારે કોઇ વર્તમાન સરકાર કરે ત્યારે તેના પર કિન્નાખોરી, રાજકીય વેરઝેર સાથે જોડી દેવામાં આવે છે.

ખરો, રાજકારણી એ છે કે તે માનસિક રીતે થોડો સ્થિર રહે!! પી. ચિદમ્બરમમાં આવી સ્થિર રહેવાની ક્ષમતા નહોતી. યુપીએ સરકારે કરેલા ભ્રષ્ટાચારની તપાસ થઇ ત્યારે તે ચૂપ રહ્યા હતા તેમજ જેવો રેલો તેમના ઘર તરફ આવતો જોયો ત્યારે પણ ચૂપ રહ્યા હતા પરંતુ જેવી તેમના પુત્ર સામે રેડકોર્નર નોટીસ જાહેર કરાઇ ત્યારે તે ભડકી ગયા હતા. જોકે આ તેમની ઉતાવળ હતી. સરકાર, સીબીઆઇ અને તેમના વિરોધીઓને ખબર પડી ગઇ હતી કે ચિદમ્બરમની દુખતી નસ તેમનો ચિરંજીવી છે.

પોતાની દુખતી નસ કોઇને બતાવવી નહીં એ પાઠ દક્ષિણનો રાજકારણી સમજી શક્યો નહોતો. આજે સ્થિતિ એ છે કે ચિદમ્બરમ જ્યાં પણ છે ત્યાં લોકો તેમની દુ:ખતી નસ દબાવવા પ્રયાસ કરે છે.

લાલુ પ્રસાદ યાદવની દુખતી નસ તેમનો પુત્ર તેજસ્વી છે. અને તેમની પત્ની રાબડી દેવી છે. ગમે તવો ખંધો રાજકારણી હોય પણ તે પોતાના સંતાનોને કે જમાઇને પરેશાન થતો જોઇ શકતો નથી.

અહીં જમાઇ શબ્દ રોબર્ટ વાઢરા માટે વાપર્યો છે. ગાંધી પરિવારની આ દુ:ખતી નસ છે. રોબર્ટ વાઢરા સામે તપાસ થશે એમ સરકાર છાશવારે કહેતી થઇ ગઇ છે.

જ્યારે કોઇ એક વ્યક્તિની અધિકારીઓ આંધળી ફેવર કરતા હોય તો ગલ્લા-ટોક કરનારા બબડતા હોય છે. આ અધિકારીની પોલ જરૃર પેલો વ્યક્તિ જાણતો હશે. આવું બજારમા ચોમેર જોવા મળે છે. એટલે જ બાહોશ લોકો પોતાની આસપાસ કોઇને રાખતા નથી અને બે-નંબરી વહીવટ પોતાની જાતે જ કરતા હોય છે. અનુભવીઓ કહે છે કે થોડું પણ લીકેજ લાંબે ગાળે નુકશાન નોંતરે છે. પર્સનલ માહિતીનો પણ લોકો ગેરલાભ ઉઠાવે છે. દુખતી નસ સમા આ મુદ્દાઓ પણ મહત્વના બની જાય છે.

વડાપ્રધાન મોદીની દુખતી નસ ૨૦૦૨ના તોફાનો છે તો ગૃહપ્રધાન રાજનાથસિંહની દુખતી નસ તેમનો પુત્ર છે. અરવિંદ કેજરીવાલની દુખતી નસ નામાંકીત વકીલ રામજેઠમલાણી છે તો ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની દુખતી નસ ગૌરક્ષકોને છાવરવા અંગેની છે

કોર્પોરેટ ગૃહોમાં પણ ઇન્ફોસીસના નારાયણ મૂર્તિની રિલાયન્સના મુકેશ અંબાણી સુધીનાઓ કેટલાક પ્રશ્નોથી છંછેડાય છે. નારાયણ મૂર્તિ તેમની પુત્રી -જમાઇ અંગેના પ્રશ્નથી છંછેડાય છે તો અનિલ અંબાણી અંગેના પ્રશ્નથી મુકેશ અંબાણી છંછેડાય છે.

બોલીવુડના સેલિબ્રીટી ભલે હસતા દેખાતા હોય પણ તેમની દુખતી નસ દબાવવામાં આવે ત્યારે બાંયો ચઢાવીને લડવા આવી જાય છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ અભિનેત્રી કંગના રનૌત છે. તેની દુ:ખતી નસ ત્રણ ચાર છે. એક છે રીતીક રોશન; કરણ જોહર અને તેના ટીકાકારો!! પત્રકારો કંગનાનો ઇન્ટરવ્યૂ લેવા જાય છે ત્યારે તેઓ આસિસ્ટન્ટ સૂચના આપે છે કે કોઇ પર્સનલ પ્રશ્નો પૂછવા નહી. પત્રકારો ઉસ્તાદીથી પૂછે છે કે તમને નહીં ગમતા અભિનેતાના બે ત્રણ નામ આપો!! અને આમ કંગનાની દુખતી નસ દબાવીને વિવાદનો લાભ ઉઠાવાય છે.

ટીવી ડીબેટ પર આવતા લોકોને જ્યારે સામસામે આક્ષેપબાજી પર ઉતરી આવે છે ત્યારે બંને એમ કહેતા સંભળાય છે કે અમારું મોં ના ખોલાવો નહીંતર પ્રજા સામે ખુલ્લા પડી જશો. આ ડીબેટ જ્યારે ગરમા-ગરમ બને છે ત્યારે ઘણી અંદરની વાતો બહાર આવે છે. કેટલીક વાતો પાયા વિનાની હોય છે પણ જ્યારે સામે પથ્થરો જ મારવા છે ત્યારે પથ્થરની સાઇઝ જોવાતી નથી

કેટલાક ઠાવકાઇથી ડીબેટ કરે છે તો કેટલાક શાબ્દીક યુદ્ધ માટે આવ્યા હોય એમ તૂટી પડે છે. આ લોકો સામાવાળાની દુખતી નસ જાણતા હોય છે.

દુખતી નસોથી ગભરાઇને જીવનારા પણ એમ દુખતી નસોનો ઠોકર મારનારા પણ છે. આવા લોકો એક નેગેટીવ સ્થિતિ સામે અગિયાર પોઝિટીવ સ્થિતિ ઉભી કરે છે.

દુખતી નસ એ બ્લેકમેલીંગ માટે પણ કામમાં આવે છે. કોઇ અધિકારીનું લફરું પટાવાળો જાણતો હોય તો તે પૈસા પડાવ્યા કરે છે. અધિકારીના વિશ્વાસુ માણસ તરીકે લાખો કમાય છે.

જાહેર જીવનમાં પડેલાઓ મોટા ભાગે 'ફટ્ટું' હોય છે. તેમની ઇમેજ સચવાઇ રહે, સત્તા જળવાઇ રહે, વર્તમાન સ્થિતિમાં ગાબડાં ના પડે એટલે તે ડરીને કામ કરે છે. નવોદિત સેલિબ્રીટી ધડાધડ ફટકાબાજી કરે છે. કેમકે તેમની દુખતી નસ ફૂટી નથી હોતી!! જેમકે રાજકારણમાં સંરક્ષણ પ્રધાન નીમેલા સીતારામન છે અને બોલિવુડમાં આલીયા ભટ્ટ!!

જ્યારથી પી. ચિદમ્બરમે પોતાની નબળાઇ સમાન દુખતી નસ વિરોધીઓને બતાવી છે ત્યારથી પુત્ર કાર્તિક ચિદમ્બરમનું નામ દરેક લેતા થઇ ગયા છે. કોંગ્રેસ પક્ષમાંના જ તેમના વિરોધીઓ વારંવાર ટુ-જી કૌભાંડના કારણે પક્ષ હાર્યો છે એમ કહીને ચિદમ્બરમને છંછેડે છે.

એટલે જ તમારી સૌથી નજીકનાને પણ તમારી દુખતી નસની ખબર ના પડવી જોઇએ એ જાહેર જીવન સાથે સંકળાયેલા સૌએ સમજી લેવું જોઇએ નહિંતર ચિદમ્બરમ કે કંગના જેવી દશા થતા બહુ ઓછીવાર લાગશે...

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments