રાજકીય ગપસપ : દિગ્વિજયની પદયાત્રા

દિગ્વિજયની પદયાત્રા
કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી ગયા પણ કોંગ્રેસના સીનિયર લીડર દિગ્વીજયસિંહ ૩૦ સપ્ટેમ્બરથી મધ્ય પ્રદેશના નર્મદાકિનારા પરના ગામોની પદયાત્રા કરશે.

તેમની પદયાત્રા ૩,૩૦૦ કિ.મી.ની હશે. મધ્ય પ્રદેશના ૧૦૦ વિધાનસભા બેઠકોના વિસ્તારને તેમની પદયાત્રા આવરી લેશે. દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે મારી સાથે ૫૦ લોકો રહેશે. આમ તો દિગ્વિજયસિંહ છેલ્લા ૧૦ વર્ષથી મધ્ય પ્રદેશના રાજકારણમાં નહોતા.

ઉમા ભારતીના હાથે ભૂંડા હાલે હાર્યા બાદ તેમણે મધ્ય પ્રદેશ છોડયું હતું. હવે તે ફરી પાછા મધ્ય પ્રદેશમાં એન્ટ્રી મારશે. કહે છે કે સોનિયા ગાંધીના આશિર્વાદ લેવા ગયા ત્યારે મોતીલાલ વોરા પણ ત્યાં હતા. તેમણે કહ્યું કે પગ ચલાવજો પણ તમારી 'લૂલી' (જીભ) ના ચલાવશો તેનાથી કોંગ્રેસને નુકસાન થાય છે..

પત્રકારોની કંઠી
કેટલાંક પત્રકારો ડાબેરી વિચારની કંઠી પહેરીને ફરતા હોય છે તો કેટલાક જમણેરી કંઠી !! ડાબેરી કંઠીવાળા તેમના અખબાર કે ટીવી ચેનલોમાં કે ડીબેટમાં સરકાર વિરોધી ઝેર ઓક્યા કરે છે. તાજેતરમાં સુબ્રમણ્યમ સ્વામી પર તેમની પત્ની રોક્રેસના સ્વામીએ લખેલા પુસ્તકનું વિમોચન હતું. 

રાજદીપ સરદેસાઇ અને તલવીનસિંહ જેવા સ્પષ્ટ વક્તાઓને ડાયસ પર બેસાડયા હતા. રાજદીપના હાથમાં માઇક આવ્યું તેમણે કહ્યું કે સુબ્રમણ્યમ સ્વામીનો હું વિરોધી છું કેમકે તેમણે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર પર આક્ષેપો કર્યા હતા. 

તરત જ પત્રકાર તવલીન સિંહે વળતા પ્રહાર શરૃ કર્યાં હતા. સુબ્રમણ્યમ સ્વામીને બે પત્રકારને ડાયસ પર બેસાડવાની ભૂલ સમજાઇ હતી. રાજદીપ સરદેસાઇ સતત વિરોધી બોલતા પ્રેક્ષક ગેલેરીમાંથી 'એ.. બેસી જા.. બેસી જા..'ના અવાજો આવતા હતા..

પુસ્તક વિમોચનનો એજન્ડા
દિલ્હીમાં પુસ્તક વિમોચનના સમારંભ દર અઠવાડીયે એકાદ થાય છે. ઘણીવાર એક દિવસમાં બે-બે વિમોચન હોય છે. આવા વિમોચન બાદ હાઇ-ટીનો પ્રોગ્રામ હોય છે. 

દિલ્હીના નિવૃત્ત રાજકારણીઓ; નિવૃત્ત અધિકારીઓ અને સીનિયર સીટીઝનો વિમોચનમાં અચૂક આવે છે. નિવૃત્ત રાજકારણીઓમાં લાલકૃષ્ણ અડવાણી, મનમોહનસિંહ જેવા નામાંકિત ચહેરા હોય છે. સીનિયર પત્રકારોને ભાગ્યે જ કોઇ બોલાવે છે.

પુસ્તક વિમોચનમાં મોટાભાગે અહો રૃપમ્, અહો ધ્વનિ જેવો ઘાટ હોય છે. મોટા ભાગનાની નજર વિમોચન બાદના હેવી નાસ્તા (હાઇ-ટી) તરફ હોય છે. પુસ્તક લખનાર લેખક તેના સંબોધનમાં કહે છે કે આ પુસ્તક લખવા હું કેવી રીતે પ્રેરાયો ? દરેક વિમોચનમાં આભાર વિધિ લેખકની પત્ની કરતી હોય છે. ઈવેન્ટ મેનેજમેન્ટવાળાઓ તગડી કમાણી કરે છે. રાજકારણીઓને તે મોટો બકરો કહે છે..

સુષ્માની વાહ..વાહ
મોદી સરકારમાં ધારદાર વ્યક્તિઓ ભરેલા છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જે રીતે પાકિસ્તાનને ભીંસમાં લીધું છે તે જોઇને સૌ વાહ.. વાહ પોકારી ગયા હતા. સુષ્માએ પોતાની જીભને શસ્ત્ર બનાવ્યું હતું. સુષ્માના ભાષણમાં કાતર ચાલતી હતી. પાકિસ્તાન ક્યાં અને ભારત ક્યાં એમ કહીને વિશ્વના નેતાઓ સમક્ષ પાકિસ્તાનનું વસ્ત્રાહરણ કર્યું હતું.

અહીં વિવાદ એ છે કે સારા વક્તા કોણ ? વડાપ્રધાન મોદી કે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ !! જો તમે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં સુષ્માનું ભાષણ; તેમનો જુસ્સો અને અસ્ખલિત અંગ્રેજી બોલવામાં નિપુણતા જુઓ તો સુષ્મા સ્વરાજને નંબર-વન વક્તા ગણો !! 

વિશ્વના નેતાઓને ગળે પોતાની વાત ઉતારી શકે એજ સારો વક્તા !! પડદા પાછળ એવી વાતો થાય છે કે મોદીભાઇ ગુજરાતના હોઇ અંગ્રેજી વક્તવ્યમાં થોડા કાચા પડે છે..

મુકુલ રોયે છેડો ફાડયો
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના રાઇટ હેન્ડ ગણાતા મુકુલ રોયે તૃણમુલ કોંગ્રેસ છોડતાં અનેક તર્ક-વિતર્ક ચાલે છે. કોઇ કહે છે કે મુકુલ રોય ભાજપમાં જવાના છે તો કોઇ કહે છે કે મુકુલ રોય નિવૃત્તિ લેવાના છે. રાજકારણમાં કોઇ નિવૃત્તિ નથી હોતી. તૃણમુલ કોંગ્રેસના નેતાઓ માને છે કે આ માણસ ડબલ ઢોલકી છે.

પોતાના વિશેની આડીતેડી વાતો જોઇ મુકુલ રોયે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હું તૃણમુલ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે પણ નહીં રહું અને રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દઇશ. તૃણમુલ કોંગ્રેસ સ્તબ્ધ છે. તેમને મુકુલ રોયનું પગલું આશ્ચર્યજનક લાગે છે. રાજકીય બજાર કહે છે કે મુકુલ રોય છેલ્લે અમિત શાહને મળ્યા હતા.. આઇ બાત સમજમેં...

ભાજપના ટોચના નેતાઓ વચ્ચે ચર્ચા
ભાજપની રાષ્ટ્રીય એક્ઝીક્યુટીવની બેઠક આખો દિવસ ચાલ્યા બાદ કેટલાંક ટોચના નેતાઓ રાજનાથસિંહના ઘેર જ રોકાઇ ગયા હતા. જેમાં અમિત શાહ, અરૃણ જેટલી, રામ માધવ, જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યપ્રધાન નિર્મલ સિંહ, જીતેન્દ્ર સિંહ વગેરે હતા. આવા ટોચના નેતા કોઇ એજન્ડા વગર ભેગા બેસે ત્યારે કશુંક રંધાતું હોવાની ગંધ આવે છે.

અમિત શાહે ત્યાંથી નરેન્દ્ર મોદીને પણ ફોન કર્યો હતો. જ્યારે કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન હાજર હોય ત્યારે કાશ્મીરનો પ્રશ્ન ચર્ચાયો હશે એમ મનાય છે. કાશ્મીરને આગામી સમયમાં ટાર્ગેટ બનાવાશે. લાગે છે કે વધુ એક સર્જીકલ સ્ટ્રાઇક કે પાકિસ્તાન પરના હુમલાની શક્યતા છે..

Comments