ગુજરાતમાં ઉતરાણ પહેલાં જ રાજકીય પતંગો ચગી રહ્યા છે. કોંગ્રેસ આ વખતે પોતાનો પતંગ હવામાં રાખવા મથે છે. ભાજપ એવા ભ્રમમાં છે કે છેલ્લા ૨૦ વર્ષથી તેમનો પતંગ હવામાં છે.
આ બંનેની વચ્ચે પાટીદારોનો પતંગ અને ઠાકોર સમાજનો પતંગ હવામાં રહેવા ઠમકા મારે છે. 'આમ' આદમી પાર્ટી પણ પોતાનો પૂંછડીયો પતંગ ચગાવી રહી છે. ગુજરાતનું આકાશ નાના-મોટા રાજકીય પતંગોથી ભરેલું છે. કોંગ્રેસ પાસે એક માત્ર સ્માર્ટ નેતા રાહુલ ગાંધી છે.
તેમના સિવાય શ્રોતાઓને આકર્ષી શકે એવો કોઇ નેતા કોંગ્રેસ પાસે નથી. ભાજપ પાસે ઘણાં નેતા છે, વક્તાઓ છે. જો કે એનો અર્થ એ નથી કે ભાજપ જીતી શકે છે. ભાજપના વૉટ પાટીદારો તોડશે, ઠાકોરો તોડશે, 'આમ' આદમી પાર્ટીવાળા તોડશે !! આ સ્થિતિમાં ૧૫૦થી વધુ બેઠકો સાથે વિજય મેળવવાની ભાજપના નેતાઓની વાત ટાઢા પહોરના ગપ્પાં સમાન લાગે છે...
આનંદીબેન અને પાટીદારો
આનંદીબેન પટેલને ભાજપ વધુ પડતું માન આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમ્યાન આનંદીબેનને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તરીકે સાથે નહોતા રખાયા પણ પાટીદાર મતદારોના દિલ જીતવા સાથે રખાયા હતા. ભાજપે પાટીદારો સાથે સમાધાન કર્યું છે પણ પાટીદારો તેમને ગાંઠતા નથી. પાટીદારોને મજા પડી ગઈ છે.
તે છાશવારે ભાજપનું નાક દબાવે છે. સામે છેડે ભાજપવાળા પણ ઉસ્તાદ છે. તે પાટીદારોમાં ભાગલા પડાવીને રાજ કરવા ઇચ્છે છે. આનંદીબેનને સતત સ્ટેજ પર સાથે રાખવા પાછળનું મુખ્ય કારણ પાટીદારોને ખુશ કરવાનું છે. આનંદીબેને જાહેરાત કરી છે કે તે ચૂંટણી નથી લડવાના. ટૂંકમાં આનંદીબેન ફુલ ટાઇમ પાટીદારો સાથે સમાધાનમાં વીતાવશે... આ પણ અંતે તો પક્ષનું જ કામ છે ને !!
વિકાસ અંગે ખુલાસા
વિકાસ શબ્દની સ્થિતિ બેડમિંગ્ટનના શટલકૉક જેવી છે. બંને પક્ષ કોંગ્રેસ અને ભાજપે આ શબ્દનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ભાજપના સમર્થકોને ચીડવવા કોંગ્રેસવાળા 'વિકાસ'નો મુદ્દો ઉછાળે છે. ભાજપવાળા બિચ્ચારાઓ પાસે કોઇ જવાબ નથી. વરસાદના કારણે તૂટેલા રોડ અને એક ફૂંટ ઉંડા ખાડા એ 'વિકાસ'નું જન્મ સ્થળ છે.
એક વિદ્યાર્થીએ 'વિકાસ ગાંડો' થયો છે શબ્દ વહેતો મુક્યો હતો. વિકાસની ગુલબાંગો ફૂંકનારા રોડ પરના ખાડા પણ ના પુરી શકે એ કેવું ? અમદાવાદના ભાજપી સત્તાવાળાઓના કારણે વિકાસ ગાંડો થયો છે શબ્દ ફરતો થયો હતો. આજે તે દેશભરમાં પ્રચલીત થયો છે. શરૃઆતમાં વિકાસ ગાંડો થયો છે તે વાયરલ મેસેજ અંગે મૌન રહેનાર ભાજપે હવે વડાપ્રધાનને વિકાસના ખુલાસા માટે મેદાનમાં ઉતાર્યા છે...
મમતાની હતાશા-નિરાશા
મમતા બેનરજી આજકાલ શાંત છે એમ માનવાની જરૃર નથી. વિપક્ષી એકતા વિશે તે ઠંડા છે. તેમની મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ ખુલ્લી પડતી જાય છે. બાંગ્લાદેશના ઘૂસણખોરો પ્રત્યે તેમની હમદર્દી પણ ખુલ્લી પડી ગઈ છે. વિપક્ષી એકતા અંગે તે નિરાશ નથી પણ તે કંટાળ્યા હોય એમ લાગે છે.
છેલ્લે તેમની વિપક્ષી એકતા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતની ચૂંટણીઓના પરિણામ બાદ વિપક્ષ કેટલો મજબુત છે તેનો ખ્યાલ આવશે. કહે છે કે ગુજરાતની ચૂંટણીઓ કોંગ્રેસ જીતશે તો તે દિલ્હી જીત્યાનો આનંદ મનાવશે પરંતુ જો હારશે તો તે નિરાશામાં ડૂબી જશે. રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતાની વાતો સાવ ઠરી જશે.
સીતારામ યેચુરી માટે અણગમો...
દિલ્હીમાં જો કોઈ સક્રીય ડાબેરી ચહેરો હોય તો તે સીતારામ યેચુરી છે. યુપીએ સરકાર વખતે તેમનું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે સાદું ટયુનીંગ હતું. તે બંધારણ અંગેના પુસ્તકો સોનિયાજીને વાંચવા આપતા હતા. જો કે આમ કરવામાં તે કોંગ્રેસનો વિરોધ કરવાનું ચૂકી ગયા હતા.
ડાબેરી નેતા પોતાની વિચારસરણી ભૂલે તે કેમ ચાલે ? અંત એ આવ્યો કે સીપીઆઇ(એમ) વાળાએ તેમને અળગા કરી દીધા હતા. જયારે તેમની રાજ્યસભાની બેઠક છીનવી લેવાની વાત આવી ત્યારે યેચુરીને ભાન થયું કે તે પક્ષની મૂળ નીતિ ભૂલી ગયા હતા. કેરળમાં ભાજપે ડાબેરી શાસન વિરોધી દેખાવો કર્યા ત્યારે પણ સીતારામ યેચુરીનો ઓપીનીયન ડાબેરી પક્ષો નહોતા લેતા !!
ભાજપની તીન દેવીયાઁ...
ભાજપ પાસે તીન દેવીયાઁ છે. સુષ્મા સ્વરાજ, સીતા રામન અને સ્મૃતિ ઇરાની !! આ ત્રણેયના નામ 'સ'થી શરૃ થાય છે. આ ત્રણેયની ખાસિયત ક્રિકેટની ભાષામાં લખીએ તો સીતા રામન સ્પીનર છે, સુષ્મા સ્વરાજ ગુગલી નાખે છે તો સ્મૃતિ ઇરાની થ્રો બોલર છે. ભાજપે ત્રણેયને કામ સોંપેલા છે.
સીતારામનને 'ચીન' સાથે સંબંધો સુધારવાનું સોંપાયું છે તો સુષ્માને પાકિસ્તાનનું વસ્ત્રાહરણ કરવાનું કામ સોંપાયું છે. તો પછી સ્મૃતિ ઇરાનીને શું કામ સોંપાયું હશે ? તેમને રાહુલ ગાંધીને પરેશાન કરવાનું કામ સોંપાયું છે. રાહુલ સામે તે અમેઠીમાં જંગ લડયા હતા. ગુજરાતની ચૂંટણીમાં રાહુલના પ્રવાસની અસર ડાઇસ્યુટ કરવા ભાજપ સ્મૃતિ ઇરાનીને મોકલશે !!

Comments
Post a Comment