રાજકીય ગપસપ : 41 મહિનામાં મોદીની 375 સ્પીચ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વર્તમાન વડાપ્રધાન મૌની બાબા કહેતા હતા. મનમોહનસિંહે ખુબ ઓછી સ્પીચ આપી છે. 

યુપીએ-વનના શાસનમાં તેમણે ૭૬૨ અને યુપીએ-ટુમાં ૬૩૯ સ્પીચ આપી છે. આ સ્પીચમાં જાહેર ભાષણો અને બંધ હોલના લેક્ચર્સ પણ આવી જાય છે.

ત્યારે અમેરિકાના પ્રમુખ ઓબામા એમ કહેતા હતા કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે. હવેના વડાપ્રધાને માત્ર ૪૧ મહિનામાં ૩૭૫ સ્પીચ આપી છે. તે પ્રમુખ ઓબામાને 'માય ફ્રેન્ડ ઓબામા' એમ કહેતા હતા. ઘણાં માને છે કે સ્પીચ આપવાથી શું વળે? દેશ તો ત્યાંનો ત્યાં જ છે ને!!

જોકે મોદી માને છે કે બોલે તેના બોર વેચાય. વડાપ્રધાન મનમોહનસિંહ બોલી શકે એમ હતા પણ તે ગાંધી પરિવારને પૂછ્યા વિના બોલી નહોતા શકતા ત્યારે વડાપ્રધાન મોદી તો ગાંધી પરિવારને ટાર્ગેટ કરીને બોલે છે!!

સ્માર્ટ રાહુલ ગાંધી
કોંગ્રેસના પ્રિન્સ અચાનક જ 'સ્માર્ટ' બની ગયા છે; તે વાંચ્યા વિના ભાષણ કરે છે. તેમના ભાષણનું મેઇન ટાર્ગેટ વડાપ્રધાન મોદી હોય છે. વચ્ચે તે રજા પર ગયા ત્યારે ઈન્ડીવીડયુઅલ ડેવલપમેન્ટના ક્લાસ ભરી આવ્યા છે. લાગે છે કે પબ્લીક સ્પીકીંગની પણ તેમણે ટ્રેનિંગ લીધી છે. કોંગ્રેસ તેમને વહેલી તકે પ્રમુખ બનાવવા માગે છે પણ તે આનાકાની કરી રહ્યા છે.

રાહુલની નિષ્ક્રિયતાના કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. એટલે જ તે નુકસાન ભરપાઇ કરવા ઠેરઠેર પ્રચાર માટે જાય છે. રાહુલના ભાષણમાં મોદી માટે ભારોભાર નફરત જોવા મળે છે. 

જોકે કાગળમાં જોયા વિના બોલવાની કળામાં તે હજુ પારંગત થયા નથી. ગુજરાતમાં બેરોજગારી પર બોલતા તેમણે કહ્યું હતું કે 'ઈસ જવાબ કા સવાલ' ચાહીએ... સોશ્યલ નેટવર્ક પર તેમની બહુ ઉડાવાઇ હતી.

કોંગ્રેસ અને સોશ્યલ નેટવર્ક
જ્યારે સોશ્યલ નેટવર્કની વાત આવે છે ત્યારે એવી પ્રેસનોટ ફરતી થઇ હતી કે કોંગ્રેસે સોશ્યલ નેટવર્કમાં પોતાનો પ્રચાર કરીને ભાજપને પછાડયું છે. દરેક સમાચાર માધ્યમોમાં પણ આવી ઈમેજ ઊભી કરવામાં આવી હતી. સોશ્યલ નેટવર્કમાં મેસેજ ફોરવર્ડ કરતી અને મનગમતા મેસેજ બનાવતી એક જમાત છે.

રાહુલનું ટ્વીટર હેન્ડલ આસાન બનાવાયું; ટ્વીટર પર તે દેખાતા થયા છે. અભિનેત્રી રામિયા તેમનું સોશ્યલ નેટવર્ક સંભાળે છે. જોકે રાહુલ સોશ્યલ નેટવર્કનું મહત્વ બહુ મોડેથી સમજ્યા છે. રાહુલના ફોલોઅર્સ ૩૦,૦૦૦ છે તો મોદીના ફોલોઅર્સ ૩ કરોડ છે.

ચિદમ્બરમ્નો મોદી સામે રોષ
ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ્ એક તરફ પોતાના છોકરાને બચાવવા પ્રયાસ કરે છે તો બીજી તરફ સરકાર વિરૃધ્ધ બોલવાનું એક પણ સ્ટેજ તે છોડવા તૈયાર નથી હોતા. તેમણે મોદી સરકાર સામે રીતસરનું યુધ્ધ છેડયું છે. 

ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર ના કરાઇ એટલે તેમણે ચૂંટણી પંચને જવાબદાર ગણાવી કહ્યું કે ચૂંટણી પંચ નહીં પણ ગુજરાતમાં મોદી ચૂંટણી જાહેર કરશે.

તે શક્ય એટલી પીનો વડાપ્રધાન મોદીને મારે છે. કહે છે કે મોદી પર રાહુલ કરતાં પણ વધુ દાઝ ચિદમ્બરમ્ને છે. તેની પાછળની રાજકીય ગપસપ એ છે કે નાણાં મંત્રાલયે ચિદમ્બરમ્ના પુત્ર કાર્તિ સામે રેડ કોર્નર નોટિસ કાઢી હતી. ચિદમ્બરમ્ે મોદીને પર્સનલ રિક્વેસ્ટ કરી હતી પણ મોદીએ નેગેટીવ રીસ્પોન્સ આપ્યો હતો.. આઇ બાત સમજ મેં..

બે સૌમ્ય નેતાને સેલ્યુટ
બે સીનિયર રાજકારણીઓ મનમોહનસિંહ અને પ્રણવ મુખરજી વચ્ચેની વાતચીત નવા રાજકારણીઓએ સમજવા જેવી છે. કોઇ ઉછાંછળા વેડા નહીં; કોઇ સ્પર્ધા નહીં; કોઇ અફસોસ નહીં !! પ્રણવ કહે છે કે વડાપ્રધાન બનવાનો ચાન્સ મારો હતો; હું મનમોહનસિંહ કરતા સિનીયર હતો.. જોકે મારી સમસ્યા 'હિન્દી' હતી. મને હિન્દી બહુ ફાવતું નહોતું.

બીજી તરફ આર્થિક નિષ્ણાત તરીકે મનમોહન યોગ્ય હતા. સામે છેડે મનમોહને પણ સૌમ્ય બનીને કહ્યું કે મારે તો પક્ષનો આદેશ માનવાનો હતો. મને ખબર હતી કે મારા કરતા સીનિયર પ્રણવદા હતા છતાં મને ચાન્સ મળ્યો હતો. કેવી સરસ વાત છે !! આજકાલના નેતા હોત તો એમ કહેત કે હું જ લાયક હતો; પ્રણવદા કરતાં વધુ હોંશિયાર હતો..

ભાગલાવાદીઓ સાથે ચર્ચા થશે
મોડે-મોડે પણ સરકાર કાશ્મીરના મુદ્દે જાગી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તી વર્ષોથી કહેતા આવ્યા છે કે ભાગલાવાદીઓ સાથે ચર્ચા જરૃરી છે. જો કે ભાજપ તેની વિચારસરણી છોડવા તૈયાર નહોતો. જોકે હવે ભારત ભાગલાવાદી તત્વો સાથે ચર્ચા કરવા સંમત થયું છે. ભાગલાવાદી વિચારસરણી કાશ્મીરના લોકોને ફાવી ગઈ છે.

એક તરફ ત્રાસવાદીઓને આશરો અપાઈ રહ્યો છે અને બીજી તરફ લશ્કરના જવાનો સાથે પણ સ્થાનિક પ્રજા ટકરાય છે. કહે છે કે ગૃહપ્રધાન રાજનાથસિંહે ભાગલાવાદીઓ સાથે ચર્ચાનો નિર્ણય કર્યો હતો. 

જો કે માત્ર દિનેશ્વર શર્મા ચર્ચા કરે એ કેવું? મોદી સરકારે ભાગલાવાદીઓને ઠેકાણે પાડવાના બદલે ચર્ચા કરવાનો નિર્ણય લીધો છે તે દર્શાવે છે કે ભારત-સંઘર્ષ ઓછો કરવા માગે છે.

Comments