- ચીનના સૈનિકોને સંરક્ષણ પ્રધાનનું નમસ્તે
- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સુષ્માએ પાકિસ્તાનનું વસ્ત્રાહરણ કર્યું; સીતારામન સરહદોની મુલાકાતે
એમ લાગે છે કે ભારતે તેના બે દુશ્મન પાકિસ્તાન અને ચીનને નિયંત્રણમાં રાખવા બે મહિલા પ્રધાનોને મેદાનમાં ઉતાર્યા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાન સાથે તડફડ કરી નાખ્યું છે તો સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને નમસ્તે ડીપ્લોમસી દ્વારા ચીનને જીતવાના પ્રયાસ શરૃ કર્યા છે.
આ બંને મહિલાઓ સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીતારામનને સરકારે મેદાનમાં ઉતાર્યા હોય એમ લાગે છે.
જ્યારે સીતારામનને સંરક્ષણ પ્રધાન બનાવ્યાં ત્યારે ઘણાંના ભવાં સંકોચાયા હતા. સંરક્ષણ પ્રધાન પદે મહિલાની પસંદગી એ વ્યૂહાત્મક સાબિત થઇ રહી છે. જે રીતે સીતારામન દરેક સરહદે રૃબરૃ જઇ રહ્યા છે તે જોતાં એમ લાગે છે કે નજીકના ભવિષ્યમાં તે મહત્વના નિર્ણયો લેશે.
વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ તેજાબી નિવેદનો આપનારા છે તો સીતારામન નમ્ર છે. દરેક સરહદે તેમની મુલાકાતથી જવાનો પ્રોત્સાહીત થયા છે અને સામે છેડે ઊભેલા ચીન કે પાકિસ્તાનના સૈનિકોને મળવા પણ તેમણે પ્રયાસ કર્યા છે. ચીનના સૈનિકો મહિલા સંરક્ષણ પ્રધાનને જોઇને આશ્ચર્યમાં પડી જાય છે.
સંરક્ષણ પ્રધાન સીતારામનની 'નમસ્તે' ડિપ્લોમસી સરહદ પર સારા પરિણામો લાવી શકે છે. દેશના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન સીતારામને હોદ્દો સંભાળ્યા બાદ સરહદોની મુલાકાત શરૃ કરી છે.
તાજેતરમાં નાથુલા સરહદે સંરક્ષણ પ્રધાને ચીની સૈનિકોને નમસ્તે કર્યા અને તેમને નમસ્તે અભિવાદનનો અર્થ સમજાવ્યો હતો. સરહદે ચીનના સૈનિકો સાથે સંરક્ષણ પ્રધાને લહેરથી વાતો કરતા જોઇને વાતાવરણ પણ હળવું-ફૂલ થઇ ગયું હતું.
એક તરફ સરહદે ટેન્શનનો માહોલ છે. પાકિસ્તાન અવળચંડાઇ છોડતું નથી તો ચીન સમાધાનના જુઠ્ઠાણા વારંવાર ચલાવે છે. સરહદે ભારત શાંતિ ઈચ્છે છે. પાકિસ્તાન ભારતનું દુશ્મન નંબર વન છે; તો ચીન કાયમી સ્તરે ભારત માટે જોખમી છે.
ભારતની સદ્નસીબી એ છે કે અમેરિકા પાકિસ્તાનને છેલ્લા દસ દિવસથી ખખડાવી રહ્યું છે. પાકિસ્તાન ત્રાસવાદને પોષણ આપીને પંપાળે છે તે સાબિત કરવામાં ભારતને સફળતા મળી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને મારેલા ચાબખાનો અવાજ હજુ ગુંજી રહ્યો છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પાકિસ્તાનનું નામ લીધા વિના ત્રાસવાદ અંગે નિવેદનો કરતા હતા પરંતુ સુષ્મા સ્વરાજે તો પાકિસ્તાનનું નામ સીધે-સીધું લઇને સંયુક્ત રાષ્ટ્ર-સંઘ ગજવ્યું હતું.
પાકિસ્તાનને ભારત દ્વારા થતા દમનનો જે ફોટો રજૂ કર્યો તે ફોટો પેલેસ્ટાઇનની અસરગ્રસ્ત મહિલાઓનો હતો એમ સાબિત કરીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને ભોંઠું પાડી દીધું હતું.
જ્યારથી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ધોળે દિવસે તારા દેખાડયા છે ત્યારથી પાકિસ્તાન વૈશ્વિક તખ્તા પર ભારતને પડકારે એવી સ્થિતિમાં નથી.
પાકિસ્તાન ત્રાસવાદને ઉછેરે છે છતાં વિશ્વના દેશો તે તરફ આંખ આડા કાન કરે છે એમ પણ ભારત જાહેરમાં કહે છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને તેમના સાથીઓ પણ પાકિસ્તાન વિરોધી નિવેદનો કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાંથી તાલિબાનોને તગેડવા અમેરિકા જો સૈન્ય મોકલશે તો તે ભારત માટે લાભદાયી બની શકશે કેમ કે અમેરિકા ભારતને સાથે રાખવા માગે છે.
વૈશ્વિક સ્તરે સરહદો પર ટેન્શન છે. નોર્થ કોરિયાને અણુબોંબ બનાવવાની ટેકનીક પાકિસ્તાને પૂરી પાડી છે એવો આક્ષેપ પણ ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કર્યો છે.
એમ લાગે છે કે જેમ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની ઈમેજનું વસ્ત્રાહરણ કર્યું એમ નિર્મલા સીતારામન પણ કોઇ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતે અપનાવેલી વ્યૂહરચના લાંબે ગાળે સરહદે શાંતિ લાવી શકે છે. ભારત બીજી તરફ સંરક્ષણ ક્ષેત્રે નવા હથિયારો ખરીદીને મજબૂત પણ બની રહ્યું છે. પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર મારવાની નીતિના કારણે ભારતના જવાનોમાં પણ વળતો પ્રહાર કરવાની ક્ષમતા વધી છે.
સરહદે શાંતિ સ્થાપવા કાચબાગતિએ પ્રયાસ થાય તે જરૃરી છે. ભારત ચીનને નમસ્તે કહીને પંપાળે છે તો પાકિસ્તાનને વિશ્વમાં બદનામ કરીને હતાશ કરે છે. આ કામ જ્યારે બે મહિલાઓને સોંપાય ત્યારે તે ગૌરવ સમાન બને છે.

Comments
Post a Comment