- લાલુ ફેમિલીની દિવાળી બગડી છે..
- લાલુ એન્ડ ફેમિલી સીબીઆઈની તપાસ માટે એકસાથે જાય છે.....
જો કોઇ રાજકારણીની દિવાળી બગડી હોય તો તે લાલુ પ્રસાદ યાદવ છે. ગયા અઠવાડીયે આખું લાલુ ફેમિલી સીબીઆઈની ઓફિસમાં લાઈનમાં બેઠું હતું. લાલુ પ્રસાદ યાદવના સપોર્ટમાં કોઇ નથી.
બિહારની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને તેમનો સાથી પક્ષ ખુદ કોંગ્રેસ તેમનાથી અંતર રાખે છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી તો લાલુ પ્રસાદને જેલમાં પૂરીને દિવાળીના ફટાકડા ફોડવા માગે છે.
લાલુ પ્રસાદ યાદવે સમયની ઘણી થાપટ ખાધી છે પરંતુ નીતીશ કુમારની થાપટ ખાઇને તે બેવડ વળી ગયા છે. નીતીશ અને સુશીલ બંને લાલુની પાછળ પડી ગયા છે. નીતીશ બિહાર સંભાળે છે તો સુશીલ મોદી લાલુ પ્રસાદ યાદવના ફેમિલીના કૌભાંડો અને રોકાણની ખણખોદ કરે છે.
સમયના એક જ પલટાએ લાલુ પ્રસાદ યાદવને રોડ પર લાવી દીધા હતા. લાલુ પ્રસાદ એક ભ્રષ્ટ અને અહંકારથી ભરેલા રાજકારણી છે. જ્યારે તેમનો સૂરજ તપતો હતો ત્યારે તેમણે બનાવેલું પોતાના માટેનું સ્લોગન દેશભરમાં લોકજીભે ચઢી ગયું હતું. આ સ્લોગન હતું
''જબ તક હૈ સમોસે મેં આલુ
તબ તક બિહાર મેં રાજ કરેલા લાલુ''
ટૂંકમાં જ્યાં સુધી સમોસામાં બટાકાનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી બિહારમાં લાલુનું શાસન રહેશે !!
જોકે આ સ્લોગન પછી લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડમાં સપડાયા હતા. આ જેલવાસ દરમ્યાન લાલુએ તેમની બે ધોરણ પાસ પત્ની રાબડી દેવીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. દેશના બીજા નંબરના સૌથી મોટા રાજ્યમાં બીજું ધોરણ પાસ મહિલા મુખ્ય પ્રધાન બની ત્યારે દેશભરમાં આ રાજકીય ચહલ-પહલ થઇ હતી. ત્યારે લાલુ પ્રસાદ જેલમાં બેઠા-બેઠા રાજ્યનો વહિવટ કરતા હતા.
લાલુ પ્રસાદ જ્યારે જેલમાંથી છૂટયા ત્યારે તેમનો ભવ્ય રોડ શો જોઇને કોંગ્રેસ પણ અંજાઇ ગઇ હતી. કોંગ્રેસે તેમને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ લાલુ, કોંગ્રેસ અને નીતીશના ગઠબંધને બિહારમાં ભાજપને ધૂળ ચાટતું કરી દીધું હતું.
ભારતના રાજકારણનું બીજું નામ અનિશ્ચિતતા છે. નીતીશે એવી પલટી મારી કે ભાજપ સત્તામાં આવી ગયું અને લાલુ એન્ડ ફેમિલી પાછળ સીબીઆઈ લાગી ગઇ હતી, જ્યારે કોંગ્રેસે પીછેહઠ કરી લીધી હતી.
લાલુ પ્રસાદ યાદવ ધારદાર વક્તા છે. તેમની વાણીથી તે વિરોધીને વેતરી નાખે છે. તે વડાપ્રધાન મોદીના ચાળા પાડીને શ્રોતાઓને ફોસલાવી શકે છે.
તેમનો ઝોક હંમેશા કોંગ્રેસ તરફ રહ્યો હતો. યુપીએ સરકારની બીજી ટર્મમાં જ્યારે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચ્યો ત્યારે કોંગ્રેસને બહુમતી સાબિત કરી આપવાની જવાબદારી લાલુ - મુલાયમ અને અમરસિંહે લીધી હતી. આજે આ ત્રણેયની રાજકીય કારકિર્દી ખલાસ થઇ ગઇ છે. લાલુ પ્રસાદ યાદવ પોતાની ત્રિપુટીને અમર - અકબર - એન્થોની કહીને વખાણતા હતા.
લાલુ પ્રસાદ યાદવની રાજકીય કારકિર્દી ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલી છે. પોતે જેલમાં હોય ત્યારે પોતાની અભણ પત્નીને મુખ્ય પ્રધાન બનાવીને તેમણે લોકશાહીની ઠેકડી ઉડાવી હતી. લાલુ એન્ડ ફેમિલીએ બિહારને જંગલ રાજ અને ભૂખમરાનું રાજ બનાવી દીધું હતું.
જ્યારે નીતીશે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ પ્રસાદ સાથે હાથ મીલાવ્યો ત્યારે લાલુએ ફરી બિહારમાં સિક્કો જમાવ્યો હતો. જોકે તેમના પુત્રએ પટનામાં સૌથી મોટો શોપિંગ મોલ ઊભો કરવા કરેલું જમીન કૌભાંડ ભાજપના નેતા સુશીલ કુમારના હાથે ચઢી ગયું હતું.
લાલુ પ્રસાદ યાદવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સખત ટીકા અને મશ્કરી કરી છે. સંઘ પણ લાલુને જેલની હવા ખાય એમ ઈચ્છે છે. જે રીતે સીબીઆઈની તપાસ ચાલે છે તે જોતાં તો લાલુ પુત્રી મીસા; તેમનો પુત્ર અને ખુદ લાલુ પ્રસાદ જેલમાં જશે.
જો લાલુ પ્રસાદ જેલમાં જાય તો ૨૦૧૯ના લોકસભાના જંગમાં વિપક્ષને મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસ અને વિપક્ષી નેતા મમતા બેનરજી પણ જાણે છે કે કેન્દ્ર સરકાર લાલુ એન્ડ ફેમિલીનો ઘડો-લાડવો કરી નાખશે.
ભારતના રાજકારણમાં આજની તારીખમાં સૌથી વધુ દુખી લાલુ પ્રસાદ યાદવ છે અને સૌથી વધુ ગુસ્સામાં પણ છે. નીતીશ અને નરેન્દ્ર મોદીનું નામ સાંભળીને તે ભડકે છે. લાલુ પ્રસાદ સમજી ગયા છે કે ભારતના રાજકારણમાં કોઇ પર ભરોસો મૂકાય નહીં. નીતીશ કુમારનું ગોત્ર ભાજપનું હતું છતાં લાલુએ ભરોસો મૂક્યો અને આ ભરોસાએ તેમનું વહાણ ડૂબાડયું છે.
લાલુ પ્રસાદ નીતીશને ગદ્દાર કહે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શિબિરમાં નીતીશ કુમાર જવાના છે તે અંગે પત્રકારોએ લાલુ પ્રસાદના પ્રતિભાવ માગતા તેમણે કહ્યું કે..
''મુખ મેં રામ, દિલ મેં નથુરામ
ઈસીલીયે નીતીશ બના પલટુરામ''..

Comments
Post a Comment