ડિજીટલ વ્યવહારો વચ્ચે આજે પણ ચોપડા પૂજનની પવિત્ર પરંપરા

- નાનામાં નાના વેપારીને લક્ષ્મીકૃપા પર ભરોસો

- મુનિમોથી ફાયનાન્સિયલ સલાહકારો સુધીની સફર; મંદિરોમાં વિનામૂલ્યે પૂજન

ડીજીટલ સિસ્ટમ; ઓનલાઈન પેમેન્ટ વગેરે ભલે ચોમેર પ્રસરી ગયા હોય પણ ચોપડા પૂજનની પવિત્ર પરંપરા હજુ અકબંધ છે. લોકો કોમ્પ્યુટરની પૂજા કરતા થયા છે પણ પવિત્ર લાલ ચોપડા ભૂલ્યા નથી.

નાની ડાયરી જેટલો રોજમેળ તો લોકો ઘેર ઘેર હિસાબ લખવા રાખે છે. રોજીંદો હિસાબ જીવનમાં આર્થિક સ્વચ્છતા લાવે છે અને લેવડ-દેવડમાં સ્પષ્ટ રહેવાય છે. રોજમેળ એ પેઢી કે વ્યક્તિનો આર્થિક ચહેરો બની જાય છે.

મહાત્મા ગાંધીરોજ રાત્રે ડાયરી સાથે રોજના ખર્ચાની નોંધ ટપકાવતા હતા. ગાંધીજીની રોજનીશી વગેરે વિચારો તો ક્યારનાય અદ્રશ્ય થઇ ગયા છે. ગાંધી વિચાર એ ચોપડા-પુસ્તકોમાં શોભી રહ્યો છે. વર્તમાન રાજકારણમાં ગાંધી-વિચાર અપ્રસ્તુત બનવા લાગ્યો છે. અહિંસા શબ્દ 'સ્ટાઇલીસ્ટ' બની ગયો છે. આ સ્થિતિમાં ગાંધીજીની રોજનીશી લખવાની વાતમાંથી વર્તમાન સમર્થકોએ રોજનીશી લખવાની ટેવનો પ્રચાર પ્રસાર કરવાની જરૃર છે.

રોજમેળ રોજીંદા હિસાબ તો રાખે જ છે પણ સાથે સાથે ક્યાં વધુ ખર્ચો થયો અને ક્યાં કાપ મુકી શકાય છે તે વિચારવાની તક આપે છે.

જ્યારે કોમ્પ્યુટરો આવ્યા ત્યારે લાલ ચોપડા દેખાવા ઓછા થયા હતા. કમનસીબી તો એ આવી છે કે કોમ્પ્યુટરમાં એક નંબરના અને લાલચોપડામાં બે નંબરનો હિસાબ રાખતા થયા છે. એટલે જ કહે છે કે વેપારી આલમ બહુ બાહોશ છે તેને ના તો મોઢા પરથી ઓળખી શકાય કે ના તો લાલ ચોપડાના હિસાબો પરથી ઓળખી શકાય !! રોજમેળની સિસ્ટમ જેણે પણ શરૃ કરી છે તે અભિનંદનને પાત્ર છે.

એક સમય હતો કે મોટી કંપનીમાં રોજમેળ લખવા મુનીમ રાખવામાં આવતા હતા. આ મુનીમ એટલે વર્તમાન એકાઉન્ટન્ટ !! આવા મુનિમો પોતાના શેઠને વફાદાર રહેતા હતા. પેઢીમાં થતી આઘી-પાછીના તે સાક્ષી રહેતા હતા. ક્યાંક મુનિમો ચબરાક પણ હતા. તેમ છતાં મુનિમ જેટલા બાહોશ એટલો વેપાર વધુ સારો !! ચાર્ટર્ડ એકાઉન્ટ થયેલાઓમાં મુનિમો જેવી આર્થિક સિકસ્થસેન્સ નથી હોતી.

હવે યુવાનોને નોકરી આપનારા પૂછે છે કે 'ટેલી-સોફ્ટવેર' આવડે છે ને ? ઓનલાઈન વ્યવહારોમાં વધારો થયો હોવા છતાં રોજમેળ પર વેપારીઓ નજર રાખે છે. શેરબજારમાં રોકાણ કરનારા દરેક સ્ક્રીપ્ટમાં થયેલી રોજેરોજની કમાણી આર્થિક અખબારોની વેબસાઇટના પોર્ટલમાંથી મેળવી લે છે.

ટૂંકમાં લોકો ડીજીટલ સિસ્ટમ પણ અપનાવી રહ્યા છે. નવોદિત વેપારીઓ કોમ્પ્યુટર સિસ્ટમના આગ્રહી બન્યા છે.

ચોપડા પૂજન બહુ મહત્ત્વનું છે. વિધિસર ચોપડા પૂજન બાદ બોનસની વહેંચણી અને ત્યારબાદ ફટાકડા ફોડાય છે. ચોપડા પૂજનમાં ખર્ચ ના કરવો હોય તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં વિધિસર વિનામૂલ્યે ચોપડા પૂજન થાય છે એમ સુરતમાં અંબાજીમાતાના મંદિરે સામુહીક ચોપડા પૂજન થાય છે.

ચોપડા પૂજનની જરૃર શી છે ? એ પ્રશ્નનો જવાબ આસાન છે. જેમાં લક્ષ્મીની સાક્ષીએ પૂજન થાય છે. લક્ષ્મીજી તમારું ટર્નઓવર તગડું રાખે અને જાવક કરતાં આવક વધુ બતાવે તેવી પ્રાર્થના થાય છે.

ચોપડા પૂજન એ મંદિરોનો ઇજારો નથી. ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ આવ્યા પછી રાજ્ય સરકારે એ મોટા માંડવા બાંધીને ચોપડા પૂજન કરાવવું જોઇએ. સત્તાધારી પક્ષ ભાજપ આવી પ્રથા શરૃ કરશે તો કોંગ્રેસ પણ કોપી કરશે.

હકીકતે તો દરેક વેપારીને ચોપડા પૂજનનું મહત્ત્વ સમજાવવું જોઇએ જેથી ચોપડામાં લક્ષ્મીજીના આશિર્વાદ ૩૬૫ દિવસ રહે છે. જીએસટી આવ્યા પછી ચોપડા સાથે ડીજીટલ ફોર્મ પણ ભરવા પડશે.

આ વખતે ચોપડા ખરીદવાના પાંચ મુહૂર્તો છે. હજુ મંગળ અને શુક્રવારના મુહૂર્તો બાકી છે. ચોપડા ખરીદવા, ચોપડા પૂજન, પહેલી એન્ટ્રી, પેઢી ખોલવાનો સમય; મુહૂર્તમાં ખરીદી અને મુહૂર્તમાં વેચાણ વગેરે સિસ્ટમ આપણા વડવાઓએ શરૃ કરી છે. તે ઉદ્યોગ સાહસિક અને વેપારમાં ક્રિએટીવ હતા. ચોપડા પૂજન અને ચોપડાના વ્યવહારોએ એ વેપારીઓનો આર્થિક ચહેરો છે એ ભૂલવું ના જોઇએ.


Comments