- ડિજીટલ યુગ પ્રમાણે વિચારો બદલાવા જોઈએ
- મોટી ઉંમરના અને નવજાત શિશુ પણ ફટાકડાના મોટા અવાજોથી ઝબકી જાય છે
દિવાળીમાં ફટાકડા નહિ વેચવાનો કાયદો તો ઘડાયો પણ લોકોને છૂટથી ફટાકડા મળ્યા હતા. દરેક હિન્દુ તહેવારો વખતે વાંધા-વચકા ઉભા કરનારા હોય છે.
શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ચઢાવવાના બદલે ગરીબોને આપવું, ધૂળેટીમાં કલરથી ચામડીના રોગો થાય, ઉતરાણમાં પક્ષીઓની પાંખો કપાય છે, દિવાળીમાં પ્રદૂષણ ફેલાય છે જેવા મેસેજો સામે હિંદુઓ છંછેડાયેલા રહે છે.
દિવાળીમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે તે તાજો મુદ્દો છે. ધ્વનિ પ્રદૂષણથી આપણે કંટાળેલા છે ત્યાં રાત્રે ફટાકડાના અવાજો કાનને ગમે એવા નથી હોતા. દરેક ઘેર વૃદ્ધ કે બીમાર કે વહેલા સૂઈ જનારા હોય છે આવા લોકો રાત્રે ફટાકડાની લૂમ ફૂટવાથી પરેશાન થાય છે.
પશુ- પક્ષીઓ વિશે વિચારવું એ તો આપણા માટે બહુ દૂરની વાત છે પણ આપણી સોસાયટીમાં રહેતા વૃદ્ધો કે નવજાત શિશુ અથવા તો બીમાર લોકો અંગે વિચારવું જોઈએ.
ફટાકડા ફોડનારા ઝનૂનપૂર્વક ફટાકડા ફોડે છે. જોત- જોતામાં તો બે-ત્રણ હજારનો ધૂમાડો કરી નાખે છે. આ ધૂમાડો ક્યાં જાય છે અને કેટલો નુકસાનકારક છે તે કોઈ વિચારતું નથી.
આવી વાતો સામે દલીલ એવી હોય છે કે દિવસમાં પાંચ વાર બોલાતી અજાન પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આ મુદ્દે અનેક વિવાદો થઈ ચૂક્યા છે. અજાનનો અવાજ ચોક્કસ ડેસીમલથી પોઇંટથી ઓછો રાખવા માટેના પ્રયાસોને બળ મળી રહ્યું છે.
જો કે મોડી રાત્રે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવો જોઈએ, મેટરનિટી હોમની બહાર ફટાકડા ફોડનારા એ નથી વિચારતા કે તાજા જન્મેલા નવજાત શિશુ અને તેની માતા બંને અચાનક થતા ધડાકાના અવાજથી ડરી જાય છે. નવજાત શિશુ તો રડવા લાગે છે. આવા મુદ્દાઓ ગંભીર છે પણ ફટાકડા ફોડનારા એમના તાનમાં મસ્ત હોય છે.
એક સમયે અમદાવાદમાં આતશબાજીના પ્રોગ્રામ થતા હતા પર્યાવરણને લક્ષમાં રાખીને આ પ્રોગ્રામ બંધ કરાયો હતો. આપણે ગંગા શુદ્ધીકરણની વાતો કરતા હોઈએ તો હવાના શુદ્ધીકરણ માટે પણ વિચારવું જોઈએ.
હિન્દુ સમાજ પ્રગતિશીલ વિચારોને વરેલો છે પરંતુ બહુ બોલકા લોકો પોતાના જડભરત વિચારો રજૂ કર્યા છે તેને સમગ્ર હિંદુ સમાજના વિચારો ગણી લેવામાં આવે છે. અહીં યાદ અપાવવાનું કે આપણે ડીજીટલ યુગમાં જીવી રહ્યા છે.
આપણે ડીજીટલ યુગમાં પ્રવેશ્યા છે. વર્તમાન સમસ્યાઓને ટેકલ કરવી એ આપણી જવાબદારી છે, લુપ્ત થતી ચકલીઓ, કાગડા, મોર વગેરે પાછળ જંગલોનો નાશ અને વૃક્ષોનો સફાયો જવાબદાર છે. પર્યાવરણની રક્ષા એ આપણી જવાબદારી હોય તો પર્યાવરણને નુકસાનકારક તત્ત્વોને પણ આપણે ડામવા જોઈએ.
દિવાળીના ફટાકડાના અવાજોથી પક્ષીઓ બહેરા થઈ જાય તો કેટલાક વૃક્ષ પરથી પડી જાય છે અને બિલાડી કે કૂતરાનો શિકાર બને છે.
આપણે ત્યાં લુપ્ત થતી પશુ પક્ષીઓની જાતિ પાછળ પણ ઘોંઘાટીયા વાતાવરણની અને ફટાકડાના અવાજો તેમજ ફટાકડાના ધૂમાડા જવાબદાર છે. એક સાથે ફૂટતી હજાર ફટાકડાની લૂમ થોડા સમય માટે સન્નાટો મચાવી દે છે. નજીકના ઝાડ પર રાતવાસો કરતા પક્ષીઓ બહેરા થઈ જાય છે. માળામાંના બચ્ચા મોતને ઘાટ ભેટે છે જમીન પરના કીડી- મંકોડા પણ મોતને ભેટે છે.
માણસ જાતનો ક્ષણિક આનંદ પૃથ્વી પરના અન્ય જીવોને હેરાન પરેશાન કરી નાખે છે. આપણે રાત્રે ૧૨ પછી નવરાત્રિના ગરબા પર સંયમ મેળવી શક્યા છીએ, રાત્રે લાઉડ સ્પીકરો બંધ કરી દેવાય છે. મમત અને ભૂલો દરેક વર્ગ કરે છે ક્યારેક ક્યાંક સુધારો થાય છે કે સુધારા માટે બળવો કરે છે.
તેમ છતાં પર્યાવરણનો મુદ્દો સમજુ લોકોને ગળે ઉતરે એવો છે તહેવાર વિરોધી કોઈ પણ વાતને હિન્દુ વિરોધી ગણવામાં આવે છે. જો કે બહુમતી લોકો જાગૃતિ બતાવશે તો જ લઘુમતી અનુકરણ કરવા પ્રેરાશે.
આપણે કુદરતી ચક્રને તોડયું છે. આપણે પર્યાવરણ સાથે મનમાની કરી છે.
હવે જ્યારે સુધારાની દિશામાં જવાનું છે ત્યારે આપણે જક્કી વલણ છોડવા તૈયાર નથી. પૃથ્વી પરના અનેક જીવો પૈકી મનુષ્ય પણ એક જીવ છે. જો કે આપણે અન્ય જીવોને હેરાન કરવા કે ખતમ કરવાનું તેણે બીડું ઝડપ્યું હોય તેમ લાગે છે.
પ્રાણી- પક્ષીની ૧૩૦૦ જાતો નષ્ટ થઈ છે અન્ય સેંકડો જાત લુપ્ત થવાની અણી પર છે. ત્યારે ફટાકડા ફોડવામાં ગૌરવ અનુભવતા લોકો પર દયા ઉપજે છે.
ફટાકડાથી દૂર રહેવા જેવા નિર્ણયો સામુહિક સ્તરે લેવા અઘરા છે પણ વ્યક્તિગત સ્તરે નિર્ણય લઈ શકાય !! આવો, ફટાકડાથી દૂર રહેવાનો એક ડેરિંગ ભર્યો નિર્ણય લઈને પૃથ્વી પરના અન્ય જીવોના શ્વાસ ના છીનવીએ !

Comments
Post a Comment