- મોબાઈલ ઉપયોગી છે પણ સોશ્યલ નેટવર્ક જોખમી
- દિવાળીમાં નજીકમાં રહેતા સંબંધીઓને સીનિયરોને મળો અને લાઈવ આનંદ લૂંટો
સાલમુબારક કરવાની આપણી પ્રથાને સોશ્યલ નેટવર્કે આંચકી લીધી છે. દર વર્ષે આવી સ્થિતિની ચર્ચા હોય છે પણ તે અર્થહીન નીવડે છે. આ વખતે સ્થિતિ વધુ ગંભીર છે. સોશ્યલ નેટવર્ક કૌટુંબીક ગઠબંધનને તોડયું છે એમ વ્યક્તિગત સ્તરે પણ માણસને મૂંજી બનાવી દીધો છે.
પોતાના પાડોશી સાથે 'કેમ છો' કહેતા બંધ થયેલો માણસ હવે પોતાના ફેમીલીને પણ ભૂલવા લાગ્યો છે. દરેક જાણે છે કે સોશ્યલ નેટવર્ક ખલનાયક છે, દરેક જાણે છે કે વસુધૈવ કુટુંબકમ્ ને વરેલા દેશમાં લોકો પોતાના ગૃપથી આગળ વધતા નથી.
લોકો રૃબરૃ મળે ત્યારે જે આનંદ થાય છે તે વોટ્સઅપ પર થતો નથી. લોકો આ જાણે છે છતાં આળસ અને પોતાની જાતને બહુ ઓછાબોલામાં ખપાવવા પ્રયાસ કરે છે. આવા લોકો ધીરે ધીરે મૂંજી અને ગંભીર બનતા જાય છે. કોમ્યુનિકેશન એક કળા છે. સાવ અજાણ્યા સાથે વાતો કરીને મીક્સ થવાની કળા રેલવેમાં કે એસ.ટી. બસમાં પ્રવાસ કરતી વખતે ઘણામાં જોવા મળે છે.
સોશ્યલ નેટવર્ક સાથે સંકળાયેલો પ્રવાસમાં પણ મોબાઈલમાં મોં નાખીને બેસી રહે છે. સામેની બેઠકમાં રમતું નાનું બાળક આ નીચું મોઢું રાખેલાની સામે જોઈને હસ્યા કરે છે.
ઓશો રજનીશના કેટલાક ટચી વાક્યો સોશ્યલ નેટવર્કમાં ડૂબેલાઓને જાગૃત કરવા માટે પૂરતા છે...
* જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમે મારા પરિવારજનોને મળવા આવી જશો અને મને ખબર નહીં પડે... તો હમણાં જ આવી જાવોને મળવા...
* જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે થશે ત્યારે મારા બધા ગુના તમે માફ કરી દેશો જેની મને ખબર પણ નહીં પડે.... તો આજે જ માફ કરી દો ને ?!
* જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મારી કદર કરશો અને મારા વિશે સારી વાતો કરશો... તો પછી હમણાં જ મારી કદર કરોને !!
* જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે તમને થશે કે માણસ ઘણો સારો હતો એની સાથે થોડું વધુ સમય વિતાવ્યો હોત તો સારું થાત...
* એટલા માટે જ કહું છું મિત્રો રાહ ના જુઓ તેમાં ક્યારેક મોડું થઈ જાય છે... એટલા માટે મળતા રહો મિત્રો...
આ વાતો મૃત્યુ સાથે સંકળાયેલી છે. એમ ના માનશો જે કોમ્યુનિકેટ નથી કરતો તે વિચારોથી મૃત છે.
ઓશોએ અહીં જે મૃત્યુની વાત કરી છે એટલે મૃત્યુ નહીં પણ વિચારોનો અંત !! તમારી મુક્તિ પર કોઈની તરાપ ચલાવી શકાય નહીં !! મોબાઈલનું બંધન એ મુક્તિ પર તરાપ છે. કંઈક નવો વિચાર કે ક્રિએટીવ કામ કરવું હશે તો તે મોબાઈલ નહીં આપી શકે તે હકીકત છે. મોબાઈલ ઉપયોગી નીવડયો પણ સોશ્યલ નેટવર્કે લોકોને બાનમાં લીધા છે.
દરેક મંદિરના ઓટલે બેઠેલાઓ વૃદ્ધો કંઈને કંઈ વાત કરવા ઈચ્છે છે પણ સામા છેડે યુવાનો કે યુવતીઓ તેમની સામે નાનકડું સ્મિત વેરવા પણ તૈયાર નથી હોતા.
કેમ છો 'દાદા' એટલા શબ્દો સાંભળવા તેમના કાન સળવળતા હોય છે.
સોશ્યલ નેટવર્કે સમાજના ગઠબંધનને તોડયું છે. લોકો પોતાના જીવનમાં મસ્ત બનીને ફર્યા કરે છે. દિવાળીમાં ફોન પર જ દિવાળી મુબારક પાઠવી દેવાય છે. હવે વોટ્સઅપ પર શુભેચ્છા અપાય છે.
રૃબરૃ મળવાથી કે ઉર્જા-એનર્જી મળે છે તે સોશ્યલ નેટવર્ક પર મળી શકતી નથી. વાચકો આ બધી વાતોથી અજાણ નથી પણ તેમને ઢંઢોળવા પડે છે. એક નાનું ઉપકરણ સંબંધોને તોડે એ કેવું ?
બિઝનેસ માટે ભલે તે આવકાર્ય હોય પણ ડાઈનીંગ ટેબલ પર કે બેડરૃમમાં તે લગ્ગીરેય હિતાવહ નથી. છતાં લોકો પોતાની જાતને આધુનિક જમાનામાં ખપાવવા ફોન સતત સાથે રાખે છે.
ઈન્ટરનેટ વપરાશકારો વધી રહ્યા છે. દરેક ઘેર માથાદીઠ મોબાઈલ છે. વપરાશકારો વધતાં તે નવા ઈન્સટૂમેન્ટમાં ખોવાઈ જાય છે. અનેક કુટુંબોમાં મોબાઈલનો વપરાશ અટકાવવા પ્રયાસ થાય છે. જેમકે જમતી વખતે મોબાઈલ નહીં, રાત્રે ૧૦ પછી મોબાઈલ નહીં, ડ્રાઈવીંગ વખતે મોબાઈલ નહીં વગેરે... વગેરે...
નવી એક ઝુંબેશમાં મોબાઈલને સાયલન્ટ મોડ પર રાખવામાં આવે છે. જેથી કોઈ ટોન આવે જ નહીં, જ્યારે નવરાશ મળે એટલે યોગ્ય નંબરોનો સંપર્ક કરાય છે. આ સિસ્ટમ સિંગાપુરથી શરૃ થઈ છે. મોબાઈલ વપરાશ જેટલો અનિવાર્ય છે એટલું જ મહત્વનું તેના વળગણથી છૂટકારાનું છે.
હજુ એ દિવસોની વાર છે કે જેમાં મોબાઈલના ઉપયોગથી થતા લાભના બદલે મોબાઈલથી થતા જોખમોની યાદી લાંબી બનશે.

Comments
Post a Comment