યશવંત સિંહા 'જલતે બદન' ટીકાઓ નહીં સજેશનોની જરૃર

- ભાજપે સમાધાનના બદલે વળતો પ્રહાર કર્યો

- યશવંત સિંહાએ તેમના પ્રધાન પુત્રને સાથે રાખી રાજીનામું આપી દેવું જોઇએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એકાદ કુકરી ગાંડી થતી આવી છે. સંઘ વિચાર સાથે સંકળાયેલા સીનિયરો જલતે બદન જેવા છે. 

મને કોઇ પૂછતું નથી; મારા આટલા વર્ષોનો અનુભવ છે છતાં મને સાઇડમાં ધકેલી દેવાયો છે જેવી બળતરાનો અનુભવ યશવંત સિંહા સૌને કરાવી રહ્યા છે. કમનસીબી તો એ છે તે તેમનો પુત્ર રાજ્ય કક્ષાના નાણા પ્રધાન છે. યશવંત સિંહાનો આક્રોશ એ પર્સનલ બળતરા બહાર કાઢવા સમાન છે.

પોતાની જ સરકારની ટીકા કરતા રાજકારણીઓ પ્રસિધ્ધિ મેળવવાની સાથે સાથે પક્ષને નુકસાન કરી જાય છે. યશવંત સિંહા સીનિયર મોસ્ટ છે.

શેરબજાર તૂટી જાય એનો અર્થ એ નથી કે આર્થિક ચિત્ર ખરાબ છે. શેરબજારમાં આવેલી એફડીઆઇ ચિત્તાકર્ષક છે. સરકારે ઉત્પાદન આંક પર નજર રાખવા જેવી છે. નવા સ્ટાર્ટઅપ પાછળ ખર્ચા કરવાના બદલે માંદલા એકમોને પુનર્જીવીત કરવા લોન ફાળવવાની જરૃર છે. આર્થિક મુશ્કેલીઓના કારણે ઘણાં યુનિટો બંધ પડયા છે. આવા યુનિટો ફરી ધમધમતા કરવા સરકાર સ્પેશ્યલ પેકેજ બહાર પાડે તે પણ જરૃરી છે.

યશવંત સિંહા કોઇ અંગત દાઝ કાઢવા મથતા હોય એમ લાગે છે. તેમની પાસે કોઇ સજેશન હોય તો તેમણે વડાપ્રધાન કાર્યાલયને કે નાણા પ્રધાનને પહોંચાડવા જોઇએ, તે કશું ના કરી શકે તો સંઘના આર્થિક વિચારકોને પણ તે પહોંચાડી શકે છે. યશવંત સિંહાએ સમાચાર માધ્યમો દ્વારા મોડી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરવાની શરૃઆત કરતા તેમની આ અંગત વિચારોની લડાઇ સપાટી પર આવી ગઇ છે.

યશવંત સિંહાને મોં બંધ રાખવા નથી તો ભાજપ કહી શકતું કે નથી સંઘ કહેવાનું. મોદી સરકારે યશવંત સિંહા પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતાઓ તેમને આઉટડેટેડ કહે છે તો કેટલાક લખે છે કે ૮૦ વર્ષે સલાહકાર બનવા નીકળ્યા છે.

સીનિયર તરીકેનું ડેકોરમ યશવંત સિંહાએ તોડયું છે. મોદી સરકારના ત્રણ વર્ષના શાસનમાં વૈશ્વિક સ્તરે ભારતે ડંકો વગાડયો છે તો સ્થાનિક સ્તરે મોંઘવારી બેકાબુ બની છે. ભ્રષ્ટાચારના કોઇ કિસ્સા બહાર આવ્યા નથી કે કોઇ મોટા હુલ્લડો થયા નથી. યશવંત સિંહા માત્ર આર્થિક ક્ષેત્રનું પૂંછડું પકડીને બેસી રહ્યા છે.

ભાજપે ભૂલ એ કરી છે કે નવી ટીમને મેદાનમાં ઉતારવાની લ્હાયમાં જુના ચહેરાને સાવ ધક્કે ચઢાવ્યા છે. જ્યારે કોઇને કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ ના મળે ત્યારે તે યશવંત સિંહાને દ્વારે જતા હતા. કાર્યક્રમોના આયોજકોને ભૂતપૂર્વ નાણા પ્રધાન ભાષણ કરવા આવે તે ગૌરવ સમાન લાગતું હતું. જોકે જે હોદ્દાની આગળ ભૂતપૂર્વ લાગે છે તેના નિવેદનોની અને ભાષણોની બહુ વેલ્યુ નથી હોતી.

સંઘમાં યશવંત સિંહાની ઈમેજ આર્થિક નિષ્ણાત તરીકે છે છતાં સંઘના આર્થિક વિચારકોની ટીમમાં યશવંત સિંહા નહોતા. ''હું હોત તો''.. સિન્ડ્રોમથી દરેક સત્તાવિહોણા રાજકારણીઓ પીડાતા હોય છે.

હકીકત તો એ છે કે યશવંત સિંહાએ મોદી સરકાર સામે તીર છોડતા છોડી દીધું છે પણ હવે પાછા વાળતા નથી આવડતું. આ સળગતું તીર ઘણાં ભડાકા કરી શકે છે. તેમને વિપક્ષ સિવાય કોઇ ટેકો નથી આપતું. જોકે મોદી સમર્થકો માને છે કે આ તીર માત્ર સંઘ જ ઠારી શકે છે અને સંઘ ઈચ્છે છે કે મોદી થોડા વિરોધને લાયક હતા અને યશવંત સિંહાને પણ સીનિયર તરીકે કેમ રહેવાય તેનું ભાન થાય તે  જરૃરી છે.

મોદી સરકારે પણ આર્થિક સ્તરે પ્રવર્તમાન ગંભીર સ્થિતિનો સામનો કરવા સીનિયરો, આર્થિક નિષ્ણાતોની સલાહ લેવાની જરૃર છે. આર્થિક પરિવર્તનના પ્રણેતા તરીકે મનમોહન સિંહ ભલે હોય પણ યુપીએ સરકારના નાણા પ્રદાન પી. ચિદમ્બરમ્ ક્યારેય બજેટ માટે તેમની સલાહ નહોતા લેતા !! એવું જ ભૂતપૂર્વ નાણાપ્રધાન પ્રણવ મુખરજીનું કેસમાં હતું.

જોકે મોદી સરકારે આર્થિક નિષ્ણાતોની ટીમ ઊભી કરીને સલાહ-સૂચનો લેવાની જરૃર છે. આર્થિક સ્થિતિ ડામાડોળ હોય ત્યારે મોદી સરકારે મમત છોડીને દરેકને ઓપીનીયન માટે આમંત્રવા જોઇએ.

યશવંત સિંહાએ પોતાના પક્ષ પર જ આક્ષેપો કરતાં કોઇ તેમને છોડવા તૈયાર નતી. યશવંત સિંહા ટીકા નથી કરતા પણ પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. યશવંત સિંહાની સામે અરૃણ જેટલી અને ભાજપના પ્રવકતાએ કોઇ સમાધાનકારી વલણ નથી અપનાવ્યું.

સોશ્યલ નેટવર્ક પર તો લોકોએ યશવંત સિંહાને કોડીના કરી નાખ્યા છે. કોઇએ લખ્યું કે એટલું બધું હોય તો તમારે તમારા પુત્રને રાજીનામું આપવાનું કહેવું જોઇએ કે પિતા-પુત્ર બંનેએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપવું જોઇએ.

યશવંત સિંહા સામેની વૉર ભાજપના અને સંઘના મોવડીઓએ અટકાવવાની જરૃર છે. યશવંત સિંહાના આક્ષેપોથી વિપક્ષોને બળ મળી રહ્યું છે. ભાજપને બદનામી મળી રહી છે. આર્થિક તંત્ર અંગે ટીકાઓ કરવાથી કશું વળવાનું નતી. દરેક ટીકાકારે એક ટીકા સાથે એક સોલ્યુશન પણ આપવાની જરૃર છે..

Comments