2073ની ભૂલો 2074માં રિપીટ ન થાય તે મહત્ત્વનું


- અનિશ્ચિત ભાવિ છે ત્યાં ગ્રહોનું ટેન્શન

- રાહુ બદલાય તેનો લાભ- ગેરલાભ એવરેજ છે : બંધ બેસતી પાઘડી પહેરી દુ:ખી ના થવું

૨૦૭૪ના પ્રારંભની પૂર્વ સંધ્યાએ દરેક ૨૦૭૪ના વર્ષનું પોતાનું ભાવિ અને રાજકીય ભાવિ જાણવા આતુર હોય છે. રજાઓના દિવસોમાં લોકોએ પોતાના ભાવિ વિશે હર્ષ કે ચિંતા પણ વ્યક્ત કરી હશે. આવા ભાવિ વિશે કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ આ એક એવરેજ પ્રિડિક્શન હોય છે રાહુ બદલાય છે તેની રાહુલ ગાંધીને પોઝીટીવ અસર થશે તો નરેન્દ્ર મોદીને નેગેટીવ અસર થશે એવું કથન બંનેની કુંડળીના ગ્રહની સ્થિતિ સાથે બદલાતું રહે છે.

ભાવિના ગર્ભમાં શું છૂપાયેલું છે તે સમજવું અને કહેવું ઘણું મુશ્કેલ છે. જન્મના ગ્રહો મહત્ત્વના છે અને એ રીતે વ્યક્તિગત કુંડળી પરથી થોડું ગણું સાચું ભવિષ્ય જાણી શકાય છે.

ભગવાન કૃષ્ણ પણ કહે છે કે 'તું કર્મ કરતો જા, ભવિષ્યની ચિંતા મારી પર છોડી દે !' આ વાત લખવામાં કે બોલવામાં સારી છે પણ હકીકતે તો દરેક ભવિષ્ય માટે રોકાણ કરે છે, વીમાના પ્રિમિયમ ભરે છે અને પોતાની ભાવિ પેઢી માટે આયોજન કરે છે.

ઑવરઓલ ગ્રહોની સ્થિતિના આધારે સર્વગ્રાહી રાશિ ભવિષ્ય એક ગાઇડ લાઇન આપે છે પણ સૌથી મહત્ત્વનું તો કુંડળીમાંના ગ્રહો હોય છે.

વડાપ્રધાન મોદીએ પોતે લખેલી કવિતાના કેટલાક અંશો પ્રમાણે...

'પ્રારબ્ધને અહીં ગાંઠે છે કોણ,
હું પડકાર ઝીલનારો માણસ છું.'

નિરાશ માણસના જીવનમાં આ કવિતાના અંશો પ્રોત્સાહન પૂરું પાડે છે. જ્યોતિષો, વાસ્તુશાસ્ત્રીઓ સૌને ડરાવી રહ્યા છે. કાળસર્પ યોગનું ડીંડક ચલાવનારા જ્યોતિષોનો એક વર્ગ છે જેમાં ગાંધી- વૈદ્યના સહિયારા જેવું હોય છે. જ્યોતિષ અને વિધિ કરાવનાર મહારાજ બંને ભાગ પાડી લે છે અને વિધિ કરાવનાર આખો દિવસ હવનમાં સ્વાહા... સ્વાહા કરીને તલ નાખ્યા કરે છે.

અનિશ્ચિત ભાવિના કારણે જ્યોતિષોની દુકાનો ધમધમાટ ચાલે છે. રાજકારણની સ્થિતિ વધુ લાચાર છે કેટલાકને સત્તામાં ટકવું છે તો કેટલાક સત્તા મેળવવા માંગે છે. આ બંને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે તેમને ભાવિનો જાણકાર જોઈએ છે જેથી જેમની જરૃરિયાત એવું જ્યોતિષો પીરસે છે. બહુ લાલચુ માણસને તે ધૂતી નાખે છે અને કેટલાક કડક લોકોને કહે છે કે, હું મફતમાં જ્યોતિષ જોઉં છું.

શા માટે લોકો જ્યોતિષીઓ અને ગૂઢ જ્ઞાાન પર લોકો આટલો બધો ભરોસો રાખે છે ? આ સ્થિતિ આગે સે ચલી આતી હૈ. રાજાશાહીના જમાનામાં રાજ જ્યોતિષીઓ હતા. પત્ર રત્નનનો જન્મ થતાં જ જ્યોતિષો હાજર થઈ જતા હતા. અંગ્રેજો પણ નજુમીઓમાં માનવા લાગ્યા હતા. ભારત આઝાદ થયા પછી તો ચંદ્રાસ્વામી જેવા શાસનનો ભાગ બની ગયા હતા. દરેક વડાપ્રધાન અને રાજકીય સેલિબ્રિટીઓમાં જ્યોતિષને પુછીને પાણી પીતા હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા અને રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માના ઘરમાં જ જ્યોતિષો રહેતા હતા.

ભવિષ્ય જાણવાની જીજ્ઞાાસાની સાથે-સાથે ૨૦૭૩નું વર્ષ કેવું ગયું તે પણ વિચારવું જોઈએ. જેે લોકોએ કર્મનો માર્ગ અપનાવ્યો છે તેમના માટે ૨૦૭૨, ૨૦૭૩ બધા એક સરખા જ છે પરંતુ જેણે રાતોરાત લક્ષ્મી મેેળવવા પ્રયાસ કર્યા છે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રસ્તામાં ખાડા જેવા અનુભવ કર્યા હશે.

જીવનમાંની થોડી ઘણી ચડઉતર માટે ગ્રહોને જ સીધા જવાબદાર ગણવાની લોકોને ટેવ પડી છે પછી ગ્રહોનો પ્રેમ મેળવવા વીટીં, વિધિ વગેરે આવી જાય છે.

અહીં ભવિષ્ય કથનનો મુદ્દો એટલા માટે લખ્યો છે કે, ૨૦૭૪માં લગભગ દરેક રાશિ માટે સમસ્યા છે, રાષ્ટ્રીય સ્તરે રાજકીય ઉથલપાથલ સર્જાવાના સંકેત છે. તો વૈશ્વિક સ્તરે યુદ્ધના સંકેત છે. પાડોશી દુશ્મનો ચીન અને પાકિસ્તાન મજબૂત બનશે જેવા ભવિષ્ય કથનો લોકોને ચિંતામાં નાખે છે.

પાકિસ્તાનની કુંડળી સાથે તેના દેશના તમામ નાગરિકોનું ભાવિ જોડાયેલું છે. એવી જ રીતે અમેરિકા અને ઉત્તર કોરિયા માટે કહી શકાય. વિશ્વયુદ્ધની શક્યતા માટે પણ ગ્રહો કરતા પણ બહારના પરિબળો કામ વધુ કરે છે.

જ્યાં જ્યાં અનિશ્ચિત સ્થિતિ છે ત્યાં ત્યાં સટ્ટો છે, જ્યોતિષી છે, ભૂવાઓ છે આ લોકો પોતાના પ્રિડિક્શન પર મુસ્તાક હોય છે. લોકો સમૃદ્ધ ભાવિની લ્હાયમાં વર્તમાન સ્થિતિનો આનંદ ભૂલતા જાય છે. મજબૂત વર્તમાન હોવા છતાં ભાવિ અંગે સતત ચિંતા કર્યા કરતો મોટો વર્ગ છે. જ્યાં ભાવિની ચિંતા છે ત્યાં ગ્રહો છે; અહીં બાવાઓ છે, જ્યોતિષો છે અને ભુવાઓ છે.

૨૦૭૪ની પૂર્વ સંધ્યાએ દરેકને પોતાના એક વર્ષનું સરવૈયું તપાસવું જોઈએ. આ સરવૈયું ઘણું  શીખવાડશે. ૨૦૭૩માં કરેલી ભૂલો ૨૦૭૪માં રીપીટ ન થાય તે મહત્ત્વનું છે.

Comments