- ઑનલાઈન પરના 20 ટકા કમિશનનો લાભ
- સસ્તી મળતી ચીજોના કારણે ઑનલાઈન સેલની બોલબાલા, ઑફલાઈનને લાભ
ઑનલાઈન સેલે આ વખતે ધૂમ મચાવી છે. ઑનલાઈન સેલ કરતી ટોચની વેબસાઈટોએ કરોડોનું ટર્નઓવર કર્યું છે. ઑનલાઈન સેલની આ મોસમ ક્રિસમસ અને 2018ના શરૃઆતના અઠવાડીયા સુધી ચાલશે. ઑનલાઈન ખરીદીનું સેન્સેશન હવે નથી રહ્યું, ટાઉન લેવલે પણ મોટાપાયે ઑનલાઈન ખરીદી થાય છે.
મોટા શહેરો અને મેટ્રો સીટીમાં તો હાથ રૃમાલ, મોજાંથી માંડીને તમામ ડ્રેસીસ, બુટ-સ્લીપર, ગોગલ્સ, કેપ વગેરે મંગાવાય છે. એક સમયે ઑનલાઈન ખરીદીનું પાર્સલ આવે ત્યારે રોમાંચ અનુભવાતો હતો પરંતુ હવે તે રૃટીન ખરીદી બની ગઈ છે.
હવે તો સિસ્ટમ બદલાઈ છે. લોકો એમેઝોન પર પોતાના આખા મિત્ર વર્તુળ માટે ખરીદી કરે છે. તેનાથી આર્થિક કોઈ લાભ નથી તો પણ બીજાને મંગાવવા માટે તસ્દી નથી લેવી પડતી. ઑનલાઈન સેલ કરતી વેબસાઈટો પાસે નવતર ચીજોની એટલી મોટી રેન્જ હોય છે કે ખરીદી કરનારે સર્ચ માટે વધુ સમય આપવો પડે છે.
ઑનલાઈન આઈટમો ખરીદવા પાછળનું સૌથી મોટું કારણ સસ્તું મળે છે. એક સમય હતો કે લોકો બેડશીટ લેવા અમદાવાદના ઢાલગરવાડમાં જવા સ્પેશ્યલ સમય ફાળવતા હતા. દરેક શહેરમાં ખરીદી માટેના આવા માર્કેટ હોય છે.
પરંતુ લોકો ભીડભાડવાળી જગ્યામાં જતા નથી તેમજ ત્યાં પાર્કીંગ સહીતની અનેક સમસ્યા હોય છે. જ્યારે ઑનલાઈન ખરીદી માટે ફીંગર ટીપ, ચોક્કસ ખરીદીનો ખ્યાલ અને હાથવગા ક્રેડીટ ડેબીટ કાર્ટના નંબરની જરૃર હોય છે!! ઑનલાઈન સિસ્ટમમાં મળતી સસ્તી ચીજો પર હવે ઑફલાઈન રહેતા લોકોની નજર હોય છે. ઓફલાઈન એટલે કરિયાણાની દુકાનોવાળા અને શોપિંગ મોલ વાળાની નજર રહે છે.
ઓફલાઈન વેચનારા ઑનલાઈનનો ઉપયોગ કરીને જથ્થાબંધ આઈટમો મંગાવે છે. જેની રીટેલમાં અર્થાત્ મેક્સીમમ રીટેલ પ્રાઈસ પ્રમાણે તે બહોળો નફો કરી આપે છે. ઑનલાઈન જે ચીજ મળે તે ઑફલાઈન વધુ ભાવે વેચવા મુકતા હોય છે.
ઉદાહરણ તરીકે ઑનલાઈન મળતા તૈયાર ચાના પેકેટને હોલસેલર્સ દુકાનદારોને ઊંચા ભાવે વેચતા હોય છે. એટલે ચબરાક દુકાનદારો 'ચા'ના પેકેટની ઑનલાઈન ખરીદી કરે છે અને પછી તે પોતાની દુકાનમાં ગોઠવી દે છે.
એવી જ રીતે સેલફોન પણ દુકાનદારો લોટમાં ખરીદે છે અને પોતાની રીટેલ દુકાનોમાં વેચે છે. આવી રીતે લોટમાં ખરીદનારા સાતથી આઠ યુઝર્સ એકાઉન્ટ રાખે છે અને તેના પરથી ઓર્ડર આપે છે.
ઑનલાઈન સેલમાં આઈફોન, વીવો, ઓપો, મોટરોલા વગેરે સસ્તા મળે છે કેમકે ઑનલાઈન સેલ કરનારા એકબીજા સાથે સ્પર્ધામાં ઉતર્યા છે. જો ઑનલાઈન સેલમાં બજાર કિંમતે ચીજો મળતી હોય તો કોઈ તે ખરીદે નહીં. ઑનલાઈનની સફળતા પાછળનો સૌથી મોટો મુદ્દો 'સસ્તો ભાવ' છે.
આ સસ્તી ચીજો પર કરિયાણાવાળા, મોબાઈલવાળા અને તૈયાર કપડાંવાળા ભરપુર લાભ ઉઠાવે છે. આ લોકો ઓનલાઈન સેલની રાહ જોઈને બેઠા હોય છે. આ વખતે તો ઑનલાઈન સેલે જોરદાર ઉછાળા માર્યા હતા. કેટલાક સેલ ફોનની કિંમત તો ડીસ્ટ્રીબ્યુટરને મળતા ફોન કરતાં પણ ઓછી હતી. આ તક રીટેલ દુકાનદારોએ ઝડપી લીધી હતી.
તાજેતરના ઑનલાઈન સેલમાં એમેઝોને ઘણું ડીસ્કાઉન્ટ આપ્યું હતું. લોકોની નજર સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર વધુ હોઈ તેમાં ડીસ્કાઉન્ટ અને સ્કીમ વધારે અપાઈ હતી.
મોટાભાગની કંપનીઓ દુકાનદારોને કેશ ડીસ્કાઉન્ટ, ડઝને બે ફ્રી કે મોટી ખરીદી પર કોઈ મોંઘી આઈટમ ભેટ તરીકે આપે છે. આવો વ્યવહાર ઈ-કોમર્સની સાઈટ આવ્યા બાદ પણ વધ્યો નહોતો. દુકાનદારોને ૨૦-૨૫ ટકા કમિશન પર વધુ નજર હોય છે. દુકાદારોને ત્યાં ડીસ્ટ્રીબ્યુટરો વિવિધ સ્કીમ સાથે પડયા-પાથર્યા રહે છે.
જોકે ઑનલાઈન સિસ્ટમે દુકાનદારોને નવી દિશા બતાવી છે. ઑનલાઈન સેલવાળા જે માર્કેટીંગ કરે છે એવું માર્કેટીંગ ઑફલાઈન સેલવાળા અર્થાત્ રીટેલ દુકાનદારો નથી કરતા. કેટલાક રીટેલવાળા તો બારે માસ સેલના પાટીયા લગાડેલા રાખે છે એટલે લોકોને સેલનું સેન્સેશન પહેલા જેવું નથી થતું.ઑનલાઈન સેલવાળાઓએ માર્કેટીંગ પર વધુ ધ્યાન આપ્યું છે, કેશબેક અને ખરીદી સાથે પોઈન્ટને જોડી તેના પર ગીફ્ટ આપવાની યોજના તેમજ તગડા કમીશને લોકોને આકર્ષ્યા હતા.
ઑફલાઈન વેચાણવાળા પણ વેપારીઓ છે. તેમને પણ ધંધો કરતા આવડે છે. એક સમયે ઑનલાઈન સેલ કરતી વેબસાઈટ સામે વિરોધ કરનારા ઑફલાઈન વેપારીઓ આજે ઑનલાઈન સેલનો લાભ ઉઠાવે છે. બિઝનેસ તો બધાને કરવો છે. દરેક વધુ નફો રળવા મથે છે. ઑફલાઈન વેપારીઓ પ્રશંસાને પાત્ર છે...

Comments
Post a Comment