મંદિરમાં ગેરવહીવટના કારણે શ્રધ્ધાળુનું મોત એ શરમજનક

- મંદિરોમાં ભીડ જોઈ ટ્રસ્ટીઓ મલકાય છે

- મંદિરોની તગડી આવક પર તગડો ટેક્ષ હોવો જોઇએ : મંદિરને સેવાના કામ સોંપો

બેસતા વર્ષના દિવસે ગુજરાતના દરેક મોટા મંદિરોમાં શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. વર્ષના પ્રથમ દિવસે પોતાના ભગવાનના આશિર્વાદ મેળવવાની પરંપરા વધુ દ્રઢ બનતી જાય છે. વધતી ભક્તોની ભીડ ધક્કા-મુક્કી સુધી પહોંચી જાય છે. મંદિરના ટ્રસ્ટીઓ ભીડ જોઇને હરખાય છે તો બીજી તરફ ભીડમાં ફસાનારા મેનેજમેન્ટના ધાંધીયાથી ત્રસ્ત હોય છે.

બે દિવસ અગાઉ બેસતા વર્ષે ડાકોરમાં બે દર્શનાર્થી મોતને ભેટયા હતા. એક શ્રધ્ધાળુને એટેક આવ્યો હતો તો બીજાને ઇજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ડાકોરમાં દર્શન માટેનું કોઈ ચોક્કસ આયોજન નથી. ૫૦ વર્ષની ઉપરના ડાકોરમાં શાંતિથી દર્શન કરી શકે તે માટે સાઇડમાં લાઇવ સ્ક્રીન મુકેલા છે તેમ છતાં ભગવાનને સન્મુખ જવાની લ્હાય ધક્કાનો અનુભવ કરાવે છે.

ડાકોરમાં ભીડને કાબુ રાખવામાં દરેક વહિવટકારો નિષ્ફળ ગયા છે. કેમ કે વહિવટમાં સેવકગણનો ચંચુપાત વધુ હોય છે. શ્રધ્ધાળુઓ માને છે કે લોકો ગૂંગળાઈ મરે એવી ભીડનો વહિવટ કરી શકે એવા કુશળ લોકોને ગોઠવો. કોઈ ભક્ત મૃત્યુ પામે તે માટે મેનેજમેન્ટને જવાબદાર ગણી તેમના પર કેસ કરવાની માગણી ઉઠી છે.

ભારતમાં મંદિરો એ કોર્પોરેટ કંપની જેવા બની ગયા છે. કંપનીઓ તો પોતાની પ્રોડક્ટ વેચવા નફો રળે છે જ્યારે મંદિરોને તો વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. ઘણીવાર એમ થાય છે કે ગુજરાતના મંદિરોએ દક્ષિણના મંદિરો પાસેથી વહિવટ શીખવો જોઇએ. આ મંદિરો દર્શનાર્થીઓને ઢગલો સવલતો આપે છે.

ડાકોરને કાશીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ડાકોરના ગામની સમૃધ્ધિ પાછળ રણછોડરાયજીનું મંદિર છે. કહે છે કે મંદિર નાનું છે અને ભક્તો વધારે આવે છે. ડાકોરમાં સવારની મંગળા આરતી પછી નજીક આવેલા લક્ષ્મીજીના મંદિરમાં જવાની પણ પરંપરા છે. બેસતા વર્ષે આ મંદિરમાં પણ 'પડે એના મોત'જેવી સ્થિતિ હતી. સાંકડી ગલીમાં થઇને સેંકડો ભક્તો દર્શન કરે છે.

મંદિરો સામે પગલાં લેતા ભક્તો ડરે છે. હિન્દુઓની લાગણી દુભાવવા કોઈ તૈયાર નથી. હકીકતે તો મંદિરોની આવક પર પચાસ ટકા ટેક્ષ લેવો જોઇએ. મંદિરને હોસ્પિટલો, સ્કુલો, ભોજન શાળા ચલાવવાની ફરજ પાડવી જોઇએ.

મંદિરોના ટ્રસ્ટી ગણમાં ક્યારેય કોમનમેન નથી હોતા. પૈસાદારો, રાજકીય પીઠબળવાળા અને નામાંકિત કોન્ટ્રાકટરોને ટ્રસ્ટી બનાવાય છે.

શ્રધ્ધાળુઓના દાનની રકમ પર ધબકતા મંદિરો શ્રધ્ધાળુઓને સવલત આપવામાં ધાંધીયા કરે છે. મંદિરોની આવકના આંકડા ચોંકાવી દે એવા છે. આ આવકની ફીક્સ ડિપોઝીટ કરાવાય છે; સોનું ખરીદાય છે પણ શ્રધ્ધાળુઓએ આપેલો પૈસો સમાજની સુખાકારી પાછળ વાપરવાની દાનત કોઈ મેનેજમેન્ટમાં નથી હોતી.

ડાકોરમાં તો શ્રધ્ધાળુઓની માથું ફૂટે એવી સ્થિતિ હોય છે. ટ્રાફિક સંભાળનારાની સંખ્યા ઓછી હોય છે. ડાકોરથી ઉમરેઠ વચ્ચે ઘણીવાર કલાકો સુધી ટ્રાફિક જામ હોય છે. ડાકોર ગામમાં પાર્કિંગની સવલતો નથી. ગાડી દુર પાર્ક કરીને ચાલતા જવું પડે છે. રજા માણવા આવેલા લોકો યાતનાનો અનુભવ લઇને પાછા ફરે છે. લોકો રાજા રણછોડના દર્શન કરવા જાય ત્યારે રાજદરબારીઓ વહિવટ-શૂન્ય દેખાય ત્યારે લોકોને આઘાત લાગે છે.

કોઈપણ મંદિરમાં ધક્કા-મુક્કીના કારણે થયેલા મોત અંગે વહિવટકારો સામે પોલીસ કેસ થયા નથી જો સરકાર કડક બને અને અનિચ્છનીય ઘટના માટે વહિવટકારોને જેલમાં ધકેલે તો પૈસાદારો ટ્રસ્ટી થાય નહીં અને બધા જવાબદારીભર્યું કામ કરે !!

એક અહેવાલ અનુસાર શિરડીના સાંઇબાબા મંદિરની વાર્ષિક આવક રૃ. ૩૬૦ કરોડ એટલે રોજના ૯૮ લાખ !! તિરૃપતિ બાલાજી મંદિરની આવક ૨૨૪૮ કરોડ એટલે રોજના ૬ કરોડ ૨૪ લાખ ! વૈષ્ણોદેવી મંદિરની આવક ૫૦૦ કરોડ મહાલક્ષ્મી મંદિર (મુંબઇ)ની વાર્ષિક આવક ૧૪ કરોડ સિધ્ધિ વિનાયક મંદિર (મુંબઇ)ની વાર્ષિક આવક અંદાજે ૧૦૦ કરોડ, મિનાક્ષી મંદિર (ઓડીસા) ૫૨૦ કરોડ, કાશી વિશ્વનાથ મંદિર (વારાણસી) ૪.૫ કરોડ છે. આ સિવાયના નાના-મોટા મંદિરોની આવક હજુ બહાર નથી આવી. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, અંબાજી અને ડાકોર આવકમાં મોખરે છે.

સરકારે હિન્દુ વૉટબેંકની શરમ છોડીને મંદિરોની તગડી આવક પર લગામ કસવાની જરૃર છે. મંદિરમાં આવતો બધો જ પૈસો પ્રજાનો છે. છતાં તે પ્રજાના માટે નથી વપરાતો. કોઈ એક મંદિરનીઆવક ૨૨૪૮ કરોડ એટલે શું થયું ? હકીકતે તો આ લોકોની ત્રિમાસિક આવક જાવકના સ્ટેટમેન્ટ બહાર પાડવા જોઇએ !!

ભારતમાં શ્રધ્ધા ધૂણે છે : જેનો લાભ સીધો મંદિરોને મળે છે. લોકો યાતના વેઠીને અમરનાથ યાત્રાએ જાય કે ત્રણ દિવસ પ્રવાસ કરીને તિરૃપતિ જાય ત્યાં યથાશક્તિ દાન મુકે પણ સામે છેડે તે ચાર સાંકરીયાનો પ્રસાદ લઇને ધન્ય અનુભવે છે.

કોઈ મંદિરની આવક વધુ છે માટે તે લોકપ્રિય છે એવું નથી; દરેક મંદિરમાં ચોક્કસ પ્રકારની ઉર્જા હોય છે જે આપણામાં રહેલી નેગેટીવ ઉર્જાનો ખાત્મો બોલાવે છે.

સરકારે મંદિરોને કાયદાની સાંકળોથી બાંધવાની જરૃર છે..

Comments