કાશ્મીર સમસ્યા અંગે ફરી ચર્ચાનો માર્ગ : વિપક્ષની નજરે નાટકબાજી

- એક તરફ લશ્કરી પગલાં, બીજી તરફ ચર્ચા
- 'લાતો કે ભૂત બાતોંસે નહીં માનતે' એમ કહેતી સરકાર ચર્ચાનો માર્ગ અપનાવવા તૈયાર

282 + બેઠકોનો શું અર્થ ? મોદી સરકાર બેરોજગારી કે બ્લેક મનીની સમસ્યા હલ ના કરી શકે તે સમજાય એવી વાત છે પરંતુ જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી તત્વો સાથે મંત્રણા એ દેશના ઘણાં લોકોને ખૂંચે એવી વાત છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબાનો ઝોક ભાગલાવાદી વિચારકો તરફ છે તે બહુ જાણીતી વાત છે. ભાજપે પણ તેમનો વિચાર જાણતા હોવા છતાં તેમની સાથે ગઠબંધન કરીને સરકાર રચી હતી.

કેન્દ્ર સરકાર તો કાશ્મીરમાં ઘૂસેલા ત્રાસવાદીઓનો સફાયો કરવા માગતી હતી, સરકારે ત્રાસવાદીઓ સામે તમામ પગલાં લેવાની લશ્કરને છુટ પણ આપી હોવા છતાં ભાગલાવાદીઓએ હિંસક પ્રતિકાર ચાલુ રાખ્યો હતો.

'લાતો કે ભૂત બાતોંસે નહીં માનતે' એમ જણાવી સરકારે લશ્કરને ગમે તે હદ સુધીના પગલાં લેવાની છૂટ આપી હતી. લશ્કરે ૨૬૦ ત્રાસવાદીઓની યાદી બનાવી હતી તે પૈકીના ૧૦૦ને તો ફૂંકી માર્યા હતા છતાં ચર્ચાનું નવું ચેપ્ટર શરૃ કરાયું છે.

જો કે ઉદારમતવાદીઓ કહે છે કે સરકારે ઇન્ટીલીજન્સ બ્યુરોના ભૂતપૂર્વ વડા દિનેશ્વર શર્માને ચર્ચા કરવા માટે નીમીને ઉત્તમ કામ કર્યું છે. આવા કામ માટે પબ્લીસીટી ભૂખ્યા પત્રકારો, વચેટીયા બનીને ફરતા રાજકારણીઓ અને માનવ અધિકારનો ચીપીયો પછાડતા એજન્ટો કરતા દિનેશ્વર શર્માની પસંદગી ઘણી આવકાર્ય છે.

વિવાદ એ છે કે શા માટે મોદી સરકારે ભાગલાવાદીઓ સામે ઝૂકવું પડયું ? સરકારે જાહેરાત કરી તે સાથે જ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટવીટ કર્યું હતું કે લશ્કરના ઉપયોગથી સમસ્યા હલ થઇ શકે એવું માનનારા આખરે ખોટા પડયા છે.

હુરિયતના નેતાઓને મળતું ફંડ પાકિસ્તાનથી આવે છે તે અંગે એનઆઈએની તપાસ ચાલે છે. હુરિયત નેતાઓના કનેકશનો શોધવા સરકારે દિલ્હીમાં પણ દરોડા પાડયા હતા.

સરકાર માત્ર જમ્મુ-કાશ્મીરની સમસ્યા નીવારવા માગે છે એવું નથી, સરકારની નજર જમ્મુ-કાશ્મીરની ખીણ અને લદાખ પર છે.

સરકારનું આ પગલું પડકારજનક છે. ભાગલાવાદી તત્વોને પેટમાં શું દુખે છે તે પણ જાણવા મળશે અને અલગ કાશ્મીરના આંદોલન પાછળનું હાર્દ સમજવા પણ પ્રયાસ કરાશે.

એક તરફ હુરિયત નેતાઓને પાકિસ્તાનથી મળતા ભંડોળની તપાસનો ભરડો સખત બનાવાઈ રહ્યો છે તો બીજી તરફ ભાગલાવાદી સંગઠનો સાથે ચર્ચાનો માર્ગ પણ અપનાવ્યો છે. મોદી સરકારના પગલાંથી ભાગલાવાદી સંગઠનોને જેટલું આશ્ચર્ય થયું છે એટલું જ દેશની સામાન્ય પ્રજાને થયું છે.

જે ભાગલાવાદીઓ પાકિસ્તાનથી ભંડોળ મેળવીને તેનો ઉપયોગ તોફાનીઓને ટેકો આપવામાં કરતા હતા તેમની સાથે ચર્ચા ના હોવી જોઈએ એમ મોદી સરકાર જાહેરમાં કહેતી હતી છતાં તેણે ચર્ચાનો માર્ગ અપનાવ્યો છે.

ભારતના જવાનોને અને કાશ્મીરની પોલીસને ધક્કે ચઢાવતી પ્રજા સાથે મંત્રણા કરવાની વાતને બહાદુરી ગણી શકાય નહીં. સરકાર ડાયલોગબાજી માટે કેવી રીતે સંમત થઈ તેનો કોઈ ખુલાસો કરાતો નથી. ભાગલાવાદી સંગઠનોએ કાશ્મીરની પ્રજાને પોતાની સાથે કરી છે.

ઘૂસણખોરોને આશરો આપવાની, ખાવા-પીવાની સવલત કરી આપતા કાશ્મીરના લોકોને પાકિસ્તાન જીંદાબાદના સૂત્રો પોકારતા અને પાકિસ્તાનના ઝંડા લઇને ફરતા ભારતના લોકોએ ટીવી પર જોયા છે.

મોદી સરકારે આઇબીના ભૂતપૂર્વ વડાને સંપૂર્ણ છૂટ આપી છે અને કયા સંગઠન સાથે શાંતિ મંત્રણાની વાત કરવી તે નક્કી કરશે. દિનેશ્વર શર્માની નિમણૂક વ્યૂહાત્મક ભલે હોય પણ કેન્સર જેવી કાશ્મીરની સમસ્યાનો ઉકેલ એક વ્યકિત કહે તે પ્રમાણે આગળ વધારવો એ વાત ગળે ઉતરે એવી નથી.

પ્રથમ પ્રશ્ન લોકોના મનમાં એ આવે કે જે લોકો ભારતના જવાનો પર પથ્થરમારો કરતા હોય તેમના સંગઠનો સાથે ચર્ચા પણ ન કરવી જોઈએ. કેટલાક મુદ્દે કડક હાથે કામ જ પરિણામ આપે છે.

રાજ્યસભાના કોંગી નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું છે કે એનડીએ સરકારની આ નિમણૂક કાશ્મીર સમસ્યા ઉકેલવા માટે નથી પણ પબ્લીસીટી માટે છે. જો કે સરકારનો પ્લાન એવો છે કે તે વૈશ્વિક સ્તરે ટોચના દેશોને એવો મેસેેજ આપવા માગે છે કે અમે કાશ્મીરની સમસ્યા હલ કરવા ચર્ચાનો માર્ગ પણ ખુલ્લો રાખ્યો છે.

Comments