અમેઠીમાં રાહુલને પરવાનગી નહીં આપી ભાજપે ભૂલ કરી છે

- રાહુલ ગાંધી વ્યૂહાત્મક ચાલથી આગળ વધે છે

- દિવાળી પછી રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખપદે શપથ લેશે : જો કે સિનિયરો જીત ઇચ્છે છે

રાહુલ ગાંધીને અમેઠી જવા દેવાની પરવાનગી નહીં આપીને સરકાર પોતાના પગ પર કૂહાડો મારી રહી છે. આમ કરવાથી સરકાર રાહુલથી ડરે છે એવો સંકેત પ્રજા સુધી પહોંચે છે. રાહુલ ગાંધીની અમેરિકી યાત્રા સફળ રહી. અમેરિકામાં રાહુલે સૌને પ્રભાવિત કર્યા હતા એક પણ ભૂલ વિનાના તેમના આ પ્રવાસે અમેરિકી સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતના સમાચાર માધ્યમોએ રાહુલના અમેરિકી પ્રવાસને રાહુલની નેતાગીરી પર પકડ સમાન ગણાવ્યો હતો.

ભાજપ માટે કોંગ્રેસના પ્રિન્સનો વિરોધ એક મુદ્દો હોય એમ લાગે છે. ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન પણ રાહુલના એકે એક નિવેદન અંગે ત્વરિત વિરોધ પ્રદર્શન થતો હતો.

બનાસકાંઠાના પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીની કાર પર પડેલા પથ્થરે વિવાદ સર્જ્યો હતો. આ ઘટનાને કારણે રાહુલને દેશભરના સમાચાર માધ્યમોમાં સ્થાન મળ્યું હતું. ત્યારથી ભાજપ રાહુલથી ચેતીને ચાલે છે. તાજેતરની રાહુલની ગુજરાત મુલાકાત વખતે તેમની ટીમે બધું પરફેક્ટ આયોજન કર્યું હતું. દ્વારકાના દર્શન, ચોટીલાનો ડુંગર ચઢવાની વાત વગેરેના કારણે રાહુલે લોકોના દિલ જીતી લીધા હતા.

કોંગ્રેસના સર્વેસર્વા રાહુલ ગાંધી છે. સોનિયા ગાંધી ભલે પ્રમુખ હોય પરંતુ તમામ નિર્ણયો અને વહીવટ રાહુલ ગાંધી કરે છે તેમને પ્રમુખનો સત્તાવાર હોદ્દો મળે કે ના મળે તે પ્રમુખ જ છે એમ દરેક કોંગી જનોએ સ્વીકારી લીધું છે. રાહુલનું આયોજન પ્રશંશનીય હોવાનું સિનિયર કોંગીજનો પણ સ્વીકારી રહ્યા છે.

કહે છે કે, રાહુલ ગાંધીના પ્રમુખપદ પરના શપથ દિવાળી પછી યોજાશે. દિવાળી બહુ દૂર નથી, ટૂંકમાં એકાદ મહિના બાદ તે પ્રમુખ બને તેવી શક્યતા છે. સિનિયર કોંગીજનો કહે છે કે, હાલમાં રાહુલ પ્રમુખ તરીકે નિર્ણયો લે છે એટલે પ્રમુખપદના શપથ એ ઔપચારિક બાબત બની રહેશે.

કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ છે. કોંગ્રેસ મુક્ત ભારત જેવી વાતો કરનાર પોતે જ મોંઘવારી અને મંદીના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. દેશ ચલાવવાનાની જવાબદારી અને સુચારુ વહીવટ આપવાના બદલે ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ ગાણા ગાવાના ચાલુ રાખ્યા હતા. પરિણામ એ આવ્યું કે ફરી લોકોની નજર કોંગ્રેસ પર ઠરી છે.

ગુજરાતનો જંગ કોંગ્રેસ વ્યૂહાત્મક રીતે લડી રહી છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધીને સાઇડમાં રાખીને રાહુલ નવી ટીમ તૈયાર કરી રહ્યા છે. જુના ચહેરાઓનો સંગઠનમાં ઉપયોગ કરીને નવા ચહેરાને સપાટી પર લાવવાનો રાહુલનો પ્લાન છે. રાહુલ ગાંધીના પ્રયાસો જોતાં એમ લાગે છે કે કોંગ્રેસ આસાનીથી હાર નહિ માને અને વળતી લડત આપશે.

કોંગ્રેસ જાણે છે કે ભાજપ રાજ્યસભાના જંગની આડે લોકસભાની તૈયારી કરે છે. એટલે જ કોંગ્રેસે રાહુલની અમેઠી મુલાકાત ગોઠવી હતી કોંગ્રેસ જાણતી હતી કે પરવાનગીના બહાને રાહુલને અટકાવાશે અને તે વાતનું માર્કેટિંગ કરવાની તક મળશે ! પરંતુ થયું પણ એવું જ !! સત્તાવાળાઓએ પરવાનગી ના આપી અને આ ઘટના દરેક અખબારના ફ્રન્ટપેજ પર ન્યુઝ આવ્યા હતા. રાહુલને મફતમાં પ્રસિદ્ધિ મળી હતી અને ભાજપ રાહુલથી ડરે છે એવા મેસેજ ફરતા થઈ ગયા હતા.

રાહુલ ગાંધી ડાયનેમિક છે; તેમની ચાલમાં ઉત્સાહ જોવા મળે છે. તેમને ચોટીલા પર્વત ચઢતા જોનારા સૌ તેમની ફિટનેસની પ્રશંસા કરતા હતા. કોંગ્રેસમાં રાજ્યોની નેતાગીરીને મુદ્દે હુંસાતુંસીભર્યા વાતાવરણને રાહુલ સમજી શક્યા હતા.

યુપીએ સરકારના છેલ્લા ચાર મહિના દરમિયાન તેમને વડાપ્રધાન બનાવવાના પ્રયાસ શરૃ થયા હતા, ત્યારે વડાપ્રધાનપદેથી મનમોહનસિંહ ખસી જવા પણ તૈયાર હતા પરંતુ તે કૌભાંડોનો કાળ હતો અને રાહુલ પર તેના છાંટા ના ઉડે એટલે સિનિયર કોંગીજનોએ આવું આયોજન પડતું મૂક્યું હતું.

સચિન પાયલોટે રવિવારે એમ કહ્યું કે, રાહુલ દિવાળી પછી કોંગ્રેસ પ્રમુખનો હવાલો સંભાળી શકે છે. ત્યારે કોઈને બહુ આશ્ચર્ય નહોતું થયું કેમ કે, રાહુલ જ સર્વેસર્વા છે. કોંગ્રેસ પ્રમુખપદ સોનિયા ગાંધી પાસે પણ પક્ષનો તમામ વહીવટ બિનસત્તાવાર રીતે રાહુલ ગાંધીને સોંપી દેવાયો છે.

કોંગીજનો ઇચ્છે છે કે કોંગ્રેસ એકાદ રાજ્ય જીતે અને તેની ખુશીમાં રાહુલ પ્રમુખપદ સ્વીકારે ! પંજાબની જીત વખતે તે ચાન્સ ઉભો થયો હતો પણ તે જીત કેપ્ટન અમરિન્દરસિંહને કારણે હતી તે કોંગ્રેસે પણ સ્વીકાર્યું હતું.

રાહુલે નવસર્જન ગુજરાત યાત્રા કરી છે તો સામે છેડે ભાજપે ગૌરવ યાત્રા શરૃ કરી છે. કોંગ્રેસે પટેલ બહુમતીવાળા વિસ્તારમાંથી પ્રારંભ કર્યો છે એમ ભાજપે પણ પટેલ મતવિસ્તાર પસંદ કર્યો હતો. કોંગ્રેસની કોપી ભાજપ કરી રહ્યું છે. પોતાની લીટી લાંબી કરવામાં જ બાહોશી છે એ વાત ભાજપ ભુલી રહ્યું છે.

Comments