- ડિપોઝિટરોની કિંમત બેંકોએ સમજવી જોઈએ
- પ્રજાને સવલત આપવાની બાબતે પ્રાઈવેટ બેંકો વધુ સ્માર્ટ પૂરવાર થઈ છે
બેંકોની નોનપરફોર્મીંગ એસેટ (એનપીએ) એ દેશનું સૌથી મોટું કૌભાંડ છે. નોટબંધી પછી આર્થિક ભીંસમાં મુકાયેલી બેંકોને સરકારે સહાય કરીને સ્ટેરોઈડ જેવું ઈન્જેકશન આપ્યું છે એમ કહી શકાય. સરકાર શા માટે બેંકોને થોઈ-થાબડા કરે છે એ જ ખબર નથી પડતી.
બેંકોના એનપીએ માટે સરકાર કે કોઈ એજંસી જવાબદાર નથી પણ માત્ર બેંકો અને તેનો સ્ટાફ જવાબદાર છે. બેંકોએ કૌભાંડી વચેટીયાઓ સાથે હાથ મીલાવીને તગડી લોન ઈસ્યુ કરી હતી. આવી લોન લેનારા નહોતું વ્યાજ ભરતા કે નહોતી મૂડી ભરતા.
જ્યારે સરકારને ખબર પડી કે બેંકો દેવામાં ડૂબેલી છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આર્થિક સિસ્ટમમાં કોઈ કૌભાંડ બહાર આવે ત્યારે તેમાં વત્તે-ઓછે અંશે બેંકો જવાબદાર હોય છે. વિજય માલ્યાના કેસમાં બેંકોએ કડક પગલાં લેવાના બદલે આંખ-મિચામણાં કરે રાખતા હતા. જ્યારે દેવું ડુંગર જેવું થઈ ગયું ત્યારે વિજય માલ્યા સામે આકરા પગલાં લેવાનું વિચાર્યું !! પગલાં લેવાય તે પહેલાં તે રફુચક્કર થઈ ગયો હતો.
બીજું ઉદાહરણ શેલ કંપનીઓનું આપી શકાય. એક જ એડ્રેસ પરથી ચાલતી ૨૦૦ કંપનીઓના ઓફિસ પ્રુફના ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા હોય ? સામાન્ય પ્રજા ખાતુ ખોલાવવા જાય તો લાઈટ બીલ, ટેક્સબીલ બધું મંગાવાય છે પરંતુ અહીં તો એક જ એડ્રેસ પરથી ૨૦૦-૨૦૦ કંપનીઓ ખુલી હતી. જ્યારે કૌભાંડ પકડાયું ત્યારે બેંકોએ હાથ ઉંચા કરતા કહ્યું કે અમે તો ડોક્યુમેન્ટને વળગી રહીએ છીએ !!
હકીકત એ હતી કે બેંકો વધુ ખાતેદાર બનાવવાનો પ્રયાસ કરે છે, વધુ લોકોને લોન પણ આપે છે પરંતુ લોન પરત લેવામાં ધાંધીયા કર્યા હતા. એકલ-દોકલ વ્યક્તિ લોનના હપ્તા ના ભરે તો બેંકના મેનેજર તેને નિયમિત હપ્તા ભરવા લેકચર આપતા હોય છે. જ્યારે વિજય માલ્યા જેવા ડીફોલ્ટર સાથે લળી-લળીને વાત કરતા હોય છે.
બેંકોએ લોકોને લોન આસાનીથી નથી આપી, શિક્ષણ લોન લેવામાં પણ બેંકો પાસે જવા વચેટીયા એજન્ટોની જરૃર પડે એવી સ્થિતિ ઉભી કરી દેવાઈ હતી.
બેંકોએ સૌથી મોટી લૂંટ ક્રેડીટ કાર્ડના વ્યાજ અને વિવિધ ચાર્જીસમાં ચલાવી હતી. મધ્યમ વર્ગને ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરીને તેમને દેવું કરવાના બંધાણી બનાવી દીધા હતા. મીનીમમ એમાઉન્ટ ભરવાનો આઈડયા કરીને લોકોને દેવામાં ચાલતા કરી દીધા હતા. ક્રેડીટ કાર્ડની રકમનું વ્યાજ અને ચાર્જીસ તગડા હોઈ સામાન્ય રકમ પણ જોત-જોતામાં હજારો પર પહોંચી જાય છે.
જે સ્ટેટ બેંકના વિજય માલ્યાએ સૌથી વધુ પૈસા ડૂબાડયા છે એ જ સ્ટેટ બેંકે ક્રેડીટ કાર્ડના ગ્રાહકોને સૌથી વધુ લૂંટયા હોવાનો આક્ષેપ છે.
બેંકો લોકો પાસેથી ૮ ટકે પૈસા લે છે અને ઓછામાં ઓછા એવરેજ ૧૮ ટકે લોન આપે છે. આ લોન સામે તે કોલેટેરોલ સિક્યોરીટી લે છે. બેંકમાં ડિપોઝીટ કરનારને કોઈ સિક્યોરીટી નથી મળતી. અનેક કો-ઓપરેટીવ બેંકો લોકોની ડિપોઝીટ ચાંઉ કરી ગઈ હતી. ટૂંકમાં બેંકોની આવક એ તેમનું વ્યાજ છે. બેંકોનો વ્યવહાર ખાતેદારને આકર્ષે છે. બેંકમાં લોન લેવી એ વિજય માલ્યા જેવા અનેક માટે ચપટીનો ખેલ છે. જ્યારે સામાન્ય પ્રજા માટે તે 'ધક્કા'નો ખેલ બની જાય છે.
ઘણી બેંકો અટપટા ફોર્મ રાખે છે, ઘણાંને પેઈંગ સ્લીપમાં સુધારાની જરૃર છે. બેંકિંગનું કામ કરિયાણાની દુકાન જેટલું આસાન બનાવવાની જરૃર છે. બેંકમાં જતો ગ્રાહક પોતાના પૈસાનો વહિવટ કરવા જાય છે છતાં તેને કો-ઓપરેટીવ વાતાવરણનો એહસાસ થતો નથી.
બેંકોને સવલતો આપતા પહેલાં તેમને જણાવવું જોઈએ કે તમને જે સહાય મળે છે તે પ્રજાનો પૈસો છે. તમારું કામ પૈસાદાર કૌભાંડીઓના બદલે મધ્યમવર્ગ અને શ્રમજીવી વર્ગને સસ્તા દરે લોન મેળવવા પ્રોત્સાહીત કરવાનું છે. મોટાભાગની બેંકો ગ્રાહકો સાથે પોલાઈટ બનીને વાત કરવાનું ભૂલી ગઈ છે. વહિવટ અને વ્યવહાર બંનેમાં પ્રાઈવેટ બેંકો વધુ સ્માર્ટ પુરવાર થઈ રહી છે. કેમકે તેમનો પ્રોફેશનલ ટચ છે.
બેંકોને થોઈ-થાબડા કરીને સરકાર સાપને દૂધ પાઈ રહી છે. બેંકો પાસે તેની જવાબદારી નક્કી થવી જોઈએ. તેના ડૂબતા પૈસાનો ખુલાસો માગવો જોઈએ. હવે પેલી કરોડો રૃપિયાની એનપીએનું શું થશે ? જ્યાં સુધી બેંકોના થોઈ-થાબડા ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ સુધારો થવાનો નથી.

Comments
Post a Comment