પ્રિમેચ્યોર્ડ શિશુઓમાં ઇન્ફેકશનનું જોખમ, ઇમ્યુનિટી પાવર નહિવત

- કેટલાક ઇન્ફેકશન પર એન્ટીબાયોટીક્સ પણ કામ કરતી નથી

- નવ માસનો ગર્ભ જેટલો શક્તિશાળી હોય છે એટલો 7 માસનો નથી હોતો...

નીઓ નૅટલ આઇસીયુ અને મૃત્યુ વચ્ચે એક વ્હેંતનું જ અંતર હોય છે. જ્યારથી પ્રિમેચ્યોર્ડ ડીલીવરીની સંખ્યા વધી છે ત્યારથી નીઓ નેટલ આઇસીયુની સંખ્યા વધી છે. જેમાં કૉટ (ખાટલા)ની જગ્યાએ કાચની પેટી (ઇનકયુબેટર) હોય છે.

જેમાં બાળકને તેની મમ્મીથી દૂર રખાય છે અને નળી દ્વારા દૂધ અપાય છે. શ્વાસ માટે નાકમાં ટોટી હોય છે, ડ્રીપ માટે હાથમાં ટોટી હોય છે. એક-બે દિવસના બાળક માટે તેના પરિવાર માટે આ સ્થિતિ યાતનાજનક હોય છે. બાળક બોલી શકતું નથી પણ તેના મા-બાપ અને કુટુંબીજનો સતત ભગવાનને પ્રાર્થના કર્યા કરે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયામાં સૌથી મોટી હોવાનો દાવો થાય છે. આ ભીડભાડવાળી હોસ્પિટલમાં મોટા ભાગે મધ્યમ વર્ગના દર્દીઓ આવે છે. સરકારી હોસ્પિટલના કારણે ત્યાં લાલીયાવાડી ચાલતી હોય એમ માની શકાય પણ ત્યાંની ડેન્ટલ, કેન્સર, ઓપ્થેલમીક, આઇસીયુ જેવા વિભાગો ચોખ્ખા-ચણક હોય છે.

જન્મતા સાથે ઓછું વજન એ બાળક માટે જોખમી પુરવાર થાય છે. પ્રિમેચ્યોર્ડ ડીલીવરીમાં ગર્ભમાં મળવા જોઈતું નવ માસનું પોષણ તેને મળતું નથી. આ માટે મા-બાપ કે સરકાર જવાબદાર છે એમ માની શકાય નહીં.

એ સમય પણ લોકોએ જોયો છે કે જયારે મહિલાઓ ઠેઠ નવમા મહિના સુધી ઘરકામ કરતી હતી. ગામડામાં મહિલાઓ ખેતરે જતી વખતે સાથે દાતરડું રાખતી હોય છે. તેના અનેક કામ હોય છે. તે પૈકીનું એક કામ પ્લેસેન્ટા કાપવાનું પણ છે !! ખેતરાળ વિસ્તારમાં કોઇને ડીલીવરી આવે તો આ દાતરડું પ્લેસેન્ટા કાપવાના ઉપયોગમાં લેવાતું હોય છે.

તે સમયમાં ઇન્ફેકશન સામે કોઇ લડતું નહોતું. ભગવાનને ગમ્યું તે ખરું કહીને લોકો માતાજીની બાધા રાખતા હતા. બાળ મૃત્યુને બહુ ગંભીરતાથી નહોતું લેવાતું. ડીલીવરી સમયે મહિલાને રાબ, શીરો ખાસ ખવડાવાતો પણ નવા જનરેશનમાં મહિલાને શું ખાવું- શું ના ખાવું, તેની સમજ આપતા કલાસ ચાલે છે. પ્રેગનન્સીમાં યોગાના પણ ક્લાસ ચાલે છે.

બાળકના જન્મ પહેલાંની સારવાર અને જનમ્યા પછીની સારવારમાં તેના કુટુંબનો ફાળો મહત્વનો હોય છે. નવજાતને ઇન્ફેકશન ના લાગે (ચેપ) એટલે ઓછામાં ઓછા એક મહિના સુધી તેનાથી દુર રહેવાની પ્રથા ઉભી કરવાની જરૃર છે.

જેમ આઈસીયુ વોર્ડમાં પ્રવેશ પર સખત નિયંત્રણ હોય છે એમ નવજાત શિશુને રમાડવા પર પણ નિયંત્રણ લાદવાની જરૃર છે. આઇસીયુ વોર્ડમાં કોઇને જવા દેતા નથી છતાં લોકો પોતાના સંબંધીને મળવા પ્રયાસ કરે છે. ઘણાં લોકો આઇસીયુમાં દર્દીને બહારથી જોવા માટે પણ 'પાસ' લેવા લાગવગ લગાવે છે. જેને હૃદય રોગ હોય, સ્ટ્રોક આવ્યો હોય એવા લોકોને ડીસ્ટર્બ ના કરવા જોઈએ, એટલે તો આઇસીયુ પ્રવેશ માટે દરેક હોસ્પિટલો કડકાઇ રાખે છે. મૂળ આશય ઇન્ફેકશનનો હોય છે.

અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે લગ્ન પછીના સાત-આઠ વર્ષ સુધી જે યુગલ સંતાન વિહોણા હોય છે તે વંધત્વ નિવારણ હોસ્પિટલોનો આશરો લે છે. સંતાન પ્રાપ્ત કરવા યુગલ પાંચ-સાત લાખ ખર્ચે છે. આવા બાળકો ઘણીવાર પ્રિમેચ્યોર્ડ સ્થિતિમાં જન્મે છે.

બાળક પંદરેક દિવસ વહેલું જન્મે તે ઠીક છે પણ બે-અઢી મહિના વહેલું જન્મે છે. આવું બાળક સિઝેરીયન દ્વારા મેળવાયું હોય છે. તેને ગર્ભમાં કુદરતી પોષણ નથી મળતું હોતું એટલે તેને કાચની પેટીમાં (ઇનકયુબેટરમાં) રખાય છે. તે જેટલા દિવસ વહેલું જનમ્યું એટલા દિવસ નવ માસમાંથી બાદ કરીને બાકીના દિવસોમાં તેને ફૂલની જેમ સાચવવું પડે છે.

ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુના મોત અંગે થતી આક્ષેપબાજી રાજકીય લાભ મેળવવા માટે છે. એકવાર નવજાત શિશુ ઇન્ફેકશનની ઝપટે ચઢી જાય તો તેને માત્ર ભગવાન જ બચાવી શકે છે.

આપણે ત્યાં પરંપરાગત સિસ્ટમ એવી છે કે બાળક જન્મે કે તરત જ તેના બાપા-કાકા - બા- નાની બધા તેને હાથમાં લેવા પડાપડી કરે છે. બાળકનું મોઢું કોના જેવું લાગે છે, આંખો કોના જેવી લાગે તે તેની ચર્ચા કરીને આનંદ લૂંટવામાં આવે છે. જો કે આ રમાડનારાઓને એ ખબર નથી હોતી કે જાણે અજાણે આ લોકો નવજાત શિશુ માટે જોખમ ઉભું થાય છે.

કેટલાક બેકટેરીયા પર ઍન્ટી બાયોટીક્સની અસર થતી નથી. આપણે તેને સુપરબગના નામે ઓળખીએ છીએ.

નવજાત શિશુઓના મૃત્યુના મામલે હોબાળો કરનારાઓએ પ્રિમેચ્યોર્ડનો અર્થ સમજવાની જરૃર છે. સુપરબગની અસર અને ઇન્ફેકશન નામના રાક્ષસને નજરમાં રાખીને આક્ષેપો કરવા જોઈએ. પ્રિમેચ્યોર્ડમાં રોગ પ્રતિકારક (ઇમ્યુનીટી પાવર) રોગ પ્રતિકારક શક્તિ નહિવત હોવાથી ઇન્ફેકશનના શિકાર બને છે.

Twitter: https://twitter.com/sudarshanbhai_

Comments