- લોકશાહીમાં કોઇને ડરાવી-ધમકાવી ના શકાય
- ડાબેરીઓ દ્વારા ભાજપના કાર્યકરોની ક્રૂર હત્યાઓ : કેરળમાં ભાજપના પ્રવેશનો વિરોધ
ભાજપે કેરળ, પ.બંગાળ અને ત્રિપુરામાં થતી રાજકીય હિંસાચાર પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગઇકાલે અમિત શાહે રેલીનો હવાલો સંભાળ્યો હતો, તો બુધવારે યોગી આદિત્યનાથે નેતૃત્વ કર્યું હતું. કેરળ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા ડાબેરી વિચારસરણીને વરેલા છે.
કેરળમાં રાજકીય હિંસા સામે આક્રોશ વધતો જાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના કાર્યકરોને ટાર્ગેટ બનાવવામાં આવે છે. ભાજપના પ્રમુખ અમિત શાહ પોલીટીકલ પરફોર્મન્સ પર ભાર આપે છે. ભારતની લોકશાહીમાં ઘણાં દૂષણો ઉછર્યા છે જેમાં એક રાજકીય હિંસાઓ છે.
પોતાની વિચારસરણી સામે કોઇ ટકરાય તે કોઇ રાજકીય પક્ષ સાંખી લેતો નથી. ડાબેરી વિચાર સાથે સંકળાયેલા જડભરત હોય છે. તે વિચાર સામે ટકરાનારાઓને ખતમ કરવા માગે છે. કેરળમાં રાજકીય હિંસાઓ એટલી ક્રૂર રીતે થાય છે કે લોકો ડરી જાય છે. સંઘ અને ભાજપના કાર્યકરોની હત્યા કરનારા તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી ૧૫-૨૦ ટુકડા કરી નાખે છે.
આવી ક્રૂર હત્યા પાછળનું મુખ્ય કારણ લોકો ભાજપ સાથે સંબંધો રાખતા ડરે એ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સંઘના સ્વયંસેવકો ધીરે-ધીરે સંઘ વિચારને પ્રસારી રહ્યા છે.
રાજકીય હિંસા લોકોનું ધ્યાન ખેંચે છે. પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ ના ઘૂસે એટલે મુસ્લિમોના તુષ્ટીકરણમાં મમતાનો તૃણમુલ કોંગ્રેસ પક્ષ અને ડાબેરી પક્ષો એક વેવ લેન્થ પર ચાલે છે.
કોઇપણ વિચારસરણીને હિંસાચારથી દબાવી શકાય નહીં. ડાબેરીઓએ સંઘ વિચારને દબાવી દેવા તૈયારી કરી છે. સંઘ કાર્યકરોને કોણ મારી રહ્યું છે તે અંગે વિવાદ ભલે હોય પણ જ્યાં ડાબેરી શાસન છે ત્યાં તેને સંઘ સાથે ભડકો થાય છે તે ભૂલવું ના જોઇએ.
અહીં મૂળ વાત રાજકીય સત્તા માટે પાયા ઊભા કરવાની છે. કેરળમાં જનરક્ષા યાત્રા એ માત્ર કેરળના જ નહીં દેશભરના લોકોનું ધ્યાન ખેંચવા માટે છે.
ચૂંટણીઓ દરમ્યાન થતી હિંસાને ચૂંટણી હિંસામાં ખપાવાય છે પણ તે સિવાય થતી હિંસા રાજકીય હિંસાચાર છે.
આજે ભલે સંઘ કેરળમાં વિરોધ રેલી કાઢે પણ એક સમયે સંઘ વિચારને કોંગ્રેસ પણ નહોતું સ્વીકારતું. જેમ જેમ સંઘની રાજકીય પાંખ ભાજપને સત્તા મળતી ગઇ એમ એેમ તેણે પ્રસરવાનું શરૃ કર્યું હતું, જ્યાં જ્યાં ભાજપની બહુમતી વાળી સરકાર છે ત્યાં ત્યાં સંઘ વિચાર જોવા મળે છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સંઘનો ચહેરો છે એટલે તે બધે ભગવો કલર લગાવી દેશે. યોગી આદિત્યનાથના રાજમાં ગૌરક્ષકો અને લવજેહાદવાળા બેફામ બન્યા હતા.
દરેક રાજ્યમાં પ્રસરવા સંઘે ધીરજ રાખી છે. ભાજપ હાલમાં સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રીય સત્તામાં છે. એટલે જ સંઘ કેરળમાં રેલી કાઢી શકે છે. યુપીએ સરકારમાં આવી રેલી કાઢવાની હિંમત કરી શકે નહીં. કેરળમાં ભાજપની રેલી એ આવકાર્ય પગલું છે. ડાબેરી નેતા સીતારામ યેચુરીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનની ટીકા કરી તો તેમને સણસણતો જવાબ આપવા યોગી તૈયાર બેઠા હતા.
લોકશાહીમાં દરેક વિચારને સ્થાન છે; ભારતની લોકશાહીમાં તો કોઇપણ વિચારને ઊડવાનું અને રાજકીય સત્તા પર બેસવાનો ચાન્સ મળે છે. જોકે કમનસીબી એ છે કે લોકશાહીમાં અમર્યાદ સ્થિતિના કારણે ઘણાં આકડા અને થોર પણ ફૂટી નીકળે છે.
ઘણાં લોકોને આકડાના ફૂલ અને મોગરાના ફૂલમાં સમજ નથી પડતી. સત્તા મેળવનારા દેશહિતનું ભાગ્યે જ વિચારતા હોય છે. દરેક નાત-જાત-જ્ઞાાતિના વાડામાંથી ખીલે છે અને પછી પોતાની મૂળ પીચને ભૂલી જાય છે.
કેરળના મુખ્ય પ્રધાન કહે છે કે રાજ્યમાં થતી રાજકીય હિંસાઓમાં માત્ર ભાજપ - સંઘના લોકોનો ભોગ લેવાય છે એવું નથી. અમારા કાર્યકરો પણ હિંસાનો ભોગ બને છે. અહીં આશ્ચર્ય એ વાતનું છે કે ભાજપનો કાર્યકર મોતને ભેટે કે ડાબેરી કાર્યકર મરે પણ અંતે તો લોકશાહીના મુક્ત વાતાવરણમાં એક ભારતીય નાગરિકનું મોત થાય છે.
બંને પક્ષે 'અમે સાચા'નું રટણ ચાલે છે. જો કે રાજકીય હિંસાચારમાં પ.બંગાળ, કેરળ અને ત્રિપુરા મોખરે છે.
ભારતની લોકશાહીમાં દરેક રાજકીય પક્ષ મુક્ત મને ઊડી શકે છે. ઓવૈસી જેવા નેતાઓ ભારતની નીતિઓનો વિરોધ કરે છે છતાં તે જંગ લડે છે. એમ કેરળમાં પણ ડાબેરી સરકારે ચૂંટણી માટે મુક્ત વાતાવરણ ઊભું કરવાની જરૃર છે. કોઇને ડરાવવાથી કે મારી નાખવાથી ચૂંટણી જીતી શકાતી નથી.
કેરળમાં ભાજપને ગઇ ચૂંટણીમાં ૧૧ ટકા વૉટ મળ્યા હતા. કેરળમાં જ વિરોધ રેલી કાઢી ભાજપ મતોની ટકાવારી વધારશે તે નક્કી છે.

Comments
Post a Comment