મોબાઇલનો વધતો વપરાશ સોશિયલ લાઇફ માટે જોખમી...


- ચાલુ વાહને મોબાઇલ ટેકસ્ટ કરતા લોકો

- મોબાઇલ એડિક્શનમાં લોકો સપડાયા છે : સુધરવાનો ઓછો અવકાશ

ડીજીટલ ઉપકરણો જીવનમાં મહત્ત્વના બનવાની સાથે સાથે અનિવાર્ય બની ગયા છે. એકસમયે જેમ સારું પુસ્તક સાથી તરીકે સાથે રખાતું હતું એમ હવે સ્માર્ટ ફોન કે ટેબ્લેટ સાથે રખાય છે.

જો કે પુસ્તકનું લોકોને જેટલું વળગણ હતું તેના કરતા દસ ગણું વળગણ સ્માર્ટ ફોનનું છે. દરેક આ સમસ્યાથી પીડાય છે. ડીજીટલ ઉપકરણો સાથે લોકો બંધાઈ ગયા છે. ભૂતકાળમાં લોકો બંધાઈ ગયા છે. ભૂતકાળમાં લોકો કોઈ ચીજ સાથે અતૂટ બંધનમાં નહોતા પણ ડીજીટલ યુગમાં ડીજીટલ ઉપકરણોએ લોકોનો કબજો લઈ લીધો છે.

ઘેર- ઘેર લોકો આ સમસ્યાથી પીડાય છે બધા જાણે છે કે મોબાઇલ બાજુએ મૂકી દેવાથી થોડી ડીજીટલ મુક્તિ મળે એમ છે છતાં કોઈ તે છોડવા તૈયાર નથી. મોબાઇલ વપરાશનો બહુ વિરોધ પર્સનલ બેઠકોમાં થવા લાગ્યો ત્યારે લોકો મોબાઇલ બહાર મૂકવાના બદલે સાયલન્ટ મોડ પર મૂકી દેતા હતા.

મોબાઇલના કારણે ફેમીલીમાં પણ લોકો અંદરોઅંદર વાત કરતા ઓછા થયા છે બે મિત્રો વચ્ચે મોબાઇલ ખલનાયક સમાન છે એમ બે પ્રેમીઓ વચ્ચે પણ આવી સ્થિતિ હોય છે.

મોબાઇલનો વપરાશ ઘટાડવો જોઈએ એ વાત લખવી કે સલાહ આપવી સહેલી છે પણ તેનો અમલ કરવો અઘરો છે. ગત શ્રાવણ માસ દરમિયાન એવી ઝુંબેશ ચલાવાઈ હતી કે શ્રાવણ માસના ઉપવાસની સાથે સાથે મોબાઇલના વપરાશ પર પણ બ્રેક મારવી જોઈએ. એટલે સતત એક મહિનો નહીં તો શ્રાવણના દર સોમવારે મોબાઇલ નહી વાપરવાના મેસેજ વાયરલ થયા હતા પરંતુ આગળ લખ્યું છે એમ આવા નિયમો અમલમાં મૂકવા સહેલા નથી હોતા.

શ્રાવણ માસમાં પૂજા કરાવનાર બ્રાહ્મણ પણ ચાલુ શ્લોકે મોબાઇલ પરના મેસેજ વાંચતા હોય તો પછી શ્રાવકો બિચ્ચારા શું કરે ? અનેક મંદિરોમાં બહાર સૂચના હોય છે કે મંદિરમાં મોબાઇલ સ્વીચ ઓફ કરીને આવવું પરંતુ લોકો પ્રદક્ષિણા ફરતા ફરતા પણ મોબાઇલ પર વાતો કરતા હોય છે.

તાજેતરમાં એક લધુરુદ્ર યજ્ઞામાં મોબાઇલ પર ફરજિયાત પ્રતિબંધ હતો પણ દર અડધો કલાકે મોબાઇલ રીસેસ પડાતી હતી. કેટલાક લોકો મિત્રો સાથે હોટેલમાં જાય ત્યારે મોબાઇલ કાઢીને વચ્ચે એક ડીશમાં મૂકી દે છે. આ પગલું આવકાર્ય છે તેનાથી મિત્રતા ટકી રહે છે અને કુટુંબ ભાવના પણ ટકી રહે છે.

'નો મોબાઇલ ડે' પરથી 'નો મોબાઇલ અવર' સુધીના આઇડિયા બજારમાં જોવા મળે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે દરેકને સમસ્યા નડે છે, દરેક પાસે તેનું નિરાકરણ છે છતાં કોઈ વળગણ છોડવા તૈયાર નથી.

મોબાઇલ જોતાં જોતાં ઘણાં લોકો થાંભલા સાથે અથડાય છે કે વાહનો સાથે ટકરાય છે. ચાલુ ગાડીએ લોકો ફોન પર વાતો કરતા હોય છે તે તો ઠીક પણ ટેકસ્ટ મેસેજ પણ કરતા હોય છે. મોબાઇલના કારણે થતા વાહનને અકસ્માત અને હેલ્મેટ નહી પહેરવાના કારણે થતા અકસ્માતોની સંખ્યા લગભગ એકસરખી છે.

ઘણીવાર લોકો પોતાના મોતને સામે ચાલીને આમંત્રણ આપતા હોય એમ લાગે છે. બસ પકડવા જતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે પણ લોકો મોબાઇલ પર વાતો કરવાનું છોડતા નથી.

મોબાઇલ સતત વાપરવાના કારણે ઘણાંને સ્ટ્રોક્સનો અનુભવ થાય છે છતાં લોકો મોબાઇલ છોડતા નથી. એક સમયે મોબાઇલ એ સ્ટાઇલ હતી, હવે તે જરૃરિયાતની સાથે સાથે ક્રેઝ સાથે વણાઈ ગયો છે. ગામડા અને ટાઉન લેવલે તેમજ શાકભાજીની લારીઓવાળાથી માંડીને પસ્તીવાળા સુધી મોબાઇલ જોઈને એમ થાય છે કે મોબાઇલ વિનાનો માણસ શોધવો અઘરો છે. મોબાઇલથી વેપાર-વ્યવસાય વધે છે અને કોઈનો પણ સંપર્ક આસાન બન્યો છે. લોકોની ટેલિકોમ્યુનિકેશનની કળા પણ ખીલી ઊઠી છે.

મોબાઇલનો વપરાશ ફોર-જી આવ્યા પછી મોટા પાયે વધ્યો છે. સોશ્યલ નેટવર્કની સાઇટ પર લોકો માથુ ઘાલીને બેસી રહે છે. દરેક જાણે છે કે પોતે પોતાના કુટુંબ કરતા વધુ સમય મોબાઇલને આપે છે છતાં આ વ્યસન દૂર થઈ શકતું નથી.

ઇન્ટરનેટ એડીક્શન સેન્ટરની જેમ મોબાઇલ એડીક્શન સેન્ટરો પણ વિકસીત દેશોમાં ખૂલ્યા છે. આવા એડીક્શનમાં સપડાયેલા ધૂની બની જાય છે નથી તો તેમને વાળ ઓળવાનું ભાન રહેતું કે નથી તો પેન્ટ ઉતરી જાય તેનું ભાન રહેતું !

એક વાત નિશ્ચિત છે કે મોબાઇલનું વ્યસન એક ઝાટકે દૂર ના થઈ શકે તેના માટે વ્યક્તિએ જાતે જ સ્ટેપ ભરવા પડશે. પહેલા સ્ટેજ ઉપર સોશ્યલ નેટ બંધ કરો પછી આઉટગોઇંગ ફોન બંધ કરવા જોઈએ પછી માનસિક શાંતિને ચકાસીને મોબાઇલ ફ્રીની દિશામાં આગળ વધવું જોઈએ.

Comments