- બે-ત્રણ ટકા લઈ બીલો આપતી કંપનીઓ
- બેંકો અને રજીસ્ટર ઓફિસ સાથેની સાંઠગાંઠ વિના લાખો કંપની ઉભી ના થઇ શકે !!
શેલ કંપનીઓ એટલે કૌભાંડી કંપનીઓ. એક જ સ્થળેથી ચાલતી ૪૦-૫૦ શેલ કંપનીઓ, તેમના બેંક ખાતા અને એક જ સ્થળેથી ઓપરેટ કરવાનું નેટવર્ક જયારે સરકારે પકડી પાડયું ત્યારે સૌ ચોંકી ઉઠયા હતા.
દિલ્હીમાં એક જ શોપીંગ સેન્ટરની બે ઓફિસના એડ્રેસવાળી ૧૨૦૦ કંપનીઓ પકડાઇ હતી. શેલ કંપનીઓ ઉભી કરવા પાછળ બેંકોનો હાથ હોઇ શકે છે. બેંકોએ એક જ એડ્રેસ પર ૩૦૦ ખાતા ખુલે છતાં વાંધો ના ઉઠાવે એ અંગે શંકા જાય છે.
શેલ કંપનીઓના ડીરેકટરો સામે સરકારે તપાસ શરૃ કરી છે. આ ડીરેકટરોએ સરકાર સાથે છેતરપીંડી કરી છે. આવી શેલ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ તો શેરબજારમાં લીસ્ટેડ પણ હતી.આર્થિક તંત્રમાં એવું લોલમલોલ ચાલે છે કે એક જ એડ્રેસ હોવા છતાં બેંકોએ, રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ અને અન્ય રોકાણ સંસ્થાઓ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી. વાચક વિચારે કે એક જ ઓફિસના સરનામા પર ૩૦૦ કંપનીઓ હોય તો તેની ચેકબુકો કેવી રીતે રખાતી હશે અને કેવી રીતે તેના પત્રવ્યવહારો થતા હશે ?
શેલ કંપનીઓના સાડા ચાર લાખ ડાયરેકટરોને ગેરલાયક ઠરાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. હકીકતે તો આ ડાયરેકટરોના તમામ બેંક એકાઉન્ટ બંધ કરાવીને તેમને પાંચ વર્ષ માટે બ્લેક લીસ્ટમાં મુકવા જોઈએ.
શેપ કંપનીઓ ઉભી કરનારાઓ આખે આખી કંપની વેચી મારવાનો ધંધો કરતા હતા. અનેક કંપનીઓ બારોબાર ઉભી થતી હતી અને બારોબાર તાળા પણ વાગી જતા હતા. શેલ કંપનીઓ ઉભી કરવી આસાન હોય તો જ હજારો કંપનીઓ સપાટી પર આવી શકે છે.
કેટલીક કંપનીઓ માત્ર એક-બે ટકા ટેક્ષ લઇને ખોટા બીલો આપવાનો ધંધો કરતી હતી. ૫૦-૬૦ લાખનું ટર્ન ઓવર કર્યા પછી તે કંપનીની ફાઇલો અધ્ધર કરી દે છે. આમ તે કમીશનના નાણા લઇને કંપની બંધ કરી દે છે. દિલ્હીમાં માન્ય કંપનીઓના બીલો આસાનીથી મળતા હોઈ નાણા મંત્રાલયે તેની ચકાસણી કરી હતી.
આ બીલો પ્રથમ નજરે સાચા હતા પણ તેની ઉંડી તપાસ કરતા ખબર પડી કે આ કંપનીઓ કાગળ પર ઉભી કરેલી હતી અને તેનો મૂળ આશય લાખોના બીલો આપીને સામે કમીશન લેવાનો હતો.
શેલ કંપનીઓ ભારતના આર્થિક તંત્રને મોટું નુકશાન કરી શકે એમ હતી. સરકારે બ્લેકમની સામેની ઝુંબેશ દરમ્યાન કાળા નાણાનું પગેરું શોધવા પ્રયાસ કર્યો હતો.
સરકારે એક જ એડ્રેસ પર અનેક કંપનીઓ જોઇને આવી કંપનીઓનું બેંકો સાથેનું નેટવર્ક પણ ચકાસવામાં આવ્યું હતું. તપાસ અધિકારીઓને બોગસ કંપનીના હજારો બીલો મળ્યા હતા. આ કંપનીઓ પાસે સેલ્સ ટેક્ષ નંબર, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ પણ હતા.
સરકારે જયારે દોઢ લાખ જેટલી બે નંબરની કંપનીઓના રજીસ્ટ્રેશન રદ્ કર્યા હતા. સરકારે જ્યારે ત્રણ લાખ ઓગણીસ હજાર જેટલા ડાયરેકટરો સામે પગલાં લેવાનું શરૃ કર્યું છે ત્યારે બોગસ બીલો પર ધંધો કરનારા અને સરકારી તિજોરી સુધી પૈસા નહીં પહોંચાડનારામાં ખળભળાટ મચી ગયો હતો.
શેલ કંપનીઓ સૌથી મોટી કૌભાંડ છે. તે વેપારીઓ પાસેથી બે-ત્રણ ટકા લઇને બોગસ બીલો આપતા હતા અને સરકારમાં કોઇ ટેક્સ ભરતા નહોતા.
દિલ્હીમાં બોગસ બિલોની હાટડીઓ ચાલતી હતી. કોઇપણ પ્રોડકટના બીલો મળી આવતા હતા. બેંકોમાં લોન લેતી વખતે ટર્ન ઓવર બતાવવા જોઈતા બીલો આવી બોગસ કંપનીઓ આપતી હતી.
શેલ કંપનીઓનો અર્થ જ બોગસ કંપની થતો હતો. કમનસીબી એ છે કે કેટલીક મોટી કંપનીઓએ પોતાની ઓફિસમાં જ શેલ કંપનીઓ ઉભી કરી હતી. જેથી તે પોતાને ત્યાં જ બોગસ બીલીંગ કરે અને ટર્ન ઓવરની કોઇ વિગતો બહાર ના જાય ?!
બ્લેકમની કેવી રીતે જનરેટ થાય છે અને કેવી રીતે બજારમાં ફરે છે તે અંગેની તપાસ કરતાં નાણા મંત્રાલયના હાથમાં મોટો દલ્લો લાગ્યો હતો. કંપની અસ્તિત્વમાં હોય પણ માત્ર કાગળ પર વહિવટ કરતી હોય તો ભાગ્યે જ કોઇના ધ્યાનમાં આવે છે.
સરકારે ખણખોદ કરતાં જાણવા મળ્યું કે બે-ત્રણ ટકા લઇને બીલો આપતી કંપનીઓ મોટા પ્રમાણમાં છે. આવી કંપનીઓ ૧૦૦-૨૦૦ હશે એમ વિચારતી સરકારને ખ્યાલ આવ્યો કે આ તો મોટું મસ કૌભાંડ છે જેના કારણે દેશની તિજોરીને કરોડોનો ફટકો પડે છે.
આ પૈકીની કેટલીક કંપનીઓ પોતાના ટર્ન ઓવરનું રીટર્ન પણ નહોતી ભરતી, તેમને ઇન્કમટેક્ષની નોટિસ આવે એટલે કાગળ પર ચાલતી આવી કંપનીને અદ્રશ્ય કરી દેવાતી હતી.શેલ કંપનીઓ ક્રોસ ચેકિંગ દ્વારા પકડાઈ છે. આવી કંપનીઓને રજીસ્ટર્ડ કરવી તેના માટે સેલ્સટેક્ષ નંબર મેળવવા વગેરે ચોક્કસ નેટવર્ક દ્વારા આસાનીથી ઉભું કરાતું હતું.
શેલ કંપનીઓ આર્થિક તંત્ર પર કાળી ટીલી સમાન છે. મજબુત અર્થતંત્રને તે નબળું બનાવી શકે છે. સરકારે આખું નેટવર્ક પકડી પાડયું છે, હવે તેમના ડીરેકટરોને સાણસામાં લેવાશે...

Comments
Post a Comment