ભગવાન શ્રી કૃષ્ણ વંદનીય; શંકરાચાર્યો અપ્રસ્તુત છે; શંકરાચાર્યો પર રાજકીય પક્ષના સિક્કા વાગતા હતા..
આદિ શંકરાચાર્યે પદયાત્રા કરી ભારત ભ્રમણ કર્યું હતું; હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ચાર મઠ સ્થાપ્યા હતા, જો કે અનુયાયીઓએ બધું રફે-દફે કરી નાખ્યું હતું
શંકરાચાર્યનો એ એક એવો સન્માનજનક હોદ્દો હતો કે તેમને જોઇને વંદન માટે હાથ જોડાઇ જતા હતા. જોકે એ સ્થિતિ હવે રહી નથી કેમકે ચારના બદલે ચૌદ શંકરાચાર્યો બજારમાં ફરે છે. કેટલાક ડુપ્લીકેટ હોય છે તો કેટલાક એક મઠના ત્રણ-ચાર શંકરાચાર્યો હોય છે.
શંકરાચાર્ય માટેનો આદર એટલા માટે ઘટી ગયો છે કે તેમાંના કેટલાક રાજકારણીઓ સાથે બેસી ગયા હતા. આદિ શંકરાચાર્યે પદયાત્રા કરીને ભારત ભ્રમણ કર્યું ત્યારે તે લોકોના દિલમાં વસી ગયા હતા કેમકે તેમણે સનાતન ધર્મનો મોટાપાયે પ્રચાર-પ્રસાર કર્યો હતો.
હિંદુ ધર્મ સાથે સંકળાયેલા લોકો શંકરાચાર્યોને ભૂલતા આવ્યા છે. એક સમયના આ વંદનીય સંતોએ સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. આદિ શંકરાચાર્યે તો સમગ્ર ભારતની પદયાત્રા કરીને સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો.
હિંદુ ધર્મમાં જ્યારે અનેક સંપ્રદાયોના ફાંટા પડયા ત્યારે આ શંકરાચાર્યો મઠમાં ભરાઇ રહેતા હતા. દ્વારકા, પુરી, બદ્રીનાથ અને સીંગુર (દક્ષિણ)માં આદિ શંકરાચાર્યે પીઠ સ્થાપી હતી. આ પીઠ હિંદુ સંસ્કાર અને જ્ઞાાન ફેલાવતા કેન્દ્રો બની ગયા હતા.
દેશમાં પાખંડી બાવાઓ - સાધુઓ છાશવારે પકડાતા હોવા છતાં કોઇ શંકરાચાર્ય પ્રજાને સાચું જ્ઞાાન આપવા મેદાનમાં નહોતા આવતા.
જોશીમઠનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો ત્યારે જ હિંદુઓએ નારાજગી વ્યક્ત કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે સ્વરૃપાનંદ અને વાસુદેવાનંદ એમ બંનેની બાદબાકી કરીને ત્રણ મહિનામાં નવા શંકરાચાર્ય નીમવાનો આદેશ આપ્યો છે. સ્વરૃપાનંદ ૯૨ વર્ષના છે. સ્વરૃપાનંદ અને વાસુદેવાનંદ એમ બંનેએ શંકરાચાર્યનો પવિત્ર હોદ્દો છોડવો પડશે.
જ્યારે શંકરાચાર્યો મઠના ઝગડામાં કે લેતી-દેતીના ધંધામાં સપડાય ત્યારે હિંદુ ધર્મ સાથે સૌ તેમની સ્વચ્છ પ્રતિભા અંગે વિચાર કરતા થઇ જાય તે સ્વભાવિક છે. અતિ જ્ઞાાની એવા જયેન્દ્ર સરસ્વતી તમિળનાડુની ક્વીન જયલલિથાની હડફેટે ચઢી ગયા હતા, તો સ્વરૃપાનંદ સરસ્વતી કોંગ્રેસનો રબર સ્ટેમ્પ બની ગયા હતા. જયેન્દ્ર સરસ્વતીને જેલમાં ધકેલી દેવાયા હતા, તો સ્વરૃપાનંદ સામે નર્મદાના કિનારાની જમીનો હડપ કરી લેવાનો આક્ષેપ છે.
શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની જ્યારે ધરપકડ થઇ ત્યારે તે સમાચાર હેડલાઇન્સ તરીકે દરેક અખબારોમાં ચમક્યા હતા. જ્યારે તેમની સામેના તમામ આક્ષેપો પોકળ સાબિત થયા ત્યારે તે નિર્દોષ છૂટયા હતા. પરંતુ સમાચાર માધ્યમો ''શંકરાચાર્ય નિર્દોષ; જેલમાંથી છૂટકારો'' એવી હેડલાઇન બનાવવાના બદલે ખૂણે-ખાંચરે નાના સમાચાર લીધા હતા કે શંકરાચાર્ય નિર્દોષ જાહેર !!
જયેન્દ્ર સરસ્વતીએ તેમના એકાઉન્ટન્ટની હત્યા કરી છે એવા આક્ષેપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. તે સમયે તમિળનાડુના મુખ્યપ્રધાન જયલલિથા તેમની પાછળ પડી ગયા હતા.
સમાજમાં ચાલતા પરિવર્તનના માહોલને શંકરાચાર્યો ઓળખી શકતા નહોતા. તેમને પોતાના મઠ સિવાય બીજું કશું દેખાતું નહોતું. મધ્ય પ્રદેશમાં જ્યારે દિગ્વિજયસિંહ મુખ્યપ્રધાન હતા ત્યારથી તે કોંગ્રેસી શંકરાચાર્ય બની ગયા હતા. તેમણે મધ્યપ્રદેશમાં નર્મદાના કિનારાની ઘણી જમીન કોંગ્રેસના રાજમાં મેળવી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
દરેક શંકરાચાર્યો સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે ઢળતા જોવા મળે છે. જોકે સ્વરૃપાનંદ કોંગ્રેસના ખાસ બની ગયા હતા.
વેદ અને પુરાણોના જ્ઞાાનમાં પારંગત શંકરાચાર્યોને રાજા-રજવાડાઓ પણ માન આપતા હતા. શંકરાચાર્યના હોદ્દાનો પ્રભાવ જોઇને ડુપ્લીકેટ શંકરાચાર્યો પણ ઊભા થયા છે. હિન્દુઓ બિચારા સાચા કોણ શોધવાની મથામણ કરવાના બદલે શંકરાચાર્યો તરફ જતાં જ ઓછા થઇ ગયા હતા.
તમામ મઠના શંકરાચાર્યો એક સૂરમાં નહોતા બોલતા. કેટલાંકે માત્ર બ્રાહ્મણોની માળા જપ્યા કરી હતી. તેમણે બ્રાહ્મણોને મજબુત કરવાની વાતો કરી પણ વિશાળ હિન્દુ સમાજમાં પડતા ધાર્મિક ફાંટાઓ અંગે મૌન રાખ્યું હતું. તેમના આ મૌને અનેક ફાંટાઓને મજબુત પણ બનાવ્યા અને દરેકને એકબીજાના પ્રતિસ્પર્ધી બનાવી દીધા હતા. શંકરાચાર્યોનું કામ સનાતન ધર્મનો પ્રચાર - પ્રસાર કરવાનું હતું પરંતુ તેમની પીન બ્રાહ્મણો પર ચોંટી ગઇ હતી.
જેમનું કામ લોકોમાં હિન્દુ ધર્મના સંસ્કાર સીંચવાનું હતું એ લોકો પ્રજાની વચ્ચે નહોતા જતા. લોકો મઠમાં આવે એવો તેમનો આગ્રહ રહેતો હતો.
જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ થઇ ત્યારે તે રાત્રે આરામ કરતા હતા. તેમના મળતીયા પોલીસને કહેતા હતા કે શંકરાચાર્યની ધરપકડ કરશો તો દેશભરમાં વિરોધ થશે પરંતુ એવું કશું થયું નહોતું. તે જેલમુક્ત થયા અને નિર્દોષ છૂટયા ત્યારે પણ કોઇ ફટાકડા નહોતા ફૂટયા તે દર્શાવે છે કે શંકરાચાર્ય વર્તમાન જીવન સાથે રહેવાની ટ્રેન ચૂકી ગયા છે.
આજની તારીખમાં હિન્દુ ધર્મના વિચારોનું પ્રજામાં સિંચન કરી શકે એવા શંકરાચાર્ય જેવા જ્ઞાાનીઓની જરૃર છે. જૈનાચાર્યો તેમના સમાજને સમાજ જીવનની જડીબુટ્ટી પીરસે છે એમ શંકરાચાર્યો કરી શકે છે. તેમની ફરજ પણ છે પરંતુ રાજકીય રંગ એવો કેફી હોય છે કે તેમાંથી બહાર નીકળી શકાતું નથી.
આદિ શંકરાચાર્યે ભારત ભ્રમણ પદયાત્રા દ્વારા એટલા માટે કર્યું હતું કે તે હિન્દુ ધર્મમાં કોઇ ફાંટા ના પડે એમ ઈચ્છતા હતા. તેજસ્વી ચહેરો અને ખભે દંડ એ તેમની ઓળખ હતી. આદિ શંકરાચાર્ય ખૂબ વિદ્વાન હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેમનું પણ નાની ઉંમરે નિધન થયું હતું.
ઘણીવાર એમ થાય છે કે સુભાષચંદ્ર બોઝ, સ્વામિ વિવેકાનંદ, શંકરાચાર્ય જેવા તેજસ્વી તારલા આઝાદી પછી જીવતા હોત તો ભારતનું ચિત્ર અલગ હોત.
શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ કરવા પોલીસ વહેલી સવારે મઠમાં પહોંચી હતી. શંકરાચાર્ય જેવી મોટી હસ્તીની કોઇ અમાન્ય નહોતી રખાઇ. બીજા દિવસે તેમને કોર્ટમાં રજૂ કરી વેલોર જેલમાં મોકલી અપાયા હતા.
શંકરાચાર્યનો પ્રભાવ એવો હતો કે તેમણે વેલોરની જેલના તમામ કેદીઓને ત્રિકાળ-સંધ્યા કરતા કરી દીધા હતા.
છેલ્લે અહીં ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મમાં માત્ર બે જણાને જગદ્ગુરૃનું બિરૃદ મળેલું છે. એક છે ભગવાન શ્રીકૃષ્ણ અને બીજા છે આદિ શંકરાચાર્ય...
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment