- આંદોલન એગ્રેસીવ નથી બની શકતા કેમ કે સોશ્યલ નેટવર્કે લોકોને બેઠાડુ બનાવી દીધા છે..
- પેટ્રોલ-ડીઝલના ભાવ કે તુવેર દાળના વધતા ભાવો અંગે આંદોલન ના થઇ શક્યા કેમકે લોકો ટ્વીટર-ફેસબુક પર આક્રોશ વ્યક્ત કર્યા કરે છે..
ગ્રીન ટ્રીબ્યુનલે તાજેતરમાં સરકારને કહ્યું છે કે દિલ્હીમાં જંતર-મંતર વિસ્તારમાં થતા વિરોધ આંદોલનો બંધ કરો. આંદોલન કરનારા અહીં આડેધડ મીની તંબુ ઊભા કરીને ગંદકી કરે છે. આ ગંદકી દિલ્હી માટે નુકસાનકારક છે.
ગ્રીન ટ્રીબ્યુનલની વાતમાં તથ્ય એટલા માટે છે કે હજારો લોકો દિલ્હીમાં પોતાની રજૂઆતો સરકારના કાન સુધી પહોંચાડવા આવે છે. લોકો અહીં ડેરા-તંબુ સાથે આવે છે અને સરકારનું ધ્યાન ખેંચાય તેવા પ્રયાસો કરે છે. તેમને મળવા તેમના વિસ્તારના સાંસદો આવે છે. વિરોધ પક્ષના લોકો તેમને સધિયારો આપવા આવે છે.
જોકે આજકાલ કમનસીબી એ છે કે વિરોધ કરનારા મળતા નથી. અણ્ણા હજારેએ બૉટ ક્લબ ખાતે હજારો લોકોને ભેગા કર્યા હતા પરંતુ ત્યારબાદ આવી ભીડ એકઠી થતી નથી. કોઇ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ જોવા મળે છે પરંતુ મોટાભાગના ફોટો સેશન કે સેલ્ફી સેશન માટે આવતા હોય એમ લાગે છે.
વિરોધ એ શક્તિ પ્રદર્શન છે પરંતુ શક્તિ બતાવવા મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા પડે !! હવે લોકોને ભેગા કરવા માર્કેટીંગ એજન્સીઓ પાસે જવું પડે છે. જાહેરસભાઓમાં ભાડુતી લોકો લાવવા પડે છે. સત્તાધારી પક્ષ હોય તો લોકો માટે એસ.ટી. બસોની વ્યવસ્થા કરે છે.
એ વાત દરેક સ્વીકારે છે કે આંદોલનો પ્રજા માટે હોય તો પણ કોઇ સ્વયંભૂ જોડાતું નથી. પક્ષના કાર્યકરો પણ માંડ આવે છે. મહાગુજરાતની ચળવળ વખતે લોકો સામેથી જોડાતા હતા. ગુજરાતમાં પાટીદાર આંદોલનને રાજકીય ટચ મળી જતાં તેણે તીવ્રતા ગુમાવી છે.
ગુજરાતમાં તો એવા લોક આંદોલનો થયા છે કે જેને કારણે મુખ્ય પ્રધાનોએ સત્તા છોડવી પડી હતી. ૧૯૭૦ના નવનિર્માણ આંદોલનમાં ચિમનભાઇ પટેલે, તો ૧૯૮૧-૮૫ના અનામત વિરોધી આંદોલનમાં માધવસિંહ સોલંકીએ ખુરશી છોડવી પડી હતી. આવા આંદોલનો હવે જોવા નથી મળતા કેમ કે સોશ્યલ નેટવર્કે લોકોને બેઠા-બેઠા ઑનલાઈન વિરોધ કરતા કરી દીધા છે. ટ્વીટર પર; ફેસબુક પર દરેક પક્ષની સાયબર સેના છે.
આ લોકો ભૂલ કરનારા પર તૂટી પડે છે અને બેફામ આક્ષેપબાજી કરે છે. આંદોલન દરમ્યાન આગલી હરોળમાં રાખવામાં આવતા તોફાની મિજાજવાળા તત્વો બસ પર પથ્થરમારો કરીને છૂ થઇ જાય છે અને નવોદિતોને પોલીસના દંડા ખાવાનો વારો આવે છે.
અહીં પ્રશ્ન એ છે કે ભૂતકાળમાં થતા હતા એવા આંદોલનો હવે જોવા નથી મળતા. વર્તમાનમાં આંદોલન કરનારા પોલીસથી ડરે છે. કાયદાથી ડરે છે અને તેમને નડતી સૌથી મોટી સમસ્યા નિષ્ક્રિય કાર્યકરોની છે. જાહેરસભામાં લવાતી ભીડ ચૂપચાપ બેસી રહે છે પણ જ્યારે સરકારનું ધ્યાન ખેંચવા આંદોલન કરવું હોય ત્યારે તેને એગ્રેસીવ ટચ આપવો પડે છે.
આવા એગ્રેસીવ ટચવાળા કાર્યકરોનો દરેક પક્ષમાં અભાવ છે. સોશ્યલ નેટવર્કના કારણે લોકોમાં રહેલો એગ્રેસીવ સ્વભાવ ખતમ થઇ ગયો છે. ક્યારેક લોકો ટ્વીટર પર કંગનાની ફેવર કરે છે તો ક્યારેક મમતા બેનરજી જેવાની ઠેકડી ઉડાડે છે. આવા લોકો ગ્રાઉન્ડ લેવલે કોઇ કામ કરી શકતા નથી.
રાજકીય પક્ષો પાસે સાયબર સેના છે પણ સરકાર પાસે હાય.. હાયનો સૂત્રોચ્ચાર કરનારા નથી. વિરોધ માટે ભેગા થતા લોકો પરાણે આવે છે. તે માટે માર્કેટીંગ એજન્સીઓનો સંપર્ક કરવો પડે છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે સોશ્યલ નેટવર્ક પર ભાવ વધારાનો જોરદાર વિરોધ અને ટીકા-ટીપ્પણ થાય છે પરંતુ સરકાર વિરોધી કોઇ દેખાવો થતા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વખતે સોશ્યલ મીડીયા રઘવાયું થયું પણ તે એગ્રેસીવ આંદોલનમાં નહોતું પરિણમ્યું. આપણે નથી ઈચ્છતા કે પથ્થરમારો કે આગચંપી થાય અને વાતાવરણ ડહોળાય પરંતુ લોકોના મનમાં રહેલો આક્રોશ બહાર આવવા મથે ત્યારે હાથમાં પથ્થર કે કાકડા પકડવામાં આવે છે.
આવા તોફાનો થાય ત્યારે અસામાજીક તત્વો ટાંપીને બેઠા હોય છે. રાજકારણીઓ પણ ઝનૂની તત્વોને હાથો બનાવતા હોય છે.
ભારતના રાજકારણમાં આગળ આવવા મથતા લોકો ઝનૂની - એગ્રેસીવ હોય તે જરૃરી છે. આપણે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનના આગ્રહી છીએ પણ જો સરકારનું અને લોકોનું ધ્યાન ખેંચવું હોય તો આંદોલનને ઉગ્ર ટર્ન આપવો પડે છે.
વિદેશના આંદોલનોમાં ટોળાં હિંસક બનતા જોવા મળે છે. આવા ટોળાં સરકાર ઉથલાવી શકે છે. કહે છે કે આંદોલન કરવાની ટીપ્સ વિદેશીઓએ ભારત પાસેથી લીધી છે. જોકે કમનસીબી એ છે કે ભારતમાં આંદોલન ઑનલાઈન થતા થઇ ગયા છે. લોકો ઑનલાઈન ઝુંબેશ ચલાવતા થાકતા નથી પણ જાહેરમાં બાંયો ચઢાવી શકતા નથી.
એગ્રેસીવ ટચવાળા આંદોલનો પરિણામલક્ષી બની શકે છે. લાગે છે કે ૧૯૮૫ના ગાળામાં હતી એવી તીવ્ર આંદોલનની શક્તિ વિદાય લઇ ચૂકી છે. તેની પાછળનું મુખ્ય કારણ સોશ્યલ નેટવર્ક છે. લોકો પાસે રોજબરોજનો આક્રોશ ઠાલવવા માટે સોશ્યલ નેટવર્ક આસાન માધ્યમ આવી ગયું છે.
ટીવી ડીબેટમાં સામસામે ચડસા-ચડસી કરતા રાજકીય પક્ષોના ચહેરા લોકોનું ધ્યાન ખેંચવા પાયા વિનાની દલીલો કરતા હોય છે. આવા ડીબેટવાળા જાહેર વિરોધના કાર્યક્રમમાં ભાગ્યે જ જોવા મળે છે. બોલવું; બબડવું અને વિચારો ચોક્કસ રીતે રજૂ કરવામાં આસમાન-જમીનનો ફર્ક છે.
કેટલાંકને ટ્વીટર પર કે ફેસબુક પર વિચાર લખીને તે આરામથી પોતાના કામમાં પરોવાઇ જાય છે. પોતાના વિચારના શું પ્રત્યાઘાત આવશે તેની તે ભાગ્યે જ ચિંતા કરે છે. તેમનાં ૧૫૦-૨૦૦ મળતીયા વાહ-વાહ કરે રાખે છે.
અહીં મૂળ વાત ગ્રાઉન્ડ પર વિરોધ માત્ર પાયાના કાર્યકરો જ કરી શકે છે. સોશ્યલ નેટવર્કને ક્યારેય પાયો નથી હોતો. મનમાં આવે તે લખવું અને પોતે શ્રેષ્ઠ છે એવા અહમ્માં રાચવાનો તેમને ક્રેઝ હોય છે.
હકીકત એ છે કે હાથમાં પથ્થર મારવાની તાકાત હવે 'જીભ' પર અને ફીંગર ટીપ્સ પર આવી ગઇ છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment