- વડાપ્રધાન મોદીએ એવા સળગતા મુદ્દા હાથમાં પકડયા છે કે તે પોતે દાઝી જાય..
- વચનેષુ કિમ્ દરિદ્રતા ? વચનો તો આપ્યા પણ તે પાળી શકાયા નથી : બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે મુદ્દે વચન ના આપી શકાય..
દર્દી કેન્સરના છેલ્લા સ્ટેજમાં હોય તો કોઇ હોસ્પિટલ દર્દીના સંબંધીઓને બચવાની ગેરંટી નથી આપતું તેમ છતાં આયુર્વેદ કે હોમિયોપેથીના ડૉકટરો દર્દીને સાજો કરવાની બિન્દાસ્ત ગેરંટી આપે છે અને પૈસા ખંખેરી લે છે !!
અદ્દલ આવું જ રાજકારણીઓ કરે છે. ભારત દેશની સળગતી સમસ્યા નિવારવાના તે વચનો આપી બેસે છે અને પછી તે પાળી શકતા નથી. તેમના વચનો પાછળનું મૂળ કારણ પ્રજાના મત ખંખેરી લેવાનું હોય છે. ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વગેરે ભારતની સળગતી સમસ્યાઓ છે. જે લોકો આ સમસ્યા હલ કરવા ગયા છે તે બધા જ દાઝ્યા છે. હકીકત તો એ છે કે આ સમસ્યા દઝાડતી હોવા છતાં તે હાથમાં પકડીને રાજકીય જંગ જીતી શકાય છે !!
કોઇપણ રાજકીય પક્ષ ભ્રષ્ટાચાર નાબુદ કરવાનો મુદ્દો ના ઊઠાવે કે ઘેર-ઘેર નોકરીનું વચન ના આપે તો તે ક્યારેય જીતી ના શકે !! પ્રોમીસ આપવાના જે કામ જવાહરલાલ નહેરૃએ, ઈન્દિરા ગાંધીએ, રાજીવ ગાંધીએ કર્યા હતા એ જ કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.
આ વડાપ્રધાનો ૨૮૨થી વધુ બેઠકો જીતી લાવ્યા હતા છતાં ના ગરીબી હટાવી શક્યા કે ના બેરોજગારી હટાવી શક્યા !!
વડાપ્રધાન મોદીએ એવા કામો હાથમાં લીધા કે જે ભારતની જટીલ સમસ્યાઓ હતી. રોજગારી ઊભી થઇ શકે છે પણ બેરોજગારો ઘટી શકતા નથી. દર મહિને ૧૦ લાખ જૉબ ઊભી કરવાનું વચન બેકારી નાથવા માટેનું હતું પરંતુ આ જૉબ શું 'તંબુરા'માંથી ઊભી થવાની હતી !!
રાજકીય સમિક્ષકો જાણતા હતા કે આવા વચનો ચૂંટણી બજારમાં ગરમા-ગરમ બટાકાવડાની જેમ વેચાય છે પરંતુ જ્યારે તેનો સામનો કરવામાં આવે ત્યારે મોં છૂપાવવું પડે છે.
''વચનેષુ કીમ્ દરીદ્રતા''.. વચનો આપવામાં શા માટે કંજૂસાઇ કરવી એમ માનનારા રાજકારણીઓ વિરોધીઓ તરફથી ભીંસમાં મૂકાય છે ત્યારે સાચા અર્થમાં દરીદ્ર બની જાય છે. પોતાના પક્ષથી પહોંચી વળાય એવા વચનો આપવા જોઇએ પરંતુ વડાપ્રધાન મોદીએ તો દેશમાંથી કાળું ધન નાબુદ કરવું, વિદેશમાં રહેલું કાળું ધન પાછું લાવવું, દર મહિને દશ લાખ રોજગારી ઊભી કરવી, ગરીબી નાબુદ કરવી જેવા વચનો આપ્યા હતા. જે દેશના લોકોની નસેનસમાં ભ્રષ્ટાચાર વહેતો હોય ત્યાં બ્લેક મની નાથવાની વાત ગપગોળા સમાન લાગે છે.
પ્રજા ક્યારે મોદીના વચનોથી કંટાળે છે તેની રાહ જોઇને કોંગીજનો બેઠા હતા. ગુજરાતની પ્રજામાં મોદી-વચનો વિરૃધ્ધ પવન જોતાં જ કોંગ્રેસ મેદાનમાં આવી ગઇ હતી. પોતે કે પોતાની સરકાર વચનો પાળી શકે એમ નથી તે જાણવા છતાં વડાપ્રધાન મોદીએ છેલ્લે ૨૦૨૨ સુધીમાં ગરીબી હટાવવાનું વચન આપ્યું છે અને ૨૦૨૦ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાનું વચન આપ્યું છે.
વચનો આપવાની આખી સ્ટાઇલ કોંગ્રેસની છે; હાલમાં રાહુલ ગાંધી બેરોજગારીના ભોરીંગ અંગે મોદી સરકારની ટીકા કરે છે પણ તે જો થોડી નજર ભૂતકાળ પર ઠેરવે તો ખબર પડે કે તેમના વડદાદા, દાદી અને પિતાએ પણ ગરીબી તેમજ બેરોજગારી હટાવવાનું પ્રોમીસ આપ્યું હતું. પરિણામ સૌ જાણે છે.
લાગે છે કે, વડાપ્રધાન મોદીને સળગતા લાકડા પકડવાનો શોખ છે.
'ખાતો નથી; ખાવા દેતો નથી'વાળું સ્લોગન લોકજીભે ચઢી ગયું હતું પરંતુ ભાજપના અનેક સભ્યો ભ્રષ્ટાચારમાં ડૂબેલા હોવા છતાં તેમની સામે કોઇ પગલાં લેવાયા નહોતા. મોદીની ખાસિયત એ છે કે તે સળગતી સમસ્યા હાથમાં પકડીને દાઝે છે પણ સળગતા મુદ્દાના વિવાદ અંગે મૌન રહે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મૌની બાબા કહેનાર નરેન્દ્ર મોદીને હવે ખબર પડી છે કે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના બદલે 'મૌન' રહેવામાં જ મજા છે !!
ગરીબી હટાઓ; રોજગારી હટાઓ જેવા મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાનો સફળ થયા નથી તે જાણવા છતાં મોદીએ આ મુદ્દાને હાથમાં લીધો હતો. વડાપ્રધાન મોદી પાસે ટેબલ પરનું ગણિત હતું કે મેન્યુફેકચરીંગની ક્ષમતા વધશે; મેક ઈન ઈન્ડિયા સફળ થશે તો રોજગારી ઊભી થશે પરંતુ આ 'જો' અને 'તો' વચ્ચે મોદીનો પતંગ ફસાઇ ગયો છે.
બેરોજગારો, ગરીબો વગેરેના ખભે બંદૂક મૂકીને કોંગ્રેસ ભાજપ પર ગોળીઓ છોડી રહી છે. પોતાની પાસે ૨૮૨થી વધુ બેઠકો છે એ વાત પર ભાજપ ભલે ગર્વ લે પણ વિરોધનો પવન તેણે ઓળખવાની જરૃર છે.
નોટબંધીમાં પણ મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ લાઇનમાં ઊભો રહેતો હતો. કોઇ લકઝરી કારવાળા લાઇનમાં નહોતા ઊભા રહેતા કેમકે બેંકના પાછલા બારણે તે વહિવટ કરતા હતા. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં નાના વેપારીઓએ સ્ટાફ વધારવો પડશે. મોટી કંપનીઓ પાસે તો સ્ટાફ પૂરતો છે.
ભારતના મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગને ખુશ કરવો હોય તો પૈસાદાર સામે પગલાં લો, તેમની પર વધુ ટેક્ષ લાદો અને ગરીબોને મુક્તિ આપો !! સરકાર કહે છે કે અમારું વિદેશી હૂંડિયામણ વધ્યું છે, આવક-જાવક વચ્ચેની ખાઇ ઘટી છે પરંતુ તેથી મધ્યમ વર્ગ કહે છે કે અમારે કેટલા ટકા ? અમારે તો રોજીંદી ચીજો સસ્તી જોઇએ !!
ભારતના લોકો ઉદાર છે. તે માને છે કે રાજકારણીઓ ભલે પૈસા બનાવે પણ અમે જીવી શકીએ એવી સ્થિતિ ઊભી કરે !! કામનું વળતર, કડક કાયદા, ગુંડામુક્ત શહેરો, સસ્તાં મકાનો વગેરે મળે !! જોકે આપણા રાજકારણીઓ આ પાયાની વાત ૭ દાયકાથી સમજ્યા નથી.
વડાપ્રધાન મોદીને સૌ ગૌરવથી જોતા આવ્યા છે પણ 'આખીર કબ તક' જેવી સ્થિતિ છે. લોકો ક્યાં સુધી રાહ જુવે ? પ્રજા અને મોદી વચ્ચેનું અંતર ખૂબ નજીક હતું, પરંતુ આ અંતર હવે લાંબુ લચ થઇ ગયું છે.
ગરીબી, બેરોજગારી, બ્લેક મની જેવા મુદ્દાઓ તાત્કાલીક નિવારી શકાય એમ નથી. છેલ્લા સાત દાયકાથી તે ચાલ્યા આવે છે. મોદી ગરીબોના બેલી બનવા જાય છે પણ શ્રમજીવી, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગને નડતી સમસ્યાનો ઉકેલ તેમની પાસે નથી.
ભાજપે સપને પણ નહોતું વિચાર્યું કે ૨૮૨થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આવશે !! હવે જ્યારે ૨૮૨+ બેઠકો છે ત્યારે પણ ગરીબી હટાઓ, રોજગારી ઊભી કરવાના મુદ્દામાં ગુંચવાઇ જવાનો શું અર્થ ?? '૨૮૨+'નો લાભ ના ઊઠાવી શકાય તો શું કામનું ??
કોંગ્રેસ એટલું જાણી ગઇ છે કે ગુજરાતમાં ભાજપને ભલે હરાવી ના શકાય પણ હચમચાવી શકાય છે. જેની અસરથી ૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએને પણ હચમચાવી શકાય છે.
ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

Comments
Post a Comment