રાજકીય ગપસપ : કરૃણાનીધી સાથે મોદીનું ઈલુ.. ઈલુ..

વડાપ્રધાન મોદી તમિળનાડુમાં ડીએમકેના સુપ્રીમોને મળવા ગયા કે તરત જ રાજકીય સમિક્ષકો તૂટી પડયા હતા કે કરૃણાનીધી હવે ભાજપ સાથે હાથ મીલાવશે. 

સમિક્ષકોને ચાન્સ એટલા માટે મળ્યો કે વડાપ્રધાન મોદી ખુદ કરૃણાનીધીને મળ્યા હતા. બિમાર કરૃણાનીધીના ચહેરા પર તેમણે સ્મિત લાવી દીધું હતું.

સોશ્યલ મીડીયાવાળા કહે છે કે એવું તો મોદીએ શું કહ્યું કે કરૃણાનીધી હસી પડયા !! આ વાતો બહુ ચગી હતી. એક વાત એ છે કે મોદીએ કરૃણાનીધીને એમ કહ્યું હશે કે મારે તમારી જરૃર છે, તમારે મને ૨૦૧૯માં વડાપ્રધાન બનાવવાનો છે !! તમારા ટેકા વગર એ શક્ય નથી !! એનો અર્થ એ થયો કે મોદીએ એનડીએમાં જોડાવવા કહ્યું અને પોતાનું વડાપ્રધાનપદ પણ ફીક્સ કરી નાખ્યું !!

મહેબુબા સાથેનું જોડાણ ભયમાં..
કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સરકાર તૂટું-તૂંટું છે. ભાજપવાળાઓએ ફેવીકોલની ઘણી ટયુબો વાપરી છે પણ પીડીપીની સપાટી પર તે બરાબર ચોંટતી નથી. મહેબુબા મુફતીનું વલણ ભાજપને અકળાવી રહ્યું છે.

કાશ્મીરના ત્રાસવાદ તરફી લોકોને વિદેશમાંથી મળતી આર્થિક સહાયની તપાસ જેમ જેમ આગળ વધે છે એમ એમ પીડીપીના વિધાનસભ્યો મહેબુબા પર જોડાણ તોડવા દબાણ કરે છે. એક તરફ ભારત ત્રાસવાદીઓનો સફાયો કરે છે તે પીડીપીથી જોવાતું નથી તો બીજી તરફ વિદેશી આર્થિક સહાયનો મુદ્દો પરેશાન કરે છે. ભાજપ પણ ઉસ્તાદ છે. જ્યાં સુધી મહેબુબા છેડો ના ફાડે ત્યાં સુધી તે પતંગ ઉડાડયા કરશે.

સ્મૃતિ વિરૃધ્ધ રાહુલ ગાંધી
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પાસે પોતાના મંત્રાલય કરતાં વધુ એક મંત્રાલય છે. તે રાહુલ વિરોધી મંત્રાલય છે. આ બાઇને રાહુલ સામે આક્ષેપો કરવાનું કહેવાય તો આખો દિવસ કર્યા કરે !! કહે છે કે સ્મૃતિ જેટલી તડફડ ભાષામાં રાહુલ ગાંધી બોલી શકતા નથી. કોંગીજનો કહે છે કે અમે સ્મૃતિને ગણતા નથી કેમકે રાહુલ તો દેશનો સૌથી જુના પક્ષના ઈન-કમીંગ પ્રેસિડેન્ટ છે. તે જવાબદારીપૂર્વક વર્તે છે.

જોકે આ ખુલાસો કોઇને ગળે ઉતરે એવો નથી. ગાંધી પરિવારના બે મત વિસ્તારો અમેઠી અને રાયબરેલીમાં સ્મૃતિ અવાર-નવાર જાય છે. ગુજરાતના જંગમાં પણ ભાજપ સ્મૃતિનો ઉપયોગ રાહુલ સામે કરશે !! જેમ મહાભારતના શિખંડીનો ઉપયોગ ગુરૃ દ્રોણાચાર્ય સામે કરાયો હતો એમ !! (કોઇએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં.)

મનમોહન સિંહ ઉવાચ
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ચૂંટણી પ્રચારમાં લાવવાનો કોઇ અર્થ નથી. તેમના નાક નીચે અબજોનો ભ્રષ્ટાચાર થયો છતાં તે એક જ શબ્દ બોલતા હતા કે 'મીં ક્યા કરા !!' હવે તે વિપક્ષમાં બેઠા છે એટલે સુફીયાણી વાતો કરે છે.

વડાપ્રધાન મનમોહનસિંહ આર્થિક નિષ્ણાત છે. આ માણસના કૌશલ્યનો ઉપયોગ કરવાના બદલે તેમને વડાપ્રધાન પદે બેસાડીને 'મૌની બાબા' બનાવી દેવાયા હતા. યુપીએ સરકારમાં દસ વર્ષ દરમ્યાનના તેમના મૌનના કારણે તો સરકાર હારી હતી. 

ગુજરાતના પ્રચારમાં તેમને ઉતારવાનો અર્થ એ થાય કે કોંગ્રેસ પાસે વક્તાઓની ખોટ છે. મનમોહનસિંહે આર્થિક સિધ્ધીની કોઇ વાત ના કરી, માત્ર નોટબંધી અને જીએસટીના વિરોધમાં ગાણા ગાયા હતા. લોકોને આ બંને મુદ્દે 'ઉબકા' આવે છે..

અજીત જોગીની પત્ની બિન્દાસ્ત
રાજકારણમાં કેવી લાલીયાવાડી ચાલે છે તે પર અહીં પ્રકાશ પાડયો છે. અજીત જોગીનું નામ સાંભળ્યું છે ને ? તે એક સમયે છત્તીસગઢમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન હતા. ગાંધી પરિવારના 'ખાસ' હતા. તેમણે કોંગ્રેસ છોડીને જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જે) નામની પાર્ટી બનાવી હતી. જો કે તેમની પત્ની રેણુ જોગી કોંગ્રેસના વિધાનસભ્ય હતા. થયું એવું કે અજીત જોગીએ યોજેલા એક કાર્યક્રમમાં રેણુ જોગી ગયા એટલે કોંગ્રેસ વિફરી હતી.

તેમને શૉ-કૉઝ નોટિસ ફટકારીને જવાબ માગ્યો હતો. રેણુ જોગી ચૂપ રહે એવા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો કરે છે. મારા પતિએ રાખેલા કાર્યક્રમમાં હું પત્ની તરીકે જઉં એમાં ખોટું શું છે ? પહેલાં મારો પતિ પછી પક્ષ !! જવાબ સાંભળીને કોંગ્રેસે ખુલાસા મેળવવાનું માંડી વાળ્યું હતું !!

ગુજરાતમાં મતદાન
ગુજરાતના ચૂંટણી જંગમાં ભાજપના નેતાઓની ફોજ સામે કોંગ્રેસના નેતાઓ પણ ઉતરશે. ગુજરાતના લોકોને મજા આવશે કેમકે તેમની પાસેથી નવું કંઇ સાંભળવા નહીં મળે પણ આક્ષેપબાજી અને તૂં-તા જોવા મળશે. ગુજરાતની ચૂંટણીઓનો ઝોક કઇ બાજુ છે તે કહેવું ભલે મુશ્કેલ હોય પણ લોકોને કોઇ રસ નથી તે દેખાઇ આવે છે.

ચૂંટણીઓ પ્રજાને ઈન્વોલ્વ કરે એવી નથી. પ્રજા જુઠ્ઠાણા ભર્યા વચનોથી દૂર ભાગે છે. ભારતના રાજકારણમાં વચનો પાળતી પાર્ટીઓ શોધવી મુશ્કેલ છે. જ્યાં સુધી પ્રજાને ચૂંટણીમાં રસ નહીં જાગે ત્યાં સુધી વધુ મતદાન થાય તે શક્ય નથી. ચૂંટણી પંચ પણ વધુ મતદાન થાય તે માટે પ્રયાસ કરે છે. ગુજરાતના મતદારને ઢંઢોળવો પડશે તે નક્કી છે..

Comments