રાજકીય ગપસપ : શશીકલાની પનોતી

દિવંગત જયલલિથાના બહેનપણી શશીકલાની પનોતી ચાલે છે. એક તો તે મુખ્ય પ્રધાન બનવા માગતા હતા પણ જેલમાં જવું પડયું. તે સંપતિ છુપાવીને ફરતા હતા પણ તેમના સગા-સંબંધીના ૧૦૦ ખાતા ફ્રીઝ થઇ ગયા. તેમની શેલ કંપનીઓ પકડાઇ ગઇ.

શશીકલાએ જેમના ખાતામાં બે-નંબરી પૈસા જમા કરાવ્યા હતા તેવા ૩૦૦થી વધુ લોકોની પણ તપાસ ચાલે છે. જો શશીકલા પાસે ઢગલો સંપત્તિ છે તો જયલલિથા પાસે કેટલી હશે ? જાણકારો કહે છે કે તમિળનાડુના મુખ્ય પ્રધાન જયલલિથા હતા પણ તેમના મુખ્ય પ્રધાન શશીકલા હતા !! જયલલિથા સ્વર્ગે સીધાવ્યા છે તો શશીકલા જેલમાં સબડે છે.

જગનના ભાગે જેલવાસ
દક્ષિણના બીજા એક અબજોપતિની વાત. તે છે તે ભૂતપૂર્વ દિવંગત મુખ્ય પ્રધાન રાજશેખર રેડ્ડીનો પુત્ર જગન રેડ્ડી. જ્યારે આ કોંગી મુખ્ય પ્રધાન હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયા ત્યારે તેમની પાસે કોંગ્રેસ પક્ષનો હિસાબ હતો. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ સ્મશાન યાત્રામાં ગયા હતા.

સ્મશાન વિધિ બાદ રાજશેખર રેડ્ડીના પૈસા અંગે વાત થઇ ત્યારે તેમના પુત્ર જગન રેડ્ડીએ કહ્યું કે મને મુખ્ય પ્રધાન બનાઓ !! કોંગ્રેસે ના પાડીને કહ્યું કે તું હજુ 'નાનો' છે. તરત જ જગને કહ્યું કે તો પછી રાહુલને કેમ વાઈસ પ્રેસિડેન્ટ બનવ્યો ? ગાંધી પરિવારને કોઇએ આવું નહોતું કહ્યું. પરિણામ એ આવ્યું કે નવો ચહેરો મુખ્ય પ્રધાન પદે આવ્યો અને બિચ્ચારા જગનના ભાગે જેલવાસ આવ્યો !!

ટેકનોક્રેટ બન્યા ચૂંટણી પ્રચારક
સામ પિત્રોડા કોંગ્રેસના ગઢમાં છે.. ટેકનોલોજીને વરેલો આ માણસ મૂળ હળવદ - ગુજરાતના છે. તેમના વિચારો બૉલ્ડ છે. ગુજરાતમાં અનામતના મુદ્દે ચૂંટણી લડાય છે ત્યારે આ માણસ એમ બોલી ગયો કે અનામત હોવી જ ના જોઇએ. મેરીટ પર પ્રવેશ હોવો જોઇએ. ગુજરાતના લાખો યુવાનોના મનમાં જે હતું તે તેમણે બોલી નાખ્યું !! તે આવેલા પ્રચાર કરવા, જેમાં તેમણે પાટીદારોની અનામતની માગને ટેકો આપવાનો હતો. જોકે તેમની જીભ લપસી હતી.

થયું એવું કે તેમની પ્રચાર સભામાં કાપ મૂકવા કોંગીજનો કહેવા લાગ્યા હતા. સ્થિતિ એવી છે કે કોંગ્રેસને તેજાબી વક્તાની જરૃર છે કે જે સભામાં તડફડ બોલાવી શકે. સામ પિત્રોડા નામાંકિત ટેકનોક્રેટ છે. ચૂંટણી પ્રચાર તેમનો વિષય નથી; છતાં બાવા બન્યા હૈ, તો હિન્દી બોલના પડતા હૈ જેવો ઘાટ છે..

મમતાના વળતા પાણી..
મમતા બેનરજી આજકાલ બહુ ધડાકા-ભડાકા નથી કરતા. ભાજપે તેમના સાથીની વિકેટ પાડયા બાદ બીજા સાથીઓ ભાજપમાં ના જોડાય તેનો તેમને ડર છે. મમતા કહે છે કે ભાજપનો સ્વભાવ ઉધઇ જેવો છે. તે જે રાજ્યમાં ઘૂસે છે તે મેળવીને જ ઝંપે છે. મમતા બેનરજીએ મહામહેનતે પશ્ચિમ બંગાળ જીત્યું છે. તે હાથમાંથી સરકી રહ્યું છે.

મમતાને દિલ્હીના તખ્તા પર આવવું છે અને પશ્ચિમ બંગાળ છોડવું નથી. તેમના માટે હવે બંને મુદ્દા મુશ્કેલ બન્યાં છે. કેન્દ્ર સરકાર સામે વિપક્ષી ગઠબંધન બનતું નથી અને રાજ્યમાં તેમના સાથીઓ તૂટી રહ્યા છે. મમતા બેનરજી કોંગ્રેસને ઘૂસવા દેવા નથી માગતા એમ ભાજપને દૂર રાખવા માગે છે.. મમતાની ઊંઘ હરામ છે..

મહેબુબાનું સન્માન કરો
મહેબુબા મુફતી અને ભાજપની સંયુક્ત સરકાર જમ્મુ-કાશ્મીરમાં સરળતાથી ચાલી રહી છે. આ યુતિ ત્રાસવાદને ખતમ કરી રહી છે અને હુરીયત નેતાઓમાં ફફડાટ ચાલે છે. તેમને ભંડોળ આપનારનું પગેરું સરકારને મળતું થયું છે. પાકિસ્તાનથી આ ભંડોળ આવે છે. સ્થાનિક સ્લીપર યુનિટો કયા-કયા છે તે પણ સત્તાવાળાઓને ખબર પડી ગઇ છે.

હવે સ્થિતિ એવી થઇ છે કે ભંડોળ આપનારા અને તેને સાચવતા નેટવર્ક ભાગતા ફરે છે. કહે છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબાએ પોતાના પક્ષની વિચારસરણી બાજુએ મૂકીને ભાજપને તપાસમાં ટેકો આપ્યો હતો. જેનું પરિણામ એ આવ્યું કે ત્રાસવાદને મદદ કરનારા ભાગી ગયા છે અને તેની કમર તૂટી ગઇ છે.

ફારૃકનું આડું નિવેદન
મહેબુબા સરકારે ત્રાસવાદ અને સ્લીપર યુનીટો સામે લીધેલા પગલાં બાદ હુરીયત નેતાઓને ગૂંગળામણ થાય એવા પગલા લીધા હતા. 

આ જોઇને ફારૃક અબ્દુલ્લાથી રહેવાયું નહીં. તેમણે નવો જ મુદ્દો ઊભો કર્યો હતો કે 'પીઓકે' તો પાકિસ્તાનનું છે, આપણે તે લઇ શકીએ નહીં. કાશ્મીર અને પાકિસ્તાન બંનેનું ધ્યાન પોતાની તરફ ખેંચાય એટલે ફારૃકે આ ચાલ રમી હતી.

કહે છે કે જ્યારથી ભાજપ-પીડીપીની સરકાર રચાઇ છે ત્યારથી ફારૃક કે તેમના પુત્ર ઑમારનો કોઇ ભાવ નથી પૂછતું. કેન્દ્રમાં પણ કોંગ્રેસ નથી એટલે ફારૃક નવરાં થઇ ગયાં છે.

પીઓકે કબજે કરવા ભારત પ્લાન કરે છે ત્યારે ફારૃકનાં પાકિસ્તાન તરફી નિવેદને તેમનો ચોમેર વિરોધ કરાવ્યો છે.

Comments