રાજકીય ગપસપ : રાહુલ સર્વેસર્વા છતાં ચૂંટણી...

રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ પદે ડિસેમ્બરમાં બેસાડાશે. કોંગ્રેસનું મોવડી મંડળ થનગને છે પણ આ મુદ્દે નિર્ણય લેવામાં રાહુલ ગાંધી મેચ્યોર્ડ સાબિત થયા છે. 

તે ગુજરાતનો જંગ જીત્યા પછી ઘોડે ચઢવા તૈયાર હતા પરંતુ કુટુંબ અને પક્ષના પ્રેશર આગળ તે ઝૂકી ગયા હતા. પહેલાં ૧૩ ડિસેમ્બર નક્કી કરાઈ હતી પરંતુ કોઈએ કહ્યું કે 'કમૂરતા' બેસે છે માટે આટલી મોટી જવાબદારી ના લેવાય.

૨૦૧૩માં જયપુર ખાતેના સેશનમાં રાહુલ જનરલ સેક્રેટરી બન્યા પછી મોટાભાગના નિર્ણયો તે પોતે જ લેતા હતા. કોંગી મોવડી મંડળના તમામ નેતાઓ તેમની આસપાસ ફરતા હતા. પ્રમુખ પદની ચૂંટણી એ માત્ર ઔપચારીકતા છે. રાહુલ સામે કોઈ ઉભું રહેવાનું નથી. જોકે પક્ષમાં લોકશાહી છે તે બતાવવા દેખાડો કરવો પડે છે. રાહુલ ગાંધી સર્વેસર્વા છે એ બાબત પર સિક્કા વાગશે.

અરૃણ જેટલી સામે અસંતોષ
અરૃણ જેટલી સામે ભાજપ અને સંઘના લોકો નિશાન તાકી રહ્યા છે. અરૃણ જેટલી નંબર-ટુ તરીકે ફરે છે. વડાપ્રધાન મોદીની સૌથી નજીક ગણાતા અરૃણ જેટલીએ નોટબંધી તેમજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં તેમને ટેકો આપ્યો હતો. કહે છે કે અરૃણ જેટલી કોલ્ડ બ્લડ પર્સનાલિટી છે. તે પોતાના નિર્ણયોમાં અડગ રહે છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષના અમલ દરમ્યાન તે કોઈ ફેરફાર નહી કરવા અડગ રહ્યા હતા. જો કે વડાપ્રધાને તેમને પ્રજા-વેપારી તરફી રહેવા જણાવ્યું હતું. અરૃણ જેટલી શાંત-સૌમ્ય છે પણ ભાજપના નેતાઓને તે એરોગન્ટ લાગે છે. નાણાપ્રધાનો આવા જ હોય છે જેમકે યશવંત સિંહા, પી. ચિદમ્બરમ્ વગેરે પર એરોગન્ટના લેબલ વાગેલા છે.

ફારૃક અબ્દુલ્લાની સમસ્યા
ફારૃક અબ્દુલ્લાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અંગે જે બફાટ કર્યો છે તે જોઈ દેશના દરેક લોકો આ અબ્દુલ્લા કુટુંબની ટીકા કરતા હતા. જો કે વડાપ્રધાને એક વિડિયો દ્વારા ફારૃકને એટલો કડક જવાબ આપ્યો કે ફારૃક ઠંડા પડી ગયા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે તમે, તમારા પિતા અને તમારા પુત્રએ અંગત સ્વાર્થ સાધવા કાશ્મીર અને પીઓકેના મુદ્દાને ચગાવી રાખ્યો છે.

સોશ્યલ નેટવર્ક પર તો ફારૃકની લોકોએ ખુબ ટીકા કરી છે. વડાપ્રધાનનો તેજાબી પ્રતિકાર સાંભળીને ફારૃકને ટેકો આપતા વિપક્ષો પણ ટાઢાબોળ થઈ ગયા હતા. ફારૃકનું ફેમીલી કાશ્મીરના લોકોનો પ્રેમ જીતવા માગે છે. પાકિસ્તાન સાથે પણ તેમના સંબંધો છે. ફારૃક અને તેમના પુત્ર ઓમરને પાકિસ્તાન જતા રહેવાની સલાહ અપાઈ છે.

પ્રિયરંજન લડાયક મિજાજવાળા
પ્રિયરંજન દાસમુનશી એ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ માટે એન્ટ્રી પોઈંટસમાન હતા. ૨૦૦૮માં તેમને સ્ટ્રોક આવ્યા પછી તે કોમામાં સરી પડયા હતા. ૭૨ વર્ષના પ્રિયરંજનનું મૃત્યુ ગયા અઠવાડીયે થયું હતું. તેમના પત્ની દિપા દાસમુન્શી કોંગ્રેસમાં સક્રીય છે. 

પક્ષના સંગઠન અને વહિવટ એમ બંનેમાં તે નિષ્ણાત હતા. તેમણે ટેઈલ કોમ અને સંસદીય બાબતોના મંત્રાલયનો હવાલો પણ સંભાળ્યો હતો.

દાસ મુનશીના નિધનથી કોંગ્રેસે એક હાજરજવાબી નેતા ગુમાવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં આ માણસે કોંગ્રેસ માટે પાયાનું કામ કર્યું હતું. તે બિમાર પડયા પછી દિપા દાસમુન્શી રાજકારણમાં સક્રિય થયા હતા. તેમણે જ કોંગ્રેસને ડાબેરીઓ સાથે જોડાણ તોડવા જણાવ્યું હતું. દિપાને લોકો ચાંલ્લાવાળી બાઈ તરીકે ઓળખે છે.

સાંસદોની સ્ટડીટુર
સાંસદોમાં એક વિવાદ એ ચાલે છે કે જે સાંસદે લગ્ન ના કર્યા હોય તે વિદેશમાં સ્ટડી ટુર માટે જાય તો શું તે તેના અન્ય કોઈ સંબંધીને સાથે લઈ જઇ શકે ? જો કે કેટલાક સાંસદો કહે છે કે કુટુંબ સીવાયના કેટલાક લોકોને લઈ જવા જોઈએ.

કુટુંબના સીવાયના એટલેકે લવર્સ કે બ્રોયફેન્ડ !! રાજયસભાના ચેરમેન વૈંકેયા નાયડુએ આ વાત જાણી કે તરત જ તેનો વિરોધ કરીને કહ્યું કે આ કોઈ લવર્સ ટુર નથી !! અંતે એ વાતે નક્કી થઈ રહ્યું છે કે દરેક પોતાના કુટુંબના સભ્ય સીવાય કોઈને ના લઈ જઈ શકે !! 

આ મુદ્દો એટલા માટે ચડયો છે કે સ્ટડી ટુર માટે પડાપડી થાય છે. સરકારી ખર્ચે લહેર કરવાની !! શું સ્ટડી કર્યું તેનો કોઈ રીપોર્ટ નહીં કરવાનો. સૌથી મહત્વની વાત એ છે કે 'સીંગલ' સાંસદોની સંખ્યા વધી રહી છે. એટલે સ્ટડીટુરમાં સાથીદાર શોધવાનો વિવાદ ચગ્યો છે.

ડેલીએ હાથ દઈને મમતા પાછા આવ્યા
મમતા બેનરજી મુંબઈ ગયા હતા મુંબઈના કોર્પોરેટ વર્લ્ડને મળવા, પ્રથમ તે મુકેશ અંબાણીના નિવાસસ્થાને ગયા હતા. તેમને બિઝનેસ સમિટમાં આમંત્રણ આપીને ઉદ્ધવ ઠાકરેને મળવા હતા. ઉદ્ધવ ઠાકરે સાથેની મમતાની મુલાકાતે ઘણા રાજકારણીઓને ચોંકાવી દીધા હતા.

ઉદ્ધવ ઠાકરેનું નામ અચાનક જ રાજકીય તખ્તા પર આવી ગયું હતું. મમતાએ આ મુલાકાતને ગાઈ-વગાડીને સમાચાર માધ્યમોમાં મોકલી હતી. મમતા જે કામ માટે આવ્યા હતા તેના બદલે રાજકીય કાવા-દાવામાં ખૂંપી ગયા હતા. મુંબઈમાંથી કાણી-પૈ રોકાણ માટે નહોતી મળી !!

Comments