આર્થિક મુસિબતોની જડ અરૃણ જેટલી છે એવું સાબિત કરવા વિપક્ષો મથે છે. જેમ જેમ જેટલી સામેનો વિરોધ આગળ વધે છે એમ એમ જેટલી પણ મક્કમતાપૂર્વક પોતાની વાત રજૂ કરે છે. વાત વણસેલી છે.
નોટબંધી અને જીએસટી બંને માટે વડાપ્રધાન મોદી નહીં પણ જેટલી જવાબદાર છે એવું સાબિત કરવા મોદી સમર્થકો પ્રયાસ કરે છે.
જીએસટીની સમસ્યા અંગે લોકોને કંઇ સૂઝતું નથી. વડાપ્રધાન મોદી જીએસટીને ઐતિહાસિક અને હિંમતભર્યું કદમ ગણાવે છે. જયારે વેપારી વર્ગ માથું કૂટે છે. એક તરફ મંદી અને બીજી તરફ જીએસટીનો માર હોઈ વેપારીઓ ધૂંઆ-પૂંઆ થઈ ગયા છે.
લોકો મોદીને ચેતવી રહ્યા છે કે તમે તમારા વજીર જેટલીથી સાચવજો નહીંતર બધું ઉંધુ વાળશે !! એકે તો એટલે સુધી કહ્યું છે કે જો જેટલીને કાબુમાં નહીં રખાય તો મોદીએ ફરી હાથમાં કીટલી પકડવી પડશે..
યોગીઆદિત્યનાથ સામે પડકારો
યોગિ આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં સપાટો બોલાવ્યો છે.. પરંતુ કમનસીબી એ છે કે હિન્દુ સંગઠનો બેકાબુ બન્યા છે. યોગિ સતત કાયદો વ્યવસ્થાની વાત કરે છે પણ ગૌરક્ષકો અને લવ જેહાદની ઝુંબેશ ચલાવનારા કાયદો ખિસ્સામાં રાખીને ફરે છે. યોગિ સ્વભાવે કડક છે પણ હિન્દુ સંગઠનો આગળ લાચાર બની જાય છે.
ઉત્તર પ્રદેશમાં નાના-મોટા હજારો હિન્દુ સંગઠનો છે. તે માને છે કે યોગિ આપણા માણસ છે. કાયદો અને વ્યવસ્થા તંત્રનો અમલ કરનારા પોલીસ પણ આ સંગઠનોથી ડરે છે.
તેમના વિરૃધ્ધની ફરીયાદો પણ લેવાતી નથી. ભૂતપૂર્વ શાસક યાદવ કુટુંબ અદ્રશ્ય થઇ ગયું છે અને યોગિ આદિત્યનાથ ચોમેર પ્રસરી ગયા છે. હિન્દુ સંગઠનો છાશવારે ઉશ્કેરણીજનક પ્રોગ્રામો આપે છે અને પોલીસ લાચાર બનીને ઉભી રહે છે.
મહિલાઓની તાકાત
વર્ષો જુનું કોઇ શાસન હટાવવું હોય તો રાજકારણીને તેની સોપારી આપવી જોઈએ. જેમ કે પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ જુનું ડાબેરી શાસન મમતા બેનરજીએ ઉથલાવ્યું હતું, એમ મધ્ય પ્રદેશમાં દિગ્વીજય સિંહનું ત્રણ ટર્મનું શાસન ઉમા ભારતીએ ઉથલાવ્યું હતું. આ રીતે જોવા જઈએ તો રાજકીય પક્ષોએ આ મુદ્દો વિચારવો જોઈએ.
ગુજરાતમાં ૨૦ વર્ષ જૂનું ભાજપનું શાસન ઉથલાવવું હોય તો કોંગ્રેસે મહિલા નેતાને આગળ રાખવા જોઈએ. કોંગ્રેસમાં મમતા કે ઉમા ભારતી જેવા ફાયર બ્રાન્ડ મહિલા નેતાઓનો અભાવ છે. મહિલાઓની શક્તિનો અંદાજ મેળવવા ઇંદીરા ગાંધીને આગળ કરી કોંગ્રેસે વ્યૂહ રચના બનાવવી જોઈએ. જો કે આ વખતે ઘણું મોડું થઇ ગયું છે. હવે ૨૦૨૨ના જંગ વખતે વાત !!... તેજી ને ટકોરો... આઇ બાત સમજ મેં....
ગુજરાતમાં વિપક્ષ એક નથી
વિરોધ પક્ષોની એકતાવાળી વાત ફરી પાછી દુર હડસેલાઇ ગઈ છે. બધાની નજર ગુજરાતની ચૂંટણીઓ પર છે. આમ આદમી પાર્ટીએ ફરી હિંમત એકઠી કરીને ગુજરાતમાં ઝંપલાવવા બાજી ચીપી છે. 'આપ' વાળા આવે કોંગ્રેસના વોટ તોડે એ નક્કી છે.
કોંગ્રેસ જાણે છે કે તે ભાજપ સામે ત્યારે જ જીતી શકે કે જયારે તમામ જ્ઞાાતિ કોંગ્રેસની સાથે હોય !! આ વખતે પાટીદારો, ઠાકોરો વગેરે કોંગ્રેસને લોલીપોપ બતાવી રહ્યા છે. વિપક્ષી એકતા સાથે સંકળાયેલા કોઇ નેતા હજુ ગુજરાતમાં પ્રચાર માટે નથી આવ્યો. ગુજરાતમાં વિપક્ષ વેર વિખેર થઇને ભાજપ સામે લડે છે. આ સ્થિતિમાં કોને લાભ થાય તે વાચક સારી રીતે જાણે છે..
રાહુલને ત્યાં માંડવો
રાહુલ ગાંધી દિવાળી પછી કોંગ્રેસના પ્રમુખ તરીકે શપથ લેશે. આ માટેનો તખ્તો તૈયાર છે. મહેમાનોની યાદી અને મેનુ બંને તૈયાર થઇ ગયા છે.
રાહુલ જ્યારે શપથ લેશે ત્યારે કદાચ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલતો હશે. હેડીંગ છે કે રાહુલને ત્યાં માંડવો. આ માંડવો એટલે લગ્ન નહીં પણ પ્રમુખ પદનો માંડવો એમ સમજવું. રાહુલના લગ્નની રાહ જોવાતી હતી એમ સાથે-સાથે પ્રમુખ પદ સંભાળવાનું હતું. સોનિયા ગાંધીએ કદાચ પ્રમુખ પદ સંભાળવાનું અલ્ટીમેટમ આપી દીધું છે.
એટલે જ દિવાળી પછી રાહુલ માટે મુહર્ત શોધાઈ રહ્યું છે. ગુજરાતના કોંગીજનોએ વચન આપ્યું છે કે અમે ગુજરાત જીતની ભેટ રાહુલ ગાંધીને આપીશું. રાહુલને ઇચ્છા નથી લાગતી પણ ઉત્તર પ્રદેશમાં બેનર લાગ્યા છે કે, 'મા બિમાર હૈ, બહેન બિઝી હૈ, રાહુલ કો આના હી આના હૈ...'
શિવસેના નારાજ
ઉધ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એમ બંને ભાઈઓ મોદી સરકાર વિરોધી બની ગયા છે. રાજ ઠાકરેએ કહ્યું છે કે બુલેટ ટ્રેનના ટ્રેક ઉભા નહીં થવા દઇએ અને ઉધ્ધવ ઠાકરે તો રોજ સામનામાં મોદી સરકારને ચાબખા મારે છે.
આ બંને ભાઇઓ એક સમયે મોદી સમર્થક હતા. કહે છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાને ભાજપ સરકાર યોગ્ય માન નથી આપતું. ઉધ્ધવ ઠાકરે વારંવાર કહે છે કે અમને નંબર-ટુ તરીકે રહેવાનું પસંદ નથી.
તેમ છતાં મુખ્ય પ્રધાન ફડણવીસ તેમની ઉપેક્ષા કરતા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લેવા ધમકી આપી રહ્યા છે.
ભાજપ જાણે છે કે શિવસેના બહારથી સખત છે પણ અંદરથી સત્તાની દિશામાં છે. તેમ છતાં એક તબક્કે ટેકો પાછો ખેંચશે તો મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ભોંય ભેગી થશે તે નક્કી છે ?

Comments
Post a Comment