- દિલ્હીમાં ડૉગને ઉઠાવી જઈ ખંડણી મંગાય છે
- ડૉગ લવર્સ ના બની શકાય તો કંઈ નહીં પણ શેરીના કૂતરાને રોટી-પાણીથી સાચવી શકાય
પ્રાણી-પક્ષી પાળનારાઓની એક અલગ દુનિયા છે. આ લોકો તેમને પોતાના સંતાનની જેમ સાચવે છે. તેમનો પ્રાણી પ્રેમ જોઇને ઓછી ભૌતિક સવલતો મેળવનારાઓને ઇર્ષા થાય છે. આપણે ત્યાં પ્રાણી-પશુને પ્રેમ એ નવી વાત નથી. પૌરાણિક કાળથી તે ચાલતું આવ્યું છે. આપણા દેવી-દેવતાઓ પોતાના વાહન તરીકે પશુ-પક્ષીઓને રાખે છે. દેવી-દેવતા સાથે તેમનું પણ પૂજન થાય છે.
ગાય-કુતરાનું કાઢવાની પરંપરા આજે પણ આપણે ત્યાં જોવા મળે છે. ગાય-કૂતરા પણ એટલા સમજૂ હોય છે કે તે સમયસર ઘર પાસે ખાવાનું મેળવવા આવી જાય છે.
કોઈ વિદેશ જઈ આવેલા સાથે વાત કરીએ તો તે ગૌરવથી કહે છે કે અમારે ત્યાં ઘેર-ઘેર પાળેલા કૂતરા હોય છે. તેને બહાર ફરવા લઈ જતી વખતે તેની 'પોટ્ટી' (સ્ટૂલ) પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને ડસ્ટબીનમાં નાખવાની પ્રથા છે. કેનેડામાં પાળેલા કૂતરાને પણ સંવનન કરવા હોસ્પિટલના એક રૃમમાં રાખવામાં આવે છે. તેના માલિકો આ સંવનન એક પ્રસંગ તરીકે ઉજવે છે.
રખડતી ગાયો, હડકાયા કૂતરા, મારકણા વાંદરા વગેરે ભારતમાં ચોમેર જોવા મળે છે. રખડતી ગાયોનો કોઇ ઉકેલ આવતો નથી. ગાયને માતાનું બિરૃદ અપાયું છે છતાં તેના માટે કોઈ વૃધ્ધાશ્રમ કે રેન બસેરાની વ્યવસ્થા નથી હોતી.
તાજેતરમાં એક અહેવાલ જોવા મળ્યો હતો કે અમદાવાદના એક યુગલે પોતાના ખોવાયેલા કૂતરાને શોધી કાઢનારને ૫૦૦૦ રૃપિયાનું ઇનામ આપવામાં આવશે. દિલ્હીમાં તો પાળેલા કૂતરા-બિલાડી ઉઠાવી જવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેમ માણસનું અપહરણ કરીને પૈસા પડાવાય છે એમ પાળેલા પ્રાણીઓનું અપહરણ કરીને તેના માલિકો પાસેથી પૈસા પડાવાય છે.
પાળેલા પ્રાણીઓ ઘરના સભ્ય સમાન બની જાય છે. જે લોકો સાચા ઍનીમલ લવર્સ છે એ લોકો પાળેલા પ્રાણીઓની બિમારી અને તેમની ખુશીનું સતત ધ્યાન રાખે છે.
એવા પણ લોકો છે કે પાળેલું કૂતરું ઘરડું થાય કે સતત બિમાર રહે તો તેને દૂર જઇને છોડી આવે છે. આવા કૂતરા ઘરમાં રહેવા ટેવાયેલાં હોઇ બહારનાં કૂતરાનો માર ખાય છે, અંતે ક્યાં તો કોઇ ગાડી નીચે કચડાઇ મરે છે કે કણસીને મોતને ભેટે છે.
દિલ્હીમાં સંજય ગાંધી ઍનીમલ કેર સેન્ટર ચલાવતા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી વારંવાર લખે છે કે તેમના સેન્ટરની બહાર લોકો કૂતરા બાંધી જાય છે અને અમારે તેમને પોષવા પડે છે. એક એવી માન્યતા છે કે કૂતરા-બિલાડી- પોપટ વગેરે પાળવાનો ક્રેઝ માત્ર પૈસાદારોમાં જ હોય છે પરંતુ મધ્યમ વર્ગ અને શ્રમજીવી વર્ગ પણ આવા શોખ રાખે છે. આશ્ચર્ય તો એ છે કે પૈસાદારો કરતાં મધ્યમ અને શ્રમજીવી વર્ગ વધુ પશુપ્રેમી હોય છે.
કેનેડા અને યુરોપના દેશોમાં તો કૂતરાના ખાસ સલૂન હોય છે. જેમ બાળકને નવડાવાય છે એમ કૂતરાને નવડાવાય છે, શેમ્પુ થાય છે. હેર કટ થાય છે.
દિલ્હી, બેંગ્લોર, મુંબઇમાં આવા સલૂનો છે એમ અમદાવાદમાં પણ છે.
દત્તાત્રેય ભગવાને જેમને ગુરૃ તરીકે સ્થાપ્યા હતા. તેમાં ગાય-કૂતરું વગેરે પણ છે. આ પ્રાણીઓ પાસેથી શીખવાનું છે એમ તેમણે ઉપદેશ આપ્યો છે.
રખડતા કૂતરા એ દરેક સીટી અને ટાઉન લેવલની સમસ્યા છે. ખસીકરણનો માર્ગ અપનાવીને સત્તાવાળાઓ કૂતરાની સંખ્યા ઘટાડવા પ્રયાસ કરે છે. શેરી કૂતરાઓને રોટલા ખવડાવતો એક વર્ગ છે. સેવાભાવી સંસ્થાઓ કૂતરા-ગાય માટે ઠેર-ઠેર પીવાનું પાણી મુકાય છે.
અહીં એક આડ વાત છે. ડાકોર દર્શને જનારને ખબર હશે કે એક ભાઇ કૂતરાને રોટલા ખવડાવવા દાન મેળવવા મોટો ડબ્બો લઇને ઉભા રહે છે. લોકો તેમનો ડબ્બો દાનથી ભરવાના બદલે મંદિરોમાં વધુ પૈસા મુકે છે. આ અંગે કોઇ ટીકા ટીપ્પણ અહીં નથી કરવી.
આપણી વાત પશુ પ્રેમ અંગેની છે. જેમનો પાળેલો કૂતરો ખોવાઈ જાય તેને ત્યાં કોઈ સ્વજન ગુમ થયાનું દુઃખ હોય છે. જયારે તે પ્રાણી કુદરતી મોતને ભેટે ત્યારે કેટલાંક સ્મશાનયાત્રા પણ કાઢે છે અને બેસણું પણ રાખે છે.
વિદેશમાં જેમ કૂતરાના માલિક તેને પોટ્ટી પ્લાસ્ટીકમાં ભરી લે છે અને જાહેર માર્ગો પર ગંદકી નથી થવા દેતા એવી ટેવ આપણે ત્યાંના ડોગ લવર્સે અપનાવવા જેવી છે.
આપણે કદાચ કૂતરું ના પાળી શકીએ કે તેને વહાલ કરવાનો સમય ના ફાળવી શકીએ પણ શેરીના કૂતરાને રોટલી આપી શકીએ અને તેમના માટે એક વાસણમાં પાણી ભરીને મુકી શકીએ તો પણ પ્રભુ પ્રેમ જીતી શકાય છે.

Comments
Post a Comment