શાંત પાણીમાં નીતીશનો પથરો પ્રાઈવેટ કંપનીઓમાં અનામત !!

- કોંગી નેતા સામપિત્રોડાએ તાજેતરમાં જ કહ્યું છે કે ક્ષમતા ઉભી કરો

- પડદા પાછળ કંઇક રંધાતું હોવાની શક્યતા : પ્રાઈવેટ-સરકારની જોબમાં આસમાન-જમીનનો ફર્ક

પ્રાઈવેટ કંપનીઓમાં અનામત લાવવાની વાત ઘણાં ઓબીસી નેતાઓના મનમાં ઘૂમરાતી હતી પરંતુ જ્યારે તે વાત બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર કરે ત્યારે સમજવું જોઇએ કે પડદા પાછળ કંઇક રંધાઈ રહ્યું છે. સરકારી નોકરીઓમાં અનામત પ્રથા ચાલુ છે. દબાયેલા કચડાયેલા વર્ગને આગળ લાવવાનો તે ઉત્તમ માર્ગ હશે પરંતુ સમૃધ્ધ લોકો પણ હવે અનામત મેળવવા લાળ પાડે છે.

ઓછા માર્ક; ઓછા ભણતરે વધુ આવક એ ફોર્મ્યુલામાં હવે કોઈ ફેરફાર આવી શકે એમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસી કેટેગરીમાંથી આવતા વર્તમાન અનામતમાં કોઈ કાળે ફેરફાર શક્ય નથી. અનામતમાં હવે મર્યાદા આવી ગઇ છે. તેની ટકાવારી વધી શકે એમ નથી આ સ્થિતિમાં અનામત પ્રથા અન્ય ક્ષેત્રે ખાસ કરીને પ્રાઈવેટ ક્ષેત્રે દાખલ કરવાની ચાલ શરૃ થઇ હોય એમ લાગે છે.

શિક્ષણ પ્રમાણે; કૌશલ્ય પ્રમાણે, સ્માર્ટનેસ પ્રમાણે; વધુ કામ કરવાની આવડત પ્રમાણે નોકરી મળવી જોઇએ. સરકારી કંપનીઓ કરતાં ખાનગી કંપનીઓ તગડી કમાણી કરે છે કેમ કે ત્યાં ક્વોલીફીકેશન પ્રમાણે જોબ મળે છે. રાજકારણીઓની ટેવ છે કે તે દરેક જગ્યાએ ખાતર પાડે !!

નીતીશકુમારે એવી સોગઠી મારી છે કે તેમાં વિવાદ થાય !! લાલુ પ્રસાદ યાદવ જેવા એ તેમાં તરત જ ટેકો આપી દીધો છે. દરેક રાજકીય પક્ષોે આવી માગને ઉગતી જ દબાવી દેવી જોઇએ. સરકારી નોકરીમાં કે શિક્ષણ ક્ષેત્રે અનામત અંગે અનેક આંદોલનો થઇ ચૂક્યા છે. વિદેશમાં ક્યાંય અનામત નથી. આપણે ત્યાંની અનામત સૌને સ્વીકૃત છે પરંતુ હવે તો ખુદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે 'નો-મોર' !!

પ્રાઈવેટ કંપનીઓ ટાટા, રીલાયન્સ, બિરલા વગેરેથી ભારતની વિશ્વમાં ઓળખ છે. ભારતની પ્રાઈવેટ કંપનીઓ વિશ્વની કંપનીઓ ખરીદી કરી રહી છે. વિશ્વના અબજો પતિઓની યાદીમાં ભારતની કંપનીના માલિકો છે. આ કંપનીઓનો દરેક સરકારોએ મુક્ત રીતે વહીવટ કરવા દીધો છે. આવી કંપનીઓ પાસે કાયદાનું કડક પાલન કરાવાય છે.

પ્રાઈવેટ કંપનીઓ સાથે દરેક રાજકીય પક્ષોની સાંઠ-ગાંઠ હોવાના આક્ષેપો વર્ષેથી થઇ રહ્યા છે. ચૂંટણી ભંડોળનો સૌથી મોટો સોર્સ પ્રાઈવેટ કંપનીઓ છે.

આર્થિક નિષ્ણાતો અનામતની ટકાવારી ઘટાડવાની વાતો કરે છે તો રાજકારણીઓ પ્રાઈવેટ કંપનીઓમાં અનામત ઘૂસાડવાની વાત કરે છે. પ્રાઈવેટ કંપનીઓ મીનીમમ વેજીસ એક્ટનું પાલન કરે છે પણ સરકારમાં હોય છે એવા પગારો; રજાઓ કે પેન્સન જેવી સવલતો નથી હોતી. અહીં નોકરીની છટણી ગમે ત્યારે થઇ શકે છે. કામના કોઈ કલાકો નથી હોતા.

ટૂંકમાં પ્રાઈવેટ કંપનીમાં સતત કાર્યક્ષમ લોકો ફાવે છે; પરિણામલક્ષી કામ કરનારાને પ્રાઈવેટમાં વધુ પૈસા મળી શકે છે.

અહીં કોઇનો વિરોધ નથી પણ જ્યાં અનામત નથી ત્યાં તેનો પ્રવેશ કરાવવો એ રાજકીય લાભ ખાટવા સીવાય બીજું કશું નથી. નીતીશકુમાર પાસે કોઈ કામ ધંધો નથી એમ કહી શકાય. લાલુપ્રસાદ સાથે અચાનક છેડો ફાડીને માત્ર ૨૪કલાકમાં ભાજપનો સાથ લઇને ફરી મુખ્ય પ્રધાન બનનાર નીતીશકુમાર બહુ ચાલાક છે. તે સોશ્યલ એન્જીન્યરીંગની વાતો કરીને લોકોના મસીહા બનવા જાય છે.

કેટલીક માગણીઓ ભ્રામક હોય છે. પ્રાઈવેટનો પગાર અને સરકારના પગારમાં આસમાન-જમીનનો ફર્ક હોય છે. પ્રાઈવેટમાં ઓછી રજા મળે છે અને દર મિનિટે કામ આપીને વ્યસ્ત રાખે છે.

કોંગ્રેસના નેતા અને ટેકનો ક્રેેટ સામપિત્રોડાએ તાજેતરમાં ગુજરાત ખાતે કહ્યું હતું કે અનામત પ્રથા માંગવાના બદલે નોકરી વાંચ્છુઓએ પોતાની ક્ષમતા વધારવી જોઇએ. જો કે અહીં વિવાદ ઉભો કરવાનો કોઈ આશય નથી માત્ર હકીકતો તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ છે.

રાજકારણીઓ પોતાની ખીચડી પકાવવા આડા-તેડા તર્ક પકાવ્યા કરે છે. પ્રાઈવેટ કંપનીઓને સસ્તી જમીન અપાવનાર અને બેંકમાંથી લોન અપાવનાર રાજકારણીઓ જ હોય છે. અનેક પ્રાઈવેટ કંપનીઓના પ્રતિનિધિઓ રાજકીય પક્ષોને ત્યાં કાયમી સ્તરે લોબીંગ કરતા હોય છે.

આવા રાજકારણીઓને હાથ જોડીને વિનંતી કરવી જોઇએ કે પ્રાઈવેટમાં અનામતનું નાળીયેર ના ફેંકો !! અનામતનો લાભ નહીં મેળવનારાના રોષનો ભોગ ના બનશો.

નીતીશકુમારે શાંત પાણીમાં પથ્થર માર્યા છે. નીતીશકુમારે મારેલા પથ્થરને જોઇને ઘણાંના મોંમા પાણી આવી ગયું છે. આશા રાખીએ કે મોદી સરકાર આ વિવાદના ભોરીંગને તાત્કાલીક પાછો તેના દરમાં મોકલી દે અને પ્રાઈવેટ કંપનીઓને સ્વતંત્ર રીતે કામ કરવા દે !!


Comments