- સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા ભાજપે કમરકસી
- ગુજરાતની ચૂંટણીઓ પર હાર-જીતની અસર પડવા સંભવ, ઘેર-ઘેર સંપર્ક
ગુજરાતની ચૂંટણીઓ પર અન્ય રાજ્યોની કોઈ સીધી કે આડકતરી અસર ના પાડે તેનું પૂરે-પુરૃં ધ્યાન આપવામાં આવે છે. મધ્ય પ્રદેશના ચિત્રકૂટની બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હોવા છતાં તે તાનમાં આવી ગઈ છે.
ગુજરાત કોંગ્રેસને ચિત્રકૂટના પરિણામોથી બૂસ્ટ મળ્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે.
આ ચૂંટણીઓ જીતવા ભાજપે તન-તોડ પ્રયાસો શરૃ કર્યા છે. નાણા કોથળી ખુલ્લી મુકવી અને વચનોની લ્હાણી કરવી જેવા શસ્ત્રોનો મારો તેમણે ચલાવ્યો છે.
૭૫ જિલ્લામાં ત્રણ તબક્કામાં મતદાન છે. ૧લી ડિસેમ્બરે પરિણામો છે જ્યારે ગુજરાતમાં ૯મી ડિસેમ્બરે મતદાન છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં ભાજપ તગડી બહુમતી મેળવી શકશે પરંતુ જો ધબકડો થયો તો ગુજરાત કોંગ્રેસના આત્મ વિશ્વાસમાં વધારો થશે અને તે ગુજરાતમાં સરકાર બનાવવાના પત્તા ચીપશે. આ બાજી 'જો' અને 'તો' શક્ય પર ના થાય પણ ઉત્તર પ્રદેશ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અસર ચોક્કસ થાય. ઉત્તર પ્રદેશ મોટું રાજ્ય છે.
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યના શાસનથી ત્રસ્ત એક વર્ગ છે તો યોગિની પ્રશંસા કરતો એક વર્ગ છે. જે લોકોની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે એ લોકો ભાજપના વિરોધી બની ગયા છે.
જ્યારે ગુંડાગીરીથી મુક્તિ માગનારા યોગીના સમર્થકો છે. આ સમર્થકોની સંખ્યા વધુ છે. ભાજપ કોઈ ચાન્સ લેવા નથી માગતી એટલે ચૂંટણી લ્હાણીનું શસ્ત્ર ઉગામ્યું છે.
હવે તો એવી લ્હાણી અપાય છે કે દરેકના ઘરમાં પાંચ-સાત હજારના ડીજીટલ ઉપકરણ આવી જાય છે. ભાજપે ૨૮ વચનોની લ્હાણી કરી છે. આ લ્હાણી એક રીતે તો રોકડમાં ફેરવી શકાય છે. મફતમાં પાણીનું કનેકશન મહિલાઓ માટે વિના મૂલ્યે પીંક ટોયલેટ, ટોઈલેટ બનાવવા સરકારી બગીચા, ચોક વગેરે સ્થળો એ મફત વાઈ-ફાઈ, ટોયલેટ બનાવવા દરેક ઘરને રૃા. ૨૦,૦૦૦ રોકડા !! આમ તો, આ ટોઇલેટ બનાવવાના છે પણ બધા જાણે છે કે પૈસા સીધા જ લોકોના ખિસ્સામાં જાય છે અને વાપરી નાખે છે.
ઠીક છે, ચૂંટણીમાં આવા પ્રલોભનો હોવા જરૃરી છે. જો ચૂંટણી એ ઉત્સવ હોય તો દરેકના ઘરોમાં તે ઉજવવો જોઈએ. જેમકે હાલમાં લ્હાણી આપીને ઉજવાય છે.
હવે ચૂંટણીમાં લ્હાણી એ શરમાવાની વાત નથી રહી. ચૂંટણી પંચની આચાર સંહિતાને રાજકીય પક્ષો ધોળીને પી ગયા છે. ચૂંટણી જીતવા નીકળેલો ભાથામાં તમામ વચનરૃપી શસ્ત્રો રાખે છે અને નાણા કોથળી ખુલ્લી રાખે છે. ઉમેદવાર જાણે છે કે રાજકારણ એ એક ના સો કરવાનો ધંધો છે.
ઉત્તર પ્રદેશ સ્થાનિક સ્વરાજના જંગમાં ૨૦૧૨ દરમ્યાન ભાજપે ૧૨માંથી ૧૦ મેયર પદ મેળવ્યા છે. હવે યોગીનું શાસન છે તે સારા વહિવટકાર હોવાની સાથે-સાથે સારા ચૂંટણી પ્લાનર પણ છે.
ભારતમાં ચૂંટણીઓ ખર્ચાળ બની રહી છે. જેટલો સત્તાવાર ખર્ચ છે તેના કરતાં ત્રણ ગણો ખર્ચ બીન સત્તાવાર હોય છે. દરેક પક્ષ સત્તા માટે કરોડો ખર્ચે છે. સત્તા પર હોવું અને સત્તા પર ના હોવું તેમાં રાજાશાહી અને ફૂટપાથ શાહી જેવી સ્થિતિ હોય છે.
જોકે કમનસીબી એ છે કે સત્તા મેળવવા આ લોકો જેટલા પ્રયાસ કરે છે એટલો પ્રયાસ લોકોનું કામ કરવા માટે નથી કરતા. એટલે જ દર પાંચ વર્ષે પ્રજાને ઘેર જઈ કરગરવું પડે છે.
ભાજપ વારંવાર હાર ખાઈને ચૂંટણી જીતની ટેકનીક શીખી ગયું છે. એકવાર સત્તા મળ્યા પછી તેને જવા ના દેવી એ સિદ્ધાંતને ભાજપ વળગી રહ્યું છે. એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર સામે લડતા શીખી ગયું છે.
ઉત્તર પ્રદેશના સ્થાનિક સ્વરાજના જંગ પર પાછા ફરીએ તો ભાજપ આ જંગ માત્ર ગુજરાત માટે જીતવા નથી માગતો પણ ૨૦૧૯માં લોકસભાના જંગ માટે તૈયારી કરે છે.
ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા બે તૃતીયાંશ બહુમતીથી જીતી છે. નોટબંધી પછીના આ સૌથી મોટો જંગ ભાજપે જીત્યો એમ પણ માનવાની જરૃર નથી કે માત્ર ભાજપ સ્થાનિક સ્વરાજનો જંગ જીતવા પ્રયાસ કરે છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ પણ તનતોડ તૈયારી કરે છે. બંને પક્ષો પાસે લખલૂંટ પૈસો છે.
બખ્ખાં-બખ્ખાં તો મતદારોને છે. દરેક પક્ષ તેમને ખુશ કરવા મથે છે. મતદારો પણ ઉસ્તાદ બની ગયા છે તે જાણે છે કે આ ઉમેદવાર પાંચ વર્ષ એક જ વાર આપવાનો છે માટે ખંખેરી લો...ખરેખર, ચૂંટણી ઉત્સવ બની જાય છે...ઘેર-ઘેર લક્ષ્મી પધારે છે.

Comments
Post a Comment