- રાજકારણીઓ પ્રજાની આરતી ઉતારે છે
- અન્નકૂટ જોઈ મોંમાં પાણી આવી જાય એમ વચનોનો અન્નકૂટ મત આપવા પ્રેરે છે
આજકાલ દરેક મંદિરોમાં અન્નકુટ જોવા મળે છે. વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેમ અન્નકુટ ધામધૂમથી ઉજવાય છે એમ હનુમાનજી અને મહાદેવના મંદિરોમાં પણ અન્નકુટ ઉજવાય છે. અન્નકુટના દર્શન માટે વિશેષ સમય ફળવાય છે. અન્નકુટ જોઈ મોંમાં પાણી આવી જાય છે.
અન્નકુટ ચોક્કસ દિવસોએ જ યોજાય છે પરંતુ રાજકીય અન્નકુટ તો ૩૬૫ દિવસ યોજાયેલો હોય છે. રાજકીય અન્નકુટ એટલે રાજકારણીઓએ આપેલા ખોટા વચનો !!
૭ દાયકા પછી દેશની સ્થિતિ એ છે કે રાજકારણ એ ધીકતો ધંધો પણ છે અને બદનામ બસ્તી પણ છે. આ લોકોના હાથમાં દેશના શાસનની લગામ છે. આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લગામ બરાબર પકડતા આવડી નહીં એટલે કાયદા-કાનૂન ખાડે ગયા હતા.
આપણે રાજકીય અન્નકુટ તરફ પાછા ફરીએ તો અહીં પ્રજા રાજાને અન્નકુટ પાંચ વર્ષે એક જ વાર ધરાવે છે. જ્યારે રાજકારણીઓ તેમનો વચનરૃપી અન્નકુટ રોજ પ્રજાને ધરાવે છે. જેમાં નોકરીના વચનો, મોંઘવારી ઘટાડવાના વચનો, ગુંડા ફ્રી વિસ્તાર બનાવવાના વચનો, દરેકને શિક્ષણના વચનો, સસ્તા દરે શિક્ષણના વચનો, સ્વચ્છતાના વચનો, નવજાત શિશુને બચાવવાના વચનો વગેરે જોવા મળે છે.
પ્રજા પણ જાણે છે કે આ રાજકીય અન્નકુટ એ મીઠાઈ નથી પણ કાંકરા છે. છતાં છેલ્લા ૭ દાયકાથી લોકો રાજકીય અન્નકુટના દર્શન કરે છે અને કૌભાંડીઓને ચૂંટી કાઢે છે. ૨૦૧૪ થી મોદી સરકાર આવ્યા બાદ નવી ચેતના અને આશાનો સંચાર થયો છે તે હકીકત પણ ભૂલવી ના જોઈએ.
ભારતની પ્રજા પૈકી માંડ ૬૦ ટકા મતદાન કરવા બહાર આવે છે. જેટલા લોકો રાજકારણીઓની જાહેર સભામાં આવે છે કે રોડ-શૉમાં આવે છે એટલા લોકો મતદાન માટે આવે તો તે વિરોધ કરવા માટે લાયક ગણી શકાય.
અન્નકુટ એટલે ભગવાનને પ્રિય ભોજન પીરસવા. રાજકારણીઓ પ્રજાને ભગવાન માને છે પણ તેમને ક્યારેય મીઠા ભોજન નથી પીરસતા. રાજકારણીઓ ચૂંટાયા પછી ક્યારેય પ્રજાના કામો નથી કરતા. જેવી ચૂંટણી આવે છે કે તરત જ આ લોકો પ્રજાની આરતી ઉતારવા આવી જાય છે અને ખોટા વચનોના અન્નકુટ કરે છે.
પ્રજા પહેલાં જેવી લાચાર નથી. જે રીતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો સફાયો થયો છે તે જોતાં એમ લાગે કે ઉત્તર પ્રદેશ જેવી એગ્રેસીવ પ્રજા પણ પ્રાદેશિક પક્ષોના ઠાલાં વચનોથી કંટાળી હતી.
અન્નકુટ જેટલો ધરાવાય છે એનો પાંચ ટકા ભાગ જ ભક્તોને મળે છે, દરેક ભક્ત આ પ્રસાદ લેવા ઇચ્છે છે. આમ પાંચ-પાંચ ટકા કરીને વહેંચી દેવાય છે. અહીં ભક્તો એટલે પ્રેમ એમ સમજવું. મંદિરો અન્નકુટની વહેંચણી પૈસાની ભેટ પ્રમાણે કરે છે. રૃ. ૨૫, ૫૦, ૧૦૦ની પહોંચ રખાય છે. ૫૦૦૦ રૃ. આપનારને છાબડી અપાય છે.
અન્નકુટની વાનગીઓ ભગવાનને ધરાવ્યા પછી તેને નાના બોક્સમાં ભક્તોને વહેંચવામાં આવે છે. કેટલાક મંદિરો અન્નકુટ વહેંચીને પણ તગડી કમાણી કરી લે છે.
જ્યારે ભગવાન બાલ કૃષ્ણે ગોવર્ધન ઉંચકીને મેઘરાજાથી ગામના લોકોને બચાવ્યા હતા. આ રીતે તેમણે મેઘનું અભિમાન તોડયું હતું. ત્યારે ગામના લોકોએ અભિવાદન રૃપે ભગવાનને અન્નકુટ ધરાવ્યો હતો.
રાજકીય અન્નકુટ એ એક અલગ વિષય છે. અહીં ખોટા વચનોનો થાળ પ્રજાને ધરાવાય છે. પ્રજા બિચારી મોંઘવારીથી ત્રસ્ત છે. તે બિચારી મોટી-મોટી વાતોમાં આવી જાય છે અને પોતાની મત સમાન મૂડી ગમે ત્યાં વેડફી દે છે.
સાત-સાત દાયકા પછી પણ દેશના ગામડા પ્રાથમિક સુવિધાઓ માટે તડપતા હોય ત્યારે આપણા શાસકોને શરમ આવવી જોઈએ. મોદી સરકારે નવી ચેતના ઉભી કરી છે પણ તેમનું કામ કાચબા ગતિએ ચાલે છે.
અન્નકુટના દર્શન કરવા જેવા હોય છે. બધી વાનગીઓ પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે તેમાં ચોકલેટથી માંડીને ચોકલેટી મઠા સુધીની વાનગી હોય છે.
આ બધી આઇટમો એક-એક ચમચી ખાવ તો પણ પેટ ભરાઇ જાય છે. આવી સ્થિતિ રાજકીય અન્નકુટ માટે વિચારીએ તો રાજકારણીઓ બધા કામ ભલે પુરા ના કરી શકે પણ થોડું ઘણું તો પ્રજા માટે કરવું જ જોઈએ.
આઝાદી મળ્યાના શરૃઆતના ત્રણ દાયકા તો વાહ-વાહીમાં ગયા હતા. ગામડાની પ્રજા માટે યોજનાઓ થઈ પણ તેમના સુધી ના પહોંચી. અનેક શાસનો બદલાયા પણ કોઈ કામો ના થયા. ગામડા વધુ તુટયાં અને શહેરો વધુ સમૃધ્ધ થયા હતા.
રાજકીય અન્નકુટનો ભરપુર સ્વાદ લેવો હોય તો દરેકે મતદાન કરવું જોઈએ. સો ટકા મતદાનની કલ્પના આપણે ત્યાં અશક્ય છે પરંતુ જો ૪૦ ટકા ૫૨ થી ૬૦ ટકા પર જઈ શકાય તો ૬૦ થી ૮૦ ટકા ૯૦ ટકા સુધી લઈ જઈ શકાય છે.

Comments
Post a Comment