- સેબી અને કંપનીઓ ઘેર-ઘેર જઇ લોકોને લાભ લેવા કહેશે
- મૂડીઝે સમીકરણો બદલી નાખ્યા છે; ઉછળતો સેન્સેક્સ ઘણાંને કમાવી આપશે
સેન્સેક્સ એક લાખનો થશે એવી વાતો શેર માર્કેટ અને બજારના ખેલાડીઓના શરીરમાં લખલખું ઊભું કરે છે. પ્રથમ નજરે આ વાત કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના જેવી લાગે છે પરંતુ શેરબજારના નિષ્ણાતો આ આગાહી મક્કમ બનીને કરી રહ્યા છે.
એક લાખનો સેન્સેક્સ થતા ૨૦૨૨ આવી જશે પરંતુ ૩૩ પરથી એક લાખનો આંક એટલે કે ૬૭ હજારનો આંક વટાવતા માત્ર છ વર્ષ લાગશે.
જોકે મૂડીસનું રેટીંગ અને અન્ય આર્થિક પરિબળો જોતાં એક લાખની દિશામાં સેન્સેક્સની કૂચ ચાલુ રહેશે એમ લાગે છે.
સેન્સેક્સ વધી-વધીને કેટલો વધશે ? ૩૩ હજાર પર સેન્સેક્સ આવતા શેરબજાર હાંફે છે. તો પછી એક લાખ પર પહોંચે તો શું થાય ? એક લાખનો સેન્સેક્સ એ ટાઢા પહોરના ગપ્પા નથી પરંતુ જો કેટલાક પરિબળો પોઝીટીવ બને તો સેન્સેક્સ એક લાખ થઇ શકે !! સેન્સેક્સ એક લાખનો થાય એટલે ભારતનું શેરબજાર વિશ્વમાં ટૉપ પર આવી જાય.
શેરબજાર એક લાખ પર પહોંચવાની સંભવિતતા પાછળ જન ધનના કરોડો બેંક ખાતા પણ ઉપયોગી બનશે. આઈપીઓ ભરતા દરેકને શીખવાડાય એવો પ્લાન સેબી અને શેરબજારની કંપનીઓ કરી શકે છે. જનધન ખાતાના કારણે ડીમેટ એકાઉન્ટ (પણ તે સમસ્યા ઊભી કરે છે.)
જનધન ખાતામાં ડીમેટ એકાઉન્ટ ખોલવા પણ આસાન છે. આ સ્થિતિમાં જનધન ખાતાવાળા માત્ર આઈપીઓમાં રોકાણ કરીને નવા બિઝનેસના શ્રીગણેશ કરી શકે છે.
સેબીવાળા નાના ખાતેદારો શેરબજાર તરફ વળે એટલા માટે તાલિમ આપી રહ્યા છે. માત્ર ખાતું રાખીને શું કરવાનું ? સાઇડ ઈન્કમ ઊભી કરવા શેરબજારમાં રોકાણ કરવા સમજાવાશે.
દરિયાઇ મોજાની જેમ શેરબજાર ઊછાળા મારી રહ્યું છે. મૂડીસના આકલન પછી શેરબજાર વધુ ઊછળશે. જાણકારો કહે છે કે બજારમાં બહુ દમ નથી. સેન્સેક્સ ૩૩ હજારને પાર થયો છતાં કેટલીક સ્ક્રીપ્ટના ભાવોમાં કોઇ વધારો થયો નથી.
તેમ છતાં શેરબજારમાં ટૂંકાગાળાનું રોકાણ કરનારા તગડી કમાણી કરી રહ્યા છે તે ભૂલવું ના જોઇએ. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની માત્રામાં બમણો વધારો થતાં તેજી દેખાઇ રહી છે. એક તરફ 'સેબી'ના કડક કાયદા તો બીજી તરફ લોકોને શેરબજારમાં વધુ સમજણ પડવા લાગી છે.
લોકો શેરબજારમાં શોર્ટટર્મ વેચવાલી કરીને ઊભા થઇ જવું વધુ પસંદ કરવા લાગ્યા છે.
કમાવી આપતી સ્ક્રીપ્ટની ટીપ્સ રોજ સવારે નિષ્ણાતો આપતા હોય છે. આવી ટીપ્સ આપનારા ચોક્કસ કંપનીઓના એજન્ટ બનીને ફરતા હોય છે.
આ લોકોના ગણિત પણ ઘણીવાર સાચા પડતાં હોય છે. તેમનો એક જ નિયમ હોય છે કે શેરને બહુ પકડી ના રાખો નહીંતર તેના ભાવો તૂટશે ત્યારે તમે પણ તૂટશો.
જે લોકો એક લાખનો સેન્સેક્સ થવાની સંભવિતતા જુવે છે તેમને ખબર છે કે નીચલો મધ્યમ વર્ગ શેરબજારમાં નાણાં નહીં રોકે તો શેરબજાર આગળ નહીં આવે. આજે પણ દસ ટકા લોકો શેરબજારમાં રસ લે છે. 'સેબી' રોકાણકારો વધારવા ઝુંબેશ ચલાવે છે.
શેરબજારમાંથી કોઇ કમાઇને જતું નથી એ વાત પણ હમ્બગ છે. જો એમ જ હોત તો લોકો આઈપીઓ ભરવા લાઇનમાં ના ઊભા રહેત.
ખરેખર.. શેરબજાર એક લાખ પર પહોંચે તો ઉપર બેઠેલો હર્ષદ મહેતાનો આત્મા સંતોષ પામે કેમ કે એક લાખનો આંક તેમનો હતો. હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવાના નામો તેમજ તેમની શેરબજાર સાથે રમવાની ટેકનીક બહુ ઓછા લોકોને ફાવે છે. જ્યારે શેરબજાર તૂટે છે ત્યારે હર્ષદ મહેતા સૌને યાદ આવે છે.
શેરબજાર એ અનિશ્ચિતતાનું બીજું નામ છે. એટલે જ તે સટ્ટાબજાર બની ગયું છે. શેરબજારમાં સટ્ટો રમનારાને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. આવી રીતે સટ્ટો રમનારા આંધળુકીયું કરતા હોય છે. શેરબજાર એક ગણિત છે. તેને ગણતા શીખવાડવું જોઇએ.
શેરબજાર એ ધીરજનો વ્યવસાય છે. આમાં ઉતાવળ કરનારાને નાણા ખોવાનો વારો આવે છે.

Comments
Post a Comment