દિવાર ફિલ્મથી મિસ વર્લ્ડના તખ્તા સુધીનું કથન... 'મેરે પાસ મા હૈ'

- વિશ્વની દરેક માએ સન્માન અનુભવ્યું

- મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને ટવીટ્ર પર ચિલ્લર કહેનાર શશી થરૃર બદનામ થયા

'મેરે પાસ મા હૈ...' એ દિવાર ફિલ્મના ડાયલોગે દિવારને બ્લોક બસ્ટર બનાવી દીધી હતી. બોલીવુડની ફિલ્મોના હીટ ડાયલોગો પૈકીનો આ ટોચનો ડાયલોગ છે. સેમ સ્ટોરી મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે વિશ્વ સુંદરીની ફાઇનલમાં રિપિટ કરી હતી એમ કહી શકાય.

આખા જગતને જેમ 'મેરે પાસ મા હૈ' વાળો ડાયલોગ યાદ રહી ગયો છે. એમ વૈશ્વિક તખ્તા પર માને સર્વોચ્ચ સન્માન આપનાર માનુષી છિલ્લર પણ દરેક માના દિલમાં છવાઈ ગઈ હતી.

સૌથી વધુ પગાર કયા પ્રોફેશનલને મળવો જોઈએ ? વિશ્વ સુંદરી માનુષી છિબ્બરે જવાબ આપ્યો હતો કે 'મા'ને સૌથી વધુ સન્માન અને પગાર મળવો જોઈએ. આખું વિશ્વ આ 'મા'ના સન્માનની વાતથી રોમાંચિત થઈ ગયું હતું.

એટલો સુંદર જવાબ હતો કે આખો હોલ તાળીઓના ગડગડાટમાં છલકાઈ ગયો હતો. ડોક્ટર બનવા જઈ રહેલી માનુષી મિસ વર્લ્ડ તો બની તો બની પણ તેના જવાબે સૌના મન જીતી લીધા હતા.

મા જિંદગીમાં વિવિધ રોલ નિભાવે છે જેમ કે પળેપળ તમારી અને અન્ય સંતાનોની ચિંતા... ખાધુ- પીધું, નાસ્તાનો ડબ્બો- ક્યારે આવીશ, ભણી લીધું જેવા અનેક પ્રશ્નો વચ્ચે વિદાય આપે એ 'મા...'

તમે થાકીને ઘેર આવો ત્યારે ચા- નાસ્તાની ઓફર, 'શું ખાઈશ ?, દિવસ કેવો ગયો વગેરે પૂછપરછ વચ્ચે ઓફિસમાં મિત્રો કોણ છે વગેરે જાણી લે એ મા...'

દિકરીને કેવો વર ગમશે તેની સૌથી વધુ જાણકારી મા આપી શકે છે. બેટીને પિતા સાથે કોમ્યુનિકેશન ઓછું હોય છે પણ માનો ખોળો તેના માટે થાક ઉતારવાનું કે માથાનો દુ:ખાવો ઉતારવાનું સાધન બની જાય છે.

દિકરીને કયો ડ્રેસ ગમશે, તેની બહેનપણીઓની સ્પર્ધામાં તે ઉભી રહી શકશે કે કેમ, ઓફિસમાં શિક્ષણ દરમ્યાન તે કોઈથી ડરતી નથી ને ? તેનો બોયફ્રેન્ડ કોણ વગેરેનું ધ્યાન રાખે તે 'મા'

પોતાની દિકરીની પ્રશંસા કરવા બેસાડો તો જેને આખો દિવસ લાગે તે 'મા'. દિકરીની ગેરહાજરીમાં તેની પ્રશંસા કરે છે. દિકરીને લગ્ન અંગેની વાત ક્યારે કરવી, કયા સમયે કરવી એ બાબતે પિતા અજાણ હોય છે પણ 'મા' દિકરીનો મૂડ જોઈને મમરો મૂકી દે છે અને સફળતા પણ મેળવે છે.

માનુષી સમૃદ્ધ અને શિક્ષિત કુટુંબમાંથી આવે છે. તેના પિતા ડો. મિત્રા બાસુ છિલ્લર સંરક્ષણ સંશોધનમાં સાયન્ટીસ્ટ છે તે માતા નીલમ છિલ્લર પ્રોફેસર છે. માનુષીને પેરાગ્લાઇડિંગ અને સ્કૂબા ડાઇવિંગ જેવી સ્પોર્ટ્સ પસંદ છે. તેણે પિરિયડસ દરમિયાન હાઇજીનના વિષય પરના અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો.

સોનીપતમાં એમબીબીએસનો અભ્યાસ કરતી માનુષી મૂળ હરિયાણાની છે. ૧૧૮ સુંદરીઓ વચ્ચે તેને મિસ વર્લ્ડ જાહેર કરાઈ ત્યારે સમગ્ર ભારતે ફીલગુડનો અનુભવ કર્યો હતો.

ભારત માટે મિસ વર્લ્ડનું ટાઇટલ એ ગૌરવની વાત છે ભારતને ૧૯૬૬ (રીતા ફારિયા), ૧૯૯૪ (ઐશ્વર્યા રાય), ૧૯૯૭ (ડાયના હેડન), ૧૯૯૯ (યુક્તા મુખી), ૨૦૦૦ (પ્રિયંકા ચોપરા), ૨૦૧૭માં (માનુષી છિલ્લર) મિસ વર્લ્ડના ટાઇટલ મળ્યા છે.

એક વોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે, જ્યારે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવે છે ત્યારે મિસ વર્લ્ડ ભારતની બને છે જેમ કે, ૧૯૯૨, ૨૦૦૦ અને ૨૦૧૭માં ભાજપની સરકાર છે.

મિસ વર્લ્ડ બન્યા પછી યુવતીની લાઇફ સેલિબ્રિટી કક્ષાની બની જાય છે. એમબીબીએસમાં ભણતી માનુષી કેવી રીતે ટાઇમ ફાળવશે તે પણ પ્રશ્ન છે. જાહેર ખબરની એજન્સીઓ ખાસ કરીને સાબુ, ડિટર્જન્ટ, કાર, ટુથપેસ્ટ, ડ્રેસ મટિરિયલવાળા તેનો એડમાં મોડેલ તરીકે લેવા સંપર્ક કરશે. 

એવી જ રીતે બોલીવુડ, હોલીવુડ અને ટી.વી. સિરિયલવાળા પણ તેના સંપર્કમાં રહેશે.ગળે સ્ટેથેસ્કોપ લટકાવીને માનુષી હવે મિસ વર્લ્ડ બનતા જ સેલિબ્રિટી બની ગઈ છે.

ભારતમાં સારા સમાચારોમાં પણ હવનમાં હાડકા નાખનાર તૈયાર બેઠા હોય છે. કોંગી નેતા શશી થરૃરે મીસ વર્લ્ડ ૨૦૧૭ બનેલી માનુષી છિલ્લરની અટક અને વડાપ્રધાન મોદીએ કરેલી નોટબંધીનું મિશ્રણ કરીને કરેલી ટ્વિટે મોટો વિરોઘ કર્યો હતો. શશી થરૃર ટ્વિટર પર એક્ટિવ છે, દરેક મુદ્દાને મોદી સરકારના પગલા સાથે જોડવાનો તેમનો ટ્રેન્ડ ભારે પડયો હતો.

તેમણે એ મતલબનું લખ્યું હતું કે, નોટબંધીના કારણે ચિલ્લરના ભાવ આવ્યા છે. મિસ વર્લ્ડ માનુષીની અટક 'છિલ્લર' છે શશી થરૃરે તેને ચિલ્લર અર્થાત્ પરચુરણમાં ખપાવવા ગયા હતા પણ ટ્વિટર પરનો વિરોધ જોઈ તેમણે ફેરવી તોળ્યું હતું.

'મા'ને પગારથી નહિ પણ સન્માન આપીને તોલવી જોઈએ એમ કહી માનુષી છિલ્લરે 'મા'ના કામો ગણાવ્યા હતા અને સૌથી વધુ સપોર્ટ માએ આપ્યો છે એમ કહી તેણે માની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
ભલે ગયા શનિવારે મધર્સ ડે નહોતો પણ માનુષીએ વિશ્વની દરેક માતાને મધર્સ ડેનો અહેસાસ કરાવ્યો હતો.

Comments