રઘુરામ રાજનને નૉબલ કે ફેડરલ બેંકની વાતો માત્ર અફવા

- રાજનને સરકાર સાથે ભીડવવા પ્રયાસ

- આમ આદમી પાર્ટીએ કરેલી રાજ્યસભાની ઑફર ફગાવી હતી

- રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને યેનકેન પ્રકારે ઊંચી પોસ્ટ પર પહોંચાડવા પ્રયાસ થઇ રહ્યા છે.

આમ કરવાથી રાજનને શું લાભ થશે તેની તો ખબર નથી પણ મોદી સરકારનું નાક કપાય તેવી સ્થિતિના પ્રયાસો થતા હોવાની ચાલ દેખાઇ આવે છે. જ્યારે જ્યારે કોઇ આર્થિક સ્તરની પોસ્ટની ચર્ચા થાય ત્યારે ત્યારે રઘુરામ રાજનનું નામ અવશ્ય ઊછળે છે. અહીં ત્રણ ઘટના આપી છે, તેના પર નજર નાખતા ખ્યાલ આવશે કે મોદી સામે રાજનને લાવીને મોદી સરકારને અકળાવવાનો પેંતરો ચાલે છે. આ ઘટનાઓ ધ્યાનથી સમજવા જેવી છે.

આ ત્રણ ઘટના એટલે

(૧) રઘુરામ રાજનને નૉબલ મળી શકે છે એવા અહેવાલો.

(૨) રઘુરામને અમેરિકાની ફેડરલ બેંકના વડા બનાવાશે !

(૩) આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભાના સભ્ય પદ માટે ઑફર કરી !!

જેમ કે આર્થિક ક્ષેત્રે નૉબલ પારિતોષિક જાહેર થતા હતા તે સમયે આર્થિક ક્ષેત્ર માટે નૉબલ રઘુરામ રાજનને મળે એવી સંભાવના દર્શાવાઇ હતી.

રઘુરામ રાજનને નૉબલ મળે એ ગૌરવની વાત પણ મોદી સરકારના ટેન્ટમાં નાખુશી હતી. ટ્રેન્ડ એવો ચાલે છે કે રઘુરામ રાજનને આરબીઆઇના ગવર્નર તરીકે એક્સટેન્શન નહોતું અપાયું જે ઘણાને ખૂંચ્યંન હતું. રઘુરામ રાજન કોંગ્રેસ તરફ ઢળેલા હોવાના આક્ષેપો પણ અનેકવાર થઇ ચૂક્યા છે.

રાજકીય સમિક્ષકો એમ માને છે કે રઘુરામ રાજન કોંગ્રેસ તરફી છે એવા આક્ષેપો વચ્ચે તેમને એક્ષટેન્શન નથી અપાતું.

જો રઘુરામ રાજનને નૉબલ મળત તો ભારતમાંના તેમના સમર્થકો એમ કહેત કે આવા નૉબલ વીનરનું ભારતમાં માન નહોતું પણ વિશ્વમાં તેમના નામનો ડંકો વાગે છે. જોકે રઘુરામ રાજનનું નામ નૉબલ મેળવવાના પ્રથમ ત્રણ નામોમાં પણ નહોતું !!

બીજી ઘટના અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ બેંકના વડા તરીકે રઘુરામ રાજનને મૂકવાની હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકમાં જેનેટ એલેન નિવૃત્ત થઇ રહ્યા હતા તે પોસ્ટ પરના સંભવિત ઉમેદવારોમાં રઘુરામ રાજન ટૉપ પર હોવાના અહેવાલો ચગ્યા હતા. આ પૉસ્ટ માટે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ નિર્ણય  લેવાના હતા.

ફેડરલ રિઝર્વ બેંકમાં નોન-સીટીઝન પણ વડપણ શોભાવી શકે એમ હતા.

રઘુરામ રાજનનું નામ ઊછળતાં જ લૉબીંગ કરનારા અને માર્કેટીંગ કંપનીઓ એમ સમજી ગયા હતા કે રાજનની સરખામણીમાં કોઇ ઉમેદવાર નથી. આશ્ચર્ય તો એ વાતનું હતું કે રઘુરામ રાજન ક્યારેય આ હોદ્દા અંગેની વાતોનો પ્રતિભાવ નહોતા આપતા.

રઘુરામ રાજન પર કોંગ્રેસનો કોઇ સિક્કો નહોતો પણ યુપીએ સરકારમાં તેમની નિમણૂક થઇ હોઇ લોકો તેમને કોંગ્રેસનો ચહેરો માનવા લાગ્યા હતા.

લોકો રઘુરામ રાજનને આર્થિક નિષ્ણાત એટલા માટે ગણતા હતા કે તે ૪૦ વર્ષની ઉંમરે એક એવી વ્યક્તિ હતા કે જે 'ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ'ના ચીફ ઈકોનોમીસ્ટ તરીકે ત્રણ વર્ષ માટે નીમાયા હતા. ત્યારબાદ તે ભારતની રિઝર્વ બેંકના ગવર્નર બન્યા હતા.

તેમને બીજી ટર્મ માટે રહેવું હતું. પણ ભારત સરકાર આ અંગે સંમત નહોતી !! તેમનું પત્તું કપાયા પાછળનું એક માત્ર કારણ એ હતું કે તે યુપીએ સરકારની નિમણૂક હતી. મોદી સરકાર યુપીએ સરકાર સાથે સંકળાયેલા તમામ વડાઓને ઘરભેગા કરતી હતી.

રાજન તેમાંના એક હતા. જેમ નૉબલ પારિતોષિકમાં તેમને ચાન્સ ન મળ્યો, એમ ફેડરલ બેંક માટે પણ થયું હતું.

ટ્રમ્પે બીજાનું નામ સૂચવ્યું ત્યારે ખબર પડી કે રઘુરામ રાજન તો શરૃઆતના ટૉપ-થ્રીની યાદીમાં પણ નહોતા.

છેલ્લે અરવિંદ કેજરીવાલ પણ રાજકીય ગેમ રમવા માગતા હતા. કેજરીવાલનો પક્ષ આમ આદમી પાર્ટી રઘુરામ રાજનને રાજ્યસભામાં મોકલવા માગતી હતી.

જોકે રઘુરામ રાજને રાજ્યસભાની ઑફર ઠુકરાવતા અરવિંદ કેજરીવાલ પડદા પાછળ શું રમતા હતા તે જાહેર થઇ ગયું હતું.

રઘુરામ રાજન પોતે ટૉપના હોદ્દા પર પહોંચીને મોદી સરકારને પોતનું કૌવત બતાવવા માગે છે કે કોઇ પોતાની મેલી મૂરાદ સંતોષવા આવી ગેમ રમે છે એ ખબર પડતાં થોડીવાર લાગશે.

Comments