સંસદનું શિયાળુ સત્ર લંબાયું કોંગ્રેસ ભાજપને ભીંસમાં લેશે

- બંને પક્ષો રાજકીય વ્યૂહરચનામાં વ્યસ્ત

- ગુજરાતની ચૂંટણી પર અસર થઇ શકે એમ હોઇ ભાજપ-કોંગીની સામસામી આક્ષેપબાજી

ગુજરાતની ચૂંટણીઓની અસર ભારતના રાજકારણ પર મોટા પાયે પડી છે. એમ લાગે છે કે જો કોંગ્રેસ જીતશે તો તે કેન્દ્રમાં સરકાર રચાયા જેટલો આનંદ મનાવશે, જો ભાજપ જીતશે તો તે કોંગ્રેસ માટે છેલ્લા ધક્કા સમાન બનશે. બંને પાવરધા પક્ષો છે. બંનેની ચૂંટણી વ્યૂહરચનામાં ભલભલા રાજકીય સમિક્ષકો ગોથા ખાઇ રહ્યા છે.

કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધીએ એવો આગ્રહ રાખ્યો હતો કે ગુજરાતમાં વિજય મળે તે પછી પ્રમુખ પદના શપથ રાખો પરંતુ કોઇ અગમ્ય કારણોસર ડિસેમ્બરના પ્રથમ પખવાડીયામાં પ્રમુખ પદ તરીકેના શપથ લેશે.

જેવી કોંગ્રેસે શિયાળુ સત્ર બોલાવવાની ડીમાન્ડ કરી કે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસ સત્ર બોલાવવા ઉતાવળ કરે છે પણ ચાલવા દેતી નથી. કોંગ્રેસ રાફેલ સોદાને લઇને પ્રશ્નો પૂછીને કૌભાંડ બહાર પાડવા મથે છે. રાહુલ ગાંધી પણ શિયાળુ સત્ર માટે ડીમાન્ડ કરે છે.

શિયાળુ સત્રમાં ભાજપની ઠંડી ઊડાડી દેવાનો દાવો કોંગ્રેસ કરી રહી છે. આ દાવો તો સત્ર શરૃ થાય તો જ સાચો કે જુઠ્ઠો સાબિત થઇ શકે.

કોંગ્રેસ માને છે કે શિયાળુ સત્ર બોલાવાય તો ભાજપને ગૃહમાં વિવિધ મુદ્દે ભીંસમાં લઇ શકાય અને એવો હુમલો કરવો કે તેની અસર ગુજરાતના ભાજપ તરફ મતદારો પર પડે. ભાજપ પણ કોંગ્રેસની આ ચાલ જાણે છે એટલે તેણે પણ શિયાળુ સત્ર બોલાવવાનો નિર્ણય લટકતો રાખ્યો છે.

કોંગ્રેસના ટીકાકારો કહે છે કે કોંગ્રેસ શિયાળુ સત્ર બોલાવવા ભલે ધમપછાડા કરે છે પણ તેની પાસે ચર્ચા લાયક ખાસ કોઇ મુદ્દા નથી.

એ ખબર નથી પડતી કે એનડીએ સરકારની લોકસભામાં સ્પષ્ટ બહુમતી છે. તેના નેતાઓ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપી શકે એમ છે. તેમ છતાં શિયાળુ સત્ર અંગે કોઇ નિર્ણય લેવાતો નથી.

કોંગ્રેસ ભાજપ પર એટેક કરવાની છે તે જોઇને ભાજપે પણ નવી ચાલ રમી છે. ભાજપ ઈન્સ્ટન્ટ તલાકવાળું બીલ શિયાળુ સત્રમાં લાવશે. જો કોંગ્રેસ આ મુદ્દે ચર્ચા નહીં થવા દે તો મુશ્કેલીમાં મૂકાશે. ગઇ ૨૨ ઓગસ્ટે તલ્લાકની પ્રથા બંધ કરવા આદેશ આપ્યો હતો. શિયાળુ સત્રમાં તેને કાયદેસરનું સ્વરૃપ અપાશે.

કોંગ્રેસ કોઇપણ હિસાબે વાદ-વિવાદ ઊભો કરીને ચર્ચામાં રહેવા માગે છે. કોંગ્રેસનો સંસદ પ્રેમ એકાએક જાગી ઊઠયો છે કેમકે તે રાફેલ સોદો, નોટબંધી અને જીએસટીના મુદ્દે મોદી સરકારને ભીંસમાં લેવા માગે છે.

કોંગ્રેસ ભાજપ પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહના હિસાબો અંગે પણ સરકાર જવાબ આપે એમ ઈચ્છે છે.

કોંગ્રેસ તરફથી ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મલ્લીકાર્જુન ખડગે વગેરે શિયાળુ સત્રથી ભાજપના કપાળે પરસેવો લાવવા માગે છે. કોંગ્રેસ પાસે પ્રશ્નોનો મારો તૈયાર છે તો બીજી તરફ ભાજપ વાળા સંસદ સત્ર બોલાવવા ઠાગા-ઠૈયા કરે છે.

બંને પક્ષ રાજકીય ગેમ રમી રહ્યા છે. ભાજપ કહે છે કે કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધી કેટલો સમય સંસદમાં આવે છે તે તો પૂછો ? ટૂંકમાં આક્ષેપ - પ્રતિઆક્ષેપો વચ્ચે સંસદનું સત્ર અટવાયું છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે કોંગ્રેસ સંસદ સત્ર ચાલવા દેતી નથી; અનેકવાર તેનો બહિષ્કાર કરી ચૂકી છે.

સંસદ સત્ર ઠપ્પ થઇ જાય, ત્રણ-ચાર કલાક મૂલતવી રાખવું પડે એ હવે નવી વાત નથી રહી. ભાજપ પણ આ રીતે બહિષ્કાર માટે ટેવાયેલી હતી. હવે ભાજપ સત્તા પર છે એટલે કોંગ્રેસ બહિષ્કાર કરે છે.

સંસદ સત્ર ઠપ્પ કરવું છે કે સત્તાધારી પક્ષ પર ચાબખા મારવા છે તે વિપક્ષો સંસદની બહાર નક્કી કરી લેતા હોય છે. થોડું વાંકુ પડે એટલે 'બૉયકૉટ' એ ટ્રેન્ડ બની ગયો છે.

એવું પણ નથી કે સંસદનું શિયાળુ સત્ર ક્યારેય રદ્ નથી થયું. ઈન્દિરા ગાંધીના શાસન વખતે શિયાળુ સત્ર રદ્ કરીને ક્રિસમસ પછી બોલાવાયું હતું.

કોંગ્રેસ કહે છે કે ભાજપ શિયાળુ સત્રથી ડરે છે અને ભાજપ કહે છે કે કોંગ્રેસ પાયા વિનાની વાતો કરે છે. ટૂંકમાં શિયાળુ સત્ર સાથે ગુજરાતની ચૂંટણીઓનો પવન જોડાયેલો છે. આમ પણ બે સત્ર વચ્ચે છ મહિનાનો ગાળો જોઇએ.

કોંગ્રેસ શિયાળુ સત્ર બોલાવવાની માગ જેટલી જોર-શોરથી કરે છે એટલા જ જોરથી સંસદીય પ્રણાલીને, આચાર સંહિતાને વળગી રહેવું જોઇએ. દેશની સમસ્યાના ઉકેલ માટે બેઠેલા લોકો જ્યારે હૂંસા-તૂંસી પર ઉતરી આવીને સંસદ ઠપ્પ કરી દે તે પણ વાજબી નથી.

એનડીએ સરકારે શિયાળુ સત્ર બોલાવીને કોંગ્રેસ સાથે સમાધાનના મોડ પર આવવાની જરૃર છે.

Comments