સરકાર પણ 'હેકર્સ'ને નોકરી પર રાખશે, ડેટા ચોરીનો ડર...

- વોટ્સએપ ઘેર ઘેર ઉપયોગી બન્યું

- ઇ - કોમર્સ સાઇટનો ડેટાચોરી ગ્રાહકોને સસ્તી કિંમતે ગેજેટ વેચવાનું કાવતરું

હેકર્સનો ત્રાસ સર્ફર અનુભવે છે પરંતુ મોટું તંત્ર ચલાવતા સરકારી એકમો પણ હેકર્સને દુર રાખવા મથે છે. વિચાર કરો કે મેટ્રો ટ્રેન આગળના બદલે પાછળ ભાગે અને તે ટ્રેક પરની બીજી ટ્રેન સાથે અથડાય અથવા તો રનવે પર ઉતરતું વિમાન દિવાલ સાથે ટકરાય તો શું થાય? આવી કલ્પનાથી પણ ધૂ્રજારી છુટી જાય છે. જોકે હેકર્સ આવા તોફાન કરાવી શકે છે.

મેટ્રો ટ્રેન, એરપોર્ટ, ન્યુક્લીયર પાવર પ્લાન્ટ જેવા મહત્ત્વના સ્થળોને હેકર્સ ટાર્ગેટ બનાવે તો મોટું નુકસાન કરી શકે છે.ઘણીવાર ઈન્ફોર્મેશન ટેકનોલોજીના નિષ્ણાંતો કરતાં હેકર્સ વધુ તેજસ્વી સાબિત થયા છે. આવા હેકર્સ ઘણીવાર શોખ ખાતર હેકીંગ કરતા હોય છે તો ઘણીવાર પૈસાની લાલચથી ત્રાસવાદીઓનો હાથો બની જાય છે.

ત્રાસવાદીઓ પાસે લખલૂટ પૈસો છે. આ લોકો હેકર્સને ખરીદી શકે છે. ત્રાસવાદીઓના પ્લાન સરકારી તંત્રને ઉંધું પાડવાનું હોય છે. હેકર્સ દૂર બેઠા-બેઠા અને એકપણ ગોળી ચલાવ્યા વગર સરકારનું કામ ઉંધું-ચત્તું કરી શકે છે.

પ્રાઈવેટ કંપનીઓ પોતાના હેકર્સ રાખે છે, જે કંપનીના કોમ્પ્યુટર્સને અન્ય હેકર્સના હુમલાથી બચાવે છે.

આપણે જેને એથીકલ હેકર્સ કહીએ છીએ તેનું નેટવર્ક સરકાર ઉભું કરવા માગે છે. આવા હેકર્સ સાયબર ક્ષેત્રના ખલનાયકો દ્વારા થતા હુમલાને અટકાવી શકે છે.

આમર્સ, સ્કેમર્સ સહિતના સાયબર વીલનોને ખાળવા જરૃરી બની ગયા છે.હેકર્સ એટલા સાયલન્ટ થઈને ત્રાટકે છે કે પ્રાઈવેટ કંપનીઓને ખબર પણ નથી પડતી. જ્યારે ડેટા ચોરાય છે અને ફાયનાન્સના ટ્રેક પર હેકર્સ ત્રાટકે છે ત્યારે ખબર પડે છે કે ઘણું નુકશાન થઈ ગયું છે. કેટલીક કંપનીઓએ તેમના સ્ટાફને કડક સૂચનાઓ આપી હોય છે કે તમે અજાણ્યા મેલ કે પોર્નોગ્રાફીના ફોટા ડાઉનલોડ ના કરો!

એક જ સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરમાં મોટું નુકસાન થઈ શકે છે. અજાણ્યાઓ સાથે ઓનલાઈન ચેટીંગ વગેરેથી દૂર રહેવા જણાવાય છે. ઓફિસના કોમ્પ્યુટર પર સોશ્યલ નેટવર્કની સાઈટનો ઉપયોગ કરવો નહીં કેમકે તેના પર હેકર્સની નજર હોય છે. પ્રાઈવેટ કંપનીઓ વારંવાર હેકર્સના ટ્રેપમાં ફસાય છે. કહે છે કે ઘણાં ખંડણી આપીને બચી જાય છે.

સરકાર માને છે કે હેકર્સ મોટા પ્રોજેક્ટ પર કબજો ના જમાવે તે માટે વળતો પ્રહાર કરવા કે બચવા હેકર્સની ટીમ ઉભી કરવી જરૃરી છે. ગયા અઠવાડીયે ૧૨૦ દેશોની સાયબર સ્પેસ પર યોજાયેલ ગ્લોબલ કોન્ફરન્સમાં બેસ્ટ હેકર્સને એવોર્ડ પણ અપાયા હતા. તેમણે કોમ્પ્યુટર્સમાં રહેલા લૂપહોલ્સને શોધી બતાવ્યા હતા.

પાકિસ્તાન અને રશિયાના હેકર્સ લૂપહોલ્સ મારફતે માલવેર મોકલતા હતા. મોઝીલા ફાયર ફોક્સ જ્યારે બજારમાં આવ્યું ત્યારે હેકર્સે તેમાંના લૂપહોલ્સ શોધી કાઢ્યા હતા. અંતે સ્થિતિ એ આવી કે મોઝીલા ફાયર ફોક્સ વાપરનારાના કોમ્પ્યુટર હેક થવા લાગ્યા હતા. ગુગલ ક્રોમ બ્રાઉઝરે લૂપહોલ્સ ના હોય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ગુગલ ક્રોમ આજકાલ સૌથી વધુ વપરાતું બ્રાઉઝર છે.

દિલ્હીમાં યોજાયેલ ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસ એ નેશનલ ક્રીટીકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટરના નેજા હેઠળ યોજાઈ હતી. કોન્ફરન્સમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી જેવા શહેરને તો હેકર્સ સાવ ઠપ્પ કરી શકે છે.

વોટ્સ એપ ઉપયોગી બન્યું
વોટ્સ એપ પર રોજના એક અબજ એક્ટીવ યુઝર્સ છે. વોટ્સઅપના વપરાશની સાથે- સાથે તેને ચેટ એપ્લીકેશનનો વપરાશ પણ વધ્યો છે. વોટ્સ એપના કારણે એસએમએસને તો મોટો ધક્કો પહોંચ્યો છે. આજકાલ એસએમએસ બોક્સ માત્ર ટ્રાન્ઝેકશન માટે કે પાસવર્ડ મેળવવાના 'ઓટીપી' માટે વપરાય છે. આ રીતે વોટ્સ એપ આપણી રોજીંદી લાઇફ-સ્ટાઇલ સાથે વણાઇ ગયું છે. આ એપ્લીકેશન આપણા મિત્રો અને કુટુંબીજનો માટેનો સંપર્ક વધારનાર બની ગઇ છે.

ઇ-કોમર્સનો ડેટા ચોરીને છેતરપિંડી

ઇ-કોમર્સના વધતા વ્યાપની સાથે સાયબર ક્રિમિનલ પણ સક્રીય છે. ઉત્તર પ્રદેશમાં એક સાયબર ગેંગે 'સ્નેપ ડીલ'માંથી ડેટા ચોર્યો હતો. તેમણે છેતરપિંડી માટે કોલ સેન્ટર પણ ખોલ્યા હતા. આ ત્રણ ભેજાબાજોએ ઇ-રીટેલ વેબસાઇટ પરના ડેટા લઇને ગ્રાહકોને સસ્તાભાવે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટસ વગેરે આપવાનું પ્રોમીસ કરતા હતા.

આ સસ્તા ભાવ માટે સામેથી ફોન આવતા ગ્રાહકો આકર્ષાતા હતા. પૈસા આવી જાય એટલે આ સાયબર ક્રિમીનલ્સ કોઇને માલ મોકલતા નહોતા. સ્નેપડીલનો ડેટા ચોરીને તેના પરથી ગ્રાહકની ખરીદીનો ટ્રેન્ડ વગેરેનો અભ્યાસ કરતા હતા. આ ક્રિમીનલ્સ રોજ એક શહેરને ટાર્ગેટ કરતા હતા અને આસાનીથી પાંચ લાખ મેળવી લેતા હતા. સ્નેપડીલમાંથી બોલું છું એવો ફોન આવે એટલે લોકો ફસાતા હતા. મુંબઇની એક મહિલાને આઇફોન ૨૧,૦૦૦ રૃપિયાની ઓફર કરાઇ હતી.

પહેલાં પૈસા જમા કરાવો પછી ૭-૮ દિવસમાં શીપમાં માલ આવશે એટલે મળશે. ત્રણ ગણી ઓછી કિંમતે આઇફોન મળતો જોઇ ગ્રાહક ફટાફટ પૈસા મોકલી આપે છે. આ પૈસા ચાઉં કરી દેવાય છે. પેમેન્ટ મળ્યા પછી ઇ-વોલેટ બદલી નખાય છે. આ ગેંગની પોલીસે ધરપકડ કરી હતી.

Comments